સુરત(Surat) : વરાછા (Varacha) વિધાનસભા બેઠકના (Assebly Seat) ભાજપના (BJP) ધારાસભ્ય કુમાર કાનાણીએ (MLAKumarKanani) વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. આ વખતે કાનાણીએ સુરતની ટ્રાફિક પોલીસ (SuratTrafficPolice) પર સનસનીખેજ આક્ષેપ (Aligation) કર્યા છે.
- કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ, વરાછાને ટ્રાફિક પોલીસે ટાર્ગેટ કરે છે
- રૂટ ન હોવા છતાં ક્રેઈન ચાલકો વાહનો ઉપાડી જાય છે, રત્નકલાકારોનો તોડ કરાતો હોવાનો આક્ષેપ
- વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત શહેર પોલીસ કમિશનને કરી ફરિયાદ
સુરતની ટ્રાફિક પોલીસ ઈરાદાપૂર્વક વરાછા વિસ્તાર અને વરાછાના રહીશોને ટાર્ગેટ કરતી હોવાનો આરોપ કાનાણીએ મુક્યો છે. ટ્રાફિક પોલીસની ક્રેઈન રૂટ ન હોવા છતાં વરાછામાંથી વાહનો ઉપાડી જઈ રત્નકલાકારોનો તોડ કરતી હોવાની ફરિયાદ કાનાણીએ સુરત શહેર પોલીસ કમિશનર કરતા ખળભળાટ મચી ગયો છે.
દબંગ છાપ ધરાવતા કુમાર કાનાણી સત્તાપક્ષના ધારાસભ્ય હોવા છતાં તંત્રની ખામીઓ છતી કરવામાં પાછી પાની કરતા નથી. આ વખતે કુમાર કાનાણીએ સુરત શહેર ટ્રાફિક પોલીસ પર આક્ષેપ કર્યા છે. ભાજપના ધારાસભ્યએ શહેર પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસ તોડ કરતી હોવાનો આરોપ મુક્યો છે. ટ્રાફિક પોલીસ રત્નકલાકારો પાસે ખોટી રીતે રૂપિયા પડાવતી હોવાનો આક્ષેપ કર્યો છે.
શું આક્ષેપ કર્યા કુમાર કાનાણીએ?
કુમાર કાનાણીએ સુરત શહેર પોલીસને લેખિત ફરિયાદ કરવા સાથે એક વીડિયો મેસેજ પણ મુક્યો છે, જેમાં કાનાણીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, નાના વરાછા અને સરથાણા કામરેજ ટ્રાફિકની ક્રેન ખોટી રીતે વરાછા વિસ્તારમાંથી વાહનો ટોઇંગ કરી તોડ કરે છે. સર્કલ-1 સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની ક્રેન નં.1 ગેરકાયદે વાહન ટોઈંગ કરે છે.
વાહનોને ટોઈંગ કરીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે. ત્યાં વાહનચાલકો પાસેથી તોડ કરાય છે. ખાસ કરીને વરાછાના રહીશો અને અહીં કામ કરતા રત્નકલાકારો જેવા નાના માણસોને લૂંટવામાં આવી રહ્યાં છે. પોલીસ કમિશનર આ બાબતને ધ્યાનમાં લઈ તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કાનાણીએ કરી છે.