સુરત: (Surat) સરથાણામાં દિવાળીના (Diwali) દિવસે રાત્રીના સમયે એક ચોરને (Thief) પકડી પાડીને દુકાનદાર અને તેની સાથે બીજા માણસોએ લોખંડના પાઇપ તેમજ લાકડાના ફટકા વડે માર મારીને ઘાતકી હત્યા (Murder) કરી નાંખી હતી. આ હત્યાને અકસ્માતમાં ખપાવી દેવા માટે ખોટી સ્ટોરી ઊભી કરી દીધી હતી. પરંતુ પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરીને વીડિયો ફૂટેજ ચેક કરતા હત્યાની ઘટના બહાર આવી હતી. પોલીસે દુકાનદાર સહિત સાતની સામે ગુનો નોંધ્યો હતો અને પાંચની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ લસકાણાના રામદેવ નગરમાં ભાથીજી મહારાજના મંદિરની સામે રહેતા ગૌતમસિંગ જુગતસિંગ રાજપુરોહિત લસકાણાના ડાયમંડ નગર કળથીયા ઇન્ડસ્ટ્રીઝમાં મહાદેવ ટ્રેડર્સના નામથી કરિયાણાનો વેપાર કરે છે. તેમની દુકાનમાં દિવાળીના રાત્રીએ કામ પુરુ કરીને ઘરે જઇ રહ્યા હતા. દુકાનમાં કામ કરતા સવાઇસીંગ, મદનસિંગ તેમજ દિપસિંગ દુકાનમાં સૂવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેઓને એક ચોર નજરે પડ્યો હતો. ચોરએ આ ત્રણેય કર્મચારીઓને જોઇને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય પૈકી મદનસિંગએ ચોરની પાસેથી પ્લાસ્ટીકની થેલીમાંથી રોકડા રૂપિયા કબજે લઇને પોલીસને જાણ કરી હતી. ચોરી કરીને ભાગેલા યુવકનું અકસ્માતે મોત થયાની સ્ટોરી ઊભી કરીને સરથાણા પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસે મૃતકને સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ તેને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં સરથાણા પીઆઇ એમ.કે. ગુર્જર અને તેમની ટીમ દ્વારા ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરીને વીડિયો ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ચોર બાકોરુ પાડીને અંદર આવે છે, ત્યારબાદ મદનસિંગ, સવાઇસીંગ અને દિપસિંગ તેને પકડી પાડી છે. બાદમાં તેઓ દુકાનના માલિક ગૌતમસિંગને પણ બોલાવે છે. આ તમામ મળીને રાત્રીના સમયે જ શટર બંધ કરી ચોરને માર મારે છે. ચોરને કોઇ બાહ્ય ઇજા નજરે પડી ન હતી પરંતુ જ્યારે તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે યુવકને ગંભીર ઇજા થઇ હતી અને લીવર પણ ફાટી ગયુ હોવાનું બહાર આવ્યું હતું. સરથાણા પોલીસે ગૌતમસિંગ, એક સગીર સહિત સાતની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને પાંચની ધરપકડ પણ કરી હતી.
કેવી રીતે હત્યા કરવામાં આવી
- રાત્રે 1 વાગ્યાના અરસામાં ચોર બાકોરુ પાડીને અંદર આવે છે
- 1.28 મીનીટે ચોર દુકાનમાં આંટા-ફેરા મારતો નજરે પડે છે
- 1.38 મીનીટે મદનસિંગ સહિત અન્ય બે યુવકો પણ દુકાનમાં આવે છે
- રાત્રે 4.42 સુધી એટલે કે ચાર કલાક સુધી દુકાનના શટર બંધ રહે છે અને અંદર તમામ ભેગા થઇને ચોરને માર મારે છે
- સવારના સમયે યુવકને બહાર ફેંકીને પોલીસને કોલ કરવામાં આવે છે
- ચોર ભાગવામાં રહ્યો અને તેને માથામાં ઇજા થઇ હોવાની ખોટી સ્ટોરી બનાવાઇ
- પોલીસે યુવકને બેભાન અવસ્થામાં સ્મીમેરમાં લઇ ગયા
- સ્મીમેરના ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યા બાદ પેનલ પોસ્ટમોર્ટમ કરાયું
- પીએમ રીપોર્ટમાં યુવકનું લીવર જ ફાટી ગયુ હતુ અને હત્યા કરાયાનું બહાર આવ્યું
મૃતક અમદાવાદનો વતની હોવાનું દુકાનદારે જ જાણી લીધું હતું
પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક સતીષ વજુભાઇ પરમાર (ઉ.વ.32)ને માર મારવામાં આવ્યો હતો. આ યુવક બેભાન જેવો થઇ ગયો ત્યારે દુકાનદાર ગૌતમસિંગએ જ સતીષને બધુ પુછીને જાણી લીધુ હતુ. સતીષ અમદાવાદનો વતની હોવાનું કહીને તેના સંબંધી સાથે પણ ગૌતમસિંગએ વાત કરી હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે આ યુવક બેભાન જેવો થઇ ગયો ત્યારે જ પોલીસને જાણ કરીને અકસ્માતની સ્ટોરી ઊભી કરી દીધી હતી. પરંતુ પોલીસની તપાસમાં આ સમગ્ર એક વાર્તા નીકળી હતી અને દુકાનદારે જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
ગૌતમસિંગએ સતીષની સામે ચાર હજારની ચોરીની ફરિયાદ આપી
સતીષ ચોરી કરવા આવ્યો હતો, ચોરી કરીને ભાગવા જતા તેને માથામાં ઇજા થઇ અને તેનું અકસ્માતે મોત નીપજ્યાની વાર્તા ઉપજાવી કાઢ્યા બાદ બીજા દિવસે દુકાનદાર ગૌતમસિંગએ સતીષની સામે રૂા. 4 હજારની ચોરીની ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે ચોરીની ફરિયાદ લઇને તપાસ શરૂ કરી હતી.