SURAT

સુરતમાં મેટ્રોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા અહીં આ ફેરફાર કરવાની માંગ કરાઈ

સુરત: (Surat) શહેરમાં મેટ્રોની (Metro) કામગીરીને પગલે ઠેકઠેકાણે બેરીકેડીંગ કરી દેવાયા છે. જેના કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. શહેરીજનો ટ્રાફિકને (Traffic) કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે વિસ્તારોમાં મેટ્રોની કામગીરી હજી શરૂ નથી થઈ ત્યા પણ બેરીકેડીંગ કરી દેવાતા લોકોને ખુબ જ હાલાકી થઈ રહી છે અને લોકો રોષે ભરાયા છે. ખાસ કરીને શહેરના કોટ વિસ્તારમાં કે જ્યાં પહેલેથી જ સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિકની સમસ્યા થતી હતી ત્યાં હવે મેટ્રોના કારણે રસ્તા પર બેરીકેડીંગ કરી દેવાતા ટ્રાફિક થઈ રહ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં કે જ્યાં મેટ્રો અંડરગ્રાઉન્ડ પાસ થવાની છે ત્યાં ઘણા સમયથી કામ શરૂ કરી દેવાયું છે અને અહી ચોક, કાદરશાની નાળ વગેરે વિસ્તારમાં ટ્રાફિક થઈ રહ્યો છે. ત્યારે કાદરશાની નાળનું સર્કલ કે જે ખુબ જ મોટુ છે તે નાનુ કરવા નગરસેવક વ્રજેશ ઉનડકટે રજુઆત કરી છે.

સ્થાયી સમિતિની બેઠકમાં સભ્ય વ્રજેશઉનડકટ દ્વારા આ સર્કલને નાનુ કરવા માંગ કરી હતી, કારણ કે, આ વિસ્તારના રસ્તાઓ ખુબ જ સાંકડા છે અને અહી દબાણોની પણ સમસ્યા છે જેથી લોકોને પહેલેથી જ અહી ટ્રાફિકની સમસ્યા છે. ત્યારે હવે મેટ્રોનું પણ કામ શરૂ થઈ જતા લોકોને ખુબ જ હાલાકી થઈ રહી છે. જેથી મેટ્રોનું કામ પુર્ણ થાય ત્યા સુધી આ સર્કલને નાનુ કરવા વ્રજેશ ઉનડકટે રજુઆત કરી હતી. વધુમાં તેઓએ આ વિસ્તારમાં બીરયાનીની લારીઓ તેમજ ભંગાર વાળાઓને કારણે જે રસ્તા પર દબાણ થાય છે તે પણ હટાવવા માંગ કરી હતી કે જેથી ટ્રાફિક હળવું થઈ શકે. મેટ્રોનું કામ પુર્ણ થયા બાદ ફરીવાર સર્કલ મોટું કરી શકાય તેમ તેઓએ જણાવ્યું હતું.

Most Popular

To Top