સુરત: (Surat) ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસોમાં (Farm House) ચોરી કરનાર બે રીઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. અન્ય એક આરોપી વોન્ટેડ (Wanted) હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન આ આરોપીઓ દ્વારા સુરતના વરાછા, અડાજણ, મુંબઇ, વલસાડ જેવા વિસ્તારોમાં ફાર્મ હાઉસમાં ચોરી (Theft) કરવામાં આવતી હોવાનું માલૂમ પડ્યું છે. તેમાં આરોપીઓ રાત્રીના સમયે ઝાડી ઝાંખરીમાં રહીને પછી મધ્યરાત્રે ચોરી કરતા હતા.
- આંતર રાજ્ય બંગાળી ગેંગના આરોપીઓ અગાઉ અડાજણ, વરાછા ઉપરાંત મુંબઇ, વલસાડ, નવસારી, વડોદરામાં ચોરી કરી ચૂક્યા છે
- આરોપીઓ સૂનસાન વિસ્તારનાં એકલ દોકલ બંગલા અને ફાર્મ હાઉસને ટાર્ગેટ કરતા હતા
ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા આરોપી (1) રાજુ મોહમંદ જેનાલ શેખ, (ઉ. વર્ષ 36 રહેવાસી નિલમ હોટલની પાછળ, કડોદરા ચાર રસ્તા મૂળ રહે જનતાસેવક સોસાયટી, મોરી રોડ, માહીમ મુંબઇ) અને (2) રફીક ઉર્ફે મિથુન ઉર્ફે લીટોન માઝીદ શેખ, (ઉ. વર્ષ 31, ધંધો મજૂરી, હાલ રહે ઇન્કમટેક્સ કોલોની, ઇસ્ટ બાન્દ્રા, મુંબઇ મૂળ રહેવાસી વેસ્ટ બંગાલ મૂલપાડા) અગાઉ અજમેર ખાતે મુલાકાત થઇ હતી. આ ઉપરાંત આ આરોપીઓ સાથે અન્ય એક આરોપી જે હાલમાં વોન્ટેડ છે, તેમાં રાજુ મોહમંદ શેખનો સમાવેશ થાય છે.
આ રીતે કરતા હતાં પ્લાનિંગ
આરોપીઓ કિમ દરગાહ પાસે ભેગા થતા હતા. અને અંદરના વિસ્તારમાં રહેલા બંગલા અને ફાર્મ હાઉસને ટાર્ગેટ કરતા હતા. તેમાં તેઓએ બંધ બંગલા અને ફાર્મ હાઉસમાંથી વ્યાપક ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. તેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી આ આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી.
ગોડાદરામાં બંધક બનાવી લૂંટ ચલાવી
સુરત : ગોડાદરામાં ભરબપોરે એક મહિલા અને ત્રણ પુરુષોની ટોળકીએ એક મકાનમાં ઘુસી જઇને તેઓને બંધક બનાવી દીધા હતા, ઘરમાંથી આ ટોળકીએ સોનાચાંદીના દાગીના, ભગવાનની મૂર્તિ અને રોકડ સહિત કુલ્લે રૂા. 3.23 લાખની લૂંટ ચલાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરાના પરવતગામમાં આવેલા વિકાસનગરના ઘર નંબર-૩૪માં રહેતા સીમાબેન દયારામભાઈ પટેલ (ઉ.વવ57) પોતાની ઘરની બાજુમાં જ આવેલા એક મકાનમાં ગેસફીટીંગ તેમજ વાલ્વ ફીટીંગનું કામ કરે છે. તેની સાથે વરાછામાં રહેતો વિમલ નામનો યુવક પણ કામ કરતો હતો. આ બંને ભાગીદારીમાં વેપાર કરતા હતા. વરાછાથી આવતો વિમલ સીમાબેનની સાથે જ તેના ઘરે બપોરે જમી લેતો હતો. સીમાબેન અને વિમલ બંને બપોરે જમીને થોડો આરામ કરવા માટે ઘરમાં બેઠા હતા ત્યાં જ એક મહિલા અને ત્રણ પુરુષની ટોળકી આવી હતી. આ ચારેયએ વિમલની સાથે ધક્કામુક્કી કરી હતી. ત્રણ પુરુષોએ પહેલા વિમલને બાંધી દીધો હતો અને બાદમાં સીમાબેનને પણ બાંધી દીધા હતા.
ત્યારબાદ ચારેયએ ઘરમાંથી લૂંટ કરવાનું શરૂ કર્યું હતું. લૂંટારુ ગેંગએ શરૂઆતમાં મંદિરમાંથી ભગવાનની મૂર્તિ, સોના-ચાંદીના દાગીના, કેમેરો, એક મોબાઇલ તેમજ રોકડ સહિત કુલ્લે રૂા. 3.30 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સીમાબેનની હાથની દોરી ઢીલી હોવાથી તેને હાથને ખેંચીને દોરી છોડી નાંખી હતી. ત્યારબાદ સીમાબેનએ પુત્રની દોરી પણ છોડીને ઘરની બહાર આવી બુમાબુમ કરી હતી. થોડીવારમાં આજુબાજુમાંથી લોકો ભેગા થઇ ગયા હતા અને ગોડાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટના અંગે લૂંટનો ગુનો નોંધીને લૂંટારુ ટોળકીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.