SURAT

સુરતમાં વર્દી વિનાના પોલીસવાળા: તોડબાજ ટ્રાફિક પોલીસે ઉઘરાણા માટે વચેટિયા રાખ્યા, જુઓ વિડીયો

સુરત: સુરત ટ્રાફિક પોલીસ અને વિવાદનો સંબંધ જૂનો છે. ઠેરઠેર વાહનચાલકો પાસેથી વિવિધ નિયમોના બહાને દંડના ઉઘરાણા કરવા માટે સુરતની ટ્રાફિક પોલીસ બદનામ છે. સુરતમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરની પ્રજાના સહયોગથી ટીઆરબી જવાનોની આખી ફોજ ઉભી કરવામાં આવી હતી તેને પણ સુરત ટ્રાફિક પોલીસે ઉઘરાણામાં લગાવી દીધી હતી, જેની અનેક ફરિયાદો ઉઠતા હવે સુરત ટ્રાફિક પોલીસે વર્દી વિનાના વચેટિયાઓને ઉઘરાણા માટે રાખ્યા છે. પોલીસ બાબુ ચોકીમાં કે પછી રોડની કોર્નર પર છાંયડામાં બેઠાં હોય અને તેમના માણસો વાહનચાલકો પાસેથી સાહેબના નામે 50થી 500 રૂપિયાનો દંડ ઉઘરાવતા હોય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

(Surat) સુરતની ટ્રાફિક પોલીસના (Traffic Police) ભ્રષ્ટ્રાચારનો (corruption) બોલતા પુરાવા સમાન વધુ એક વિડીયો (Viral Video) સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દંડના નામે ઉઘરાણા માટે સુરત ટ્રાફિક પોલીસે વચેટિયાઓને (Middle Man) રાખ્યા છે. સુરતના પૂણા ગામ સરદાર માર્કેટથી સ્ટેશન તરફ જવાના રસ્તા પર રોજ સવારે આ રીતે વચેટિયાઓ ઉઘરાણા કરતા હોય છે, જેનો વિડિયો સામે આવ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા આ વિડીયો ઉતારીને વાયરલ કરી દેવાયો છે. સ્ટેશન વિસ્તાર તરફ જવાના બ્રિજ પર સવારે 5થી 7 વાગ્યા દરમિયાન ટ્રાફિક વિભાગના ત્રણથી ચાર જવાનો તેમજ વચેટિયાઓ સક્રિય થઈ જાય છે અને વાહનોને રસ્તાની વચ્ચે ઉભા રાખીને દંડના નામે ઉઘરાણા કરે છે. આ સમય એવો હોય છે જ્યારે એપીએમસી માર્કેટમાં શાકભાજીના ટ્રક, ટેમ્પાની ભારે અવરજવર રહેતી હોય છે. આમ તો ટ્રાફિક પોલીસ દિવસ દરમિયાન પણ ક્યારેક જ ડ્યૂટી કરતી દેખાતી હોય છે તે એપીએમસી માર્કેટના રોડ પર સવારે 5 વાગ્યાથી સક્રિય થઈ જાય છે, જેનો હેતુ માત્રને માત્ર ઉઘરાણા જ હોવાનું વિડીયો પરથી સ્પષ્ટ થાય છે.

વાહનચાલકો પાસેથી નિયમ પાલનના બહાને ખુલ્લેઆમ રસ્તામાં જ વચેટિયાઓ 50થી 500 રૂપિયા વસૂલે છે અને બાદમાં ટ્રાફિક પોલીસની ચોકીમાં જઈને હિસાબ કરી ભાગબટાઈ કરે છે. સુરતના જાગૃત નાગરિકો દ્વારા આ અંગેનો વિડીયો ઉતારવામાં આવતા વચેટિયાઓ રોકેટ ગતિએ પોલીસ ચોકીમાંથી ભાગી છૂટ્યા હતા, જ્યારે પોલીસ કર્મચારીઓ નફ્ફટાઈપૂર્વક વર્તન કરતા દેખાયા હતા, જે ચોકીમાં વચેટિયા બેસીને ભાગબટાઈ કરતા હતા તે ચોકીના જવાબદાર પોલીસ કર્મી પોતે તે વચેટિયાને ઓળખતા જ નહીં હોવાનું બેજવાબદારીભર્યું કથન બોલતા વિડીયોમાં સંભળાય છે.

વિડીયો વાયરલ થયા બાદ આ સમગ્ર મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે મેં અગાઉ પણ સરકારને રજૂઆત કરી છે કે ટ્રાફિકના દંડના બહાને સુરત પોલીસ ઉઘરાણા કરે છે. આ વિડીયો સામે આવ્યા બાદ હવે કસૂરવારો સામે કાર્યવાહી થવી જોઈએ.

Most Popular

To Top