સુરત: (Surat) વરાછામાં 29 લાખના હીરાની ચોરીના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીને પકડી પાડ્યા હતા. આ બંને પૈકી એક આરોપી કારીગર નીકળ્યો હતો અને તેણે એક મહિના પહેલાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. કારીગરની નોકરી છીનવાય નહીં એ માટે વેપારીએ કારીગરને માફ કરી દીધો હતો અને તેનો ગેરલાભ ઉઠાવીને કારીગરે મોટો હાથ મારવા ફરીવાર ચોરી (Theft) કરી હતી.
- વરાછામાં 29 લાખના હીરાની ચોરી કરનાર કારીગર જ નીકળ્યો
- વેપારીએ એટલા માટે માફ કર્યો હતો કે લોકડાઉનમાં કોઈની રોજીરોટી છીનવાય નહીં
- વેપારીની માનવતાં છતાં કારીગર સુધર્યો નહીં અને પોતાના મિત્રને બોલાવી ચોરી કરી
પ્રાપ્ત વિગતો મુજબ વરાછાના વૃંદાવન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના વિભાગ-1માં આવેલા ભીંગરાડિયા બ્રધર્સના કારખાનામાં ગુરુવારે 29 લાખના હીરાની ચોરી થઇ હતી. આ બાબતે કારખાનાના માલિક કિશોરભાઇ રામજીભાઇ ભીંગરાડિયાએ પોલીસમાં ફરિયાદ આપી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે (Police) વરાછા હીરાબાગ પાસે શક્તિનગર સોસાયટીમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ સિંગબહાદુર પાત્રા અને કાપોદ્રા ભક્તિનગરમાં રહેતા ગૌતમ ચેતનભાઇ ડાભીની ધરપકડ કરી હતી. આ બંનેની પૂછપરછ કરતાં રાજેશ કિશોરભાઇને ત્યાં કામ કરતો હતો.
એક મહિના પહેલાં પણ રાજેશે ચોરીનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં આવી જતાં કિશોરભાઇએ રાજેશને માફ કરી બીજીવાર આવું ન કરે એ માટે માફીપત્ર લખાવ્યો હતો. શેઠની ઉદારતાનો ગેરલાભ ઉઠાવી રાજેશે ફરીવાર પ્લાન બનાવ્યો હતો. આ વખતે રાજેશે તેના મિત્ર ગૌતમને બોલાવ્યો હતો અને 29 લાખના હીરાની ચોરી કરી હતી. રાજેશે બપોરના સમયે કારખાનાનો દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો, ત્યારે ગૌતમ બહારથી આવ્યો હતો અને હીરા ચોરી કરીને ભાગ્યો હતો. આ ઘટના પણ કેમેરામાં કેદ થઇ ગઇ હતી અને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે રાજેશ અને ગૌતમની ધરપકડ કરી તેઓની પૂછપરછ શરૂ કરી છે.
મહિધરપુરાના કોન્સ્ટેબલે દવા લેવા આવેલી મહિલાને ગાળો આપી તોછડું વર્તન કર્યું
સુરત : મહિધરપુરા પોલીસ ફરી વિવાદમાં આવી છે. કોન્સ્ટેબલે દવા લેવા આવેલી એક મહિલા સાથે અભદ્ર વર્તન કરી મહિલાના પતિની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. પોલીસે મેડિકલ દુકાનમાં ઊભેલા દંપતીને દબડાવી ફટકારવાની વાતથી મહિધરપુરામાં લોકોનો પોલીસ સામે રોષ ફાટી નીકળ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગલેમંડી રોડ ઉપર આવેલા એક મેડિકલ સ્ટોરમાં એક મહિલા 9 વર્ષના પુત્ર અને પતિ સાથે દવા લેવા માટે આવી હતી. અહીં મહિધરપુરા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તેમણે મહિલા અને તેના પતિને રોકી સવાલ-જવાબ કર્યા હતા. મહિલાએ મેડિકલમાં જવાનું કહેતાં તેમને ના પાડી ઘરે જવાનું કહેવામાં આવ્યું હતું. બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગેરવર્તન કરાતાં મહિલાએ તેનો વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કોન્સ્ટેબલે મહિલા અને તેના પતિને ગાળો આપી પતિની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. પોલીસે જાહેરનામાના ભંગના ગુના સાથે પોતાનો લૂલો બચાવ કર્યો હતો. આ ઘટના અંગે મહિધરપુરા પીઆઇનો સંપર્ક કરાતાં તેમણે ઘટના બની જ ન હોવાનું મીડિયા સમક્ષ કહ્યું હતું.