સુરત: (Surat) શહેરના પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં ઘરફોડ ચોરી (Thief) કરી તરખાટ મચાવનાર મધ્યપ્રદેશની ગેંગને પાંડેસરા પોલીસે (Police) ઝડપી પાડી હતી. આ ગેંગ ખુલ્લા મેદાન અને જંગલ જેવા વિસ્તારમાં આવેલી સોસાયટીઓને (Society) ટાર્ગેટ કરી ચોરી કરતા હતા. પોલીસ તેમની પાસેથી એરગન, દાતરડા સહિતના હથિયાર સાથે સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી 2.95 લાખનો મુદ્દામાલ કબજે કરી 5 આરોપીઓની ધરપકડ કરી હતી.
પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમીઝરા રેસીડેન્સી, કેશરીનંદન ફ્લેટ્સ, રામેશ્વર ગ્રીન, ભેસ્તાન શિવમ રો-હાઉસ તથા સોમેશ્વર સોસાયટીમાં રાત્રીના સમયે છ થી આઠેક માણસો ધાડ/ઘરફોડના ગુનાઓને અંજામ આપ્યો હતો. એક પછી એક થઈ રહેલી ચોરીના ગુનાઓએ પોલીસની ઉંઘ ઉડાડી હતી. આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પાંડેસરા પોલીસની ટીમ કામે લાગી હતી. ત્યારે પાંડેસરા પોલીસની ટીમને રામેશ્વરમ ગ્રીન ખાતે ફ્લેટમાં સોના ચાંદીના દાગીના તથા રોકડાની ચોરી કરી તેમજ ફ્લેટ નીચે એક પુરૂષના ગળા પર ચપ્પુ મુકી સાથેની મહિલા પાસેથી પર્સ ઝુંટવી તેનો મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયાની લૂંટ કરનાર આરોપીઓ પોતાના હિસ્સાના ભાગના સોના ચાંદીના દાગીના લઇ વતન તરફ જવા માટે સિધ્ધાર્થનગર ચાર રસ્તા તરફ જઇ રહ્યા હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપી રમેશ બાબુ મેહડા (ઉ.વ.૨૫, રહે- હાલ પાંડેસરા GIDC ગુપ્તા ડાઇંગ મીલની પાસે ખુલ્લા પડાવમાં તથા મુળ ટાંડા જીલ્લા-ધાર, મધ્યપ્રદેશ), હીરાસીંગ બાબુ મેહડા (ઉ.વ.૨૩ રહે- હાલ રહે-પાંડેસરા GIDC ન્યૂ ભારત ડાઇંગ મીલની પાસે ખુલ્લા પડાવમાં), મુળ જીલ્લા-ધાર, મધ્યપ્રદેશ), રાજુ ઇમાનસીંગ સિંગાડ (ઉ.વ.૧૮, રહે. ગુપ્તા ડાઇંગ મીલ પાસે આવેલ ઝૂંપડામાં પાંડેસરા જી.આઇડી.સી. તથા મુળ ધાર, મધ્યપ્રદેશ) અને માંગીયા ઉર્ફે મગન બાલુ અજનાર (ઉ.વ.૪૦, હાલ રહે-પાંડેસરા GIDC મુળ ધાર, મધ્યપ્રદેશ) તથા મુકામ બિંચ્છુ મેહડા (ઉ.વ ૨૨ રહે- ઘોડદલીયા ગામ, થાના-ટાંડા જીલ્લા-ધાર, મધ્યપ્રદેશ) ને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ચાંદીના સિક્કા, સોનાના દાગીના અને 30 હજાર રોકડા મળી આવ્યા હતા. આ સિવાય 3 દાતરડા, 1 એર ગન, 1 હથોડી મળી આવતા પોલીસે કુલ 2.95 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપીઓએ પાંડેસરામાં ચાર, ડિંડોલીમાં એક અને કડોદરામાં એક મળી 6 ચોરીઓ કરી હતી. આરોપી રમેશ બાબુ મહેડાની સામે તો છત્તીસગઢ ખાતે બાલકો પોલીસ સ્ટેશનમાં પણ ચોરીનો ગુનો દાખલ છે.
પાછળ ખુલ્લું મેદાન હોય તેવી સોસાયટીને ટાર્ગેટ કરતા હતા
આરોપીઓ ગુનો આચરતા પહેલા દિવસ દરમ્યાન કોઇ એક ચોક્ક્સ સોસાયટી પસંદ કરતા હતા. જે સોસાયટીની પાછળ ખુલ્લું મેદાન અથવા જંગલ જેવો વિસ્તાર હોય તે સોસાયટીમાં ચોરી કરવાનું નક્કી કરતા હતા. સાંજના સમયે જ્યારે લોકોની અવર-જવર વધારે હોય ત્યારે તે જંગલ કે ખુલ્લા મેદાનમાં પ્રવેશ કરતા હતા. અને તેમાં જ રાતના બે વાગ્યા સુધી બેસી રહેતા હતા. બે વાગે હથિયારો સાથે સોસાયટીની પાછળની દિવાલ કુદી સોસાયટીમાં પ્રવેશ કરતા હતા. મકાનના તાળા તોડી ચોરી કરી પરત ચાર વાગે જંગલમાં જઇ બેસતા હતા. સવાર થતા પોતાની ઓળખ છુપાવવા માટે લોકોની અવર-જવર વધે એટલે તેઓની સાથે નીકળી પોતાના વતન મધ્યપ્રદેશ ખાતે જતા રહેતા હતા.