SURAT

‘મારી ગાડી અહીંથી કેવી રીતે ઉઠાવી લઇ જાવ છો’ કહી યુવકે પોલીસ સાથે મારામારી કરી

સુરત: સુરતમાં એક યુવકે નાની વાતમાં પોલીસ સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. અહીંના પાલનપુર પાટીયા શાકભાજી માર્કેટ પાસે ‘નો પાર્કીંગ’માં પાર્ક કરેલી બાઈક ઉંચકી રહેલા ટ્રાફિક પોલીસ અને ક્રેઇનના કર્મીને ગાળો આપી ઝપાઝપી કરનાર બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી રાંદેર પોલીસે ધરપકડ કરી હતી.

રાંદેર (Rander) પોલીસ (Police) પાસેથી મળતી માહિતી મુજબ ટ્રાફિક (Traffic) શાખાના રિજીયન 4 ના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહ ભદોરીયા સ્ટાફ સાથે ગઈકાલે સાંજે ‘નો પાર્કીંગ’ (No Parking) ઝોનમાં પાર્ક વાહન ટો કરી ટ્રાફિક ગોડાઉનમાં મુકવાની કામગીરી કરી રહ્યા હતા. પાલનપુર પાટીયા પાસે શાકભાજી માર્કેટથી જવાના રસ્તે સ્થાનિક દુકાનદારો દ્વારા નો પાર્કીંગનું બોર્ડ લગાવ્યું હતું. ત્યાં ત્રણથી ચાર ટુ વ્હીલર પાર્ક કરાઈ હતી. જેથી પોલીસ ક્રેઇનના સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરતી વેળા ત્યાંથી પસાર થતી વેળા ‘નો પાર્કીંગ’માં પાર્ક મોપેડ અને બાઇક ટ્રો કરી રહ્યા હતા. ત્યારે સાહીલ યાસીન દિવાન (ઉ.વ. 25 રહે. 14, સરિતા સોસાયટી, વિનોદ મોટર્સ પાસે, જહાંગીરપુરા) ત્યાં પહોંચી ગયો હતો. અને તેને મારી ગાડી અહીંયાથી કેવી રીતે ઉઠાવી લઇ જાવ છો એમ કહી ગાળાગાળી કરી ક્રેઇનના સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી. જેથી તેની સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ગોડાદરામાં દડિયા બનાવવાના મશીનમાં શોર્ટસર્કિટથી આગ
સુરત : ગોડાદરામાં આસપાસ મંદિર પાસેની નિલકંઠ સોસાયટીમાં એક મકાનમાં દડિયા બનાવવાના મશીનમાં શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળી હતી. શુક્રવારની બપોરે ચાર વાગ્યાના અરસામાં આગ લાગતા ત્યાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની ડુંભાલ ફાયર વિભાગને જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં ફાયરકર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં મશીન તેમજ ઘરવખરીને નુકશાન થયું હતું. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહીં હોવાનું ફાયરવિભાગે જણાવ્યું હતું.

ડભોલીમાં ગેસ સિલિન્ડર લીકેજ થવાથી આગ ભભૂકી, ઘરવખરીને બળીને ખાખ
સુરત: ડભોલી વિસ્તારની સત્યમનગર સોસાયટીના ગેટ પાસે રહેલા સિક્યુરિટીગાર્ડના ઘરમાં શુક્રવારની સાંજે 5 વાગ્યે ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરમાં ખામીને કારણે ગેસ લીકેજ થવાથી આગ ફાટી નીકળતાં અફરાતફડી મચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં કતારગામ ફાયરના લાશ્કરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં ફાયરકર્મીઓએ અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી, એમ ફાયરવિભાગે જણાવ્યું હતું.

Most Popular

To Top