surat : સુરત મનપાની ચૂંટણીમાં ( election) ભાજપને 27 બેઠક ઉપર હરાવીને મજબૂત વિપક્ષ તરીકે સ્થાપિત થયેલા આમ આદમી પાર્ટી ( આમ aadmi party ) ના નગરસેવકો ભાજપ ( bhajap) શાસકોને હંફાવી રહ્યા છે. પરંતુ હવે શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ‘આપ’માં ( aap) ગાબડું પાડીને 12 પૈકી 11 બેઠક કબજે કરવા ભાજપના નેતાઓએ તખ્તો તૈયાર કરી દીધો હોવાની ચર્ચાથી સુરતનું રાજકારણ ગરમાયું છે. જો કે, ભાજપ માટે શિક્ષણ સમિતિની એક બેઠક કોઇ મહત્ત્વની નથી. પરંતુ આ દાવ ખેલીને અતિ ઉત્સાહમાં આવી ભાજપ માટે વહીવટમાં ડગલે ને પગલે મુશ્કેલી ઊભી કરી રહેલા વિપક્ષને માપમાં રહેવાનો સંદેશ આપવા ગોઠવણ કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
વિસ્તૃત વિગત મુજબ શિક્ષણ સમિતિની કુલ 15 બેઠકમાં 3 પર સરકાર નિયુક્ત સભ્યો આવે છે. ત્યાર બાદ વધેલી 12 બેઠક માટે ચૂંટણી જાહેર થઇ ચૂકી છે. સામાન્ય સભામાં સંખ્યાબળ જોતાં ભાજપના હિસ્સે 10 અને આમ આદમી પાર્ટીના ભાગે બે બેઠક આવી શકે તેવી સ્થિતિ છે. જો કે, આમ આદમી પાર્ટીએ જે બે બેઠક પર દાવેદારી કરી તે બંને સામાન્ય બેઠકો પર જ કરી છે. તેથી એસસી અને ઉચ્ચ શિક્ષણની અનામત બેઠક પર ઉમેદવારી કરનારા ભાજપના ચાર સભ્ય તો બિનહરીફ થઇ ગયા છે. તેથી હવે 8 બેઠક માટે કુલ 10 ઉમેદવાર છે. જેમાં એક ઉમેદવારને નિયમાનુસાર ચુંટાયેલા સભ્યોનું સમર્થન નહીં હોવાથી ફોર્મ રદ થઇ જશે અને આઠ બેઠક માટે 9 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. તેમાં જો વિપક્ષનો એક સભ્ય ગેરહાજર રહે કે પોતાના હિસ્સાના આઠ વોટ પૈકી ચારનું પણ ક્રોસ વોટિંગ કરે તો આપનો એક ઉમેદવાર હારી જાય તેવી સ્થિતિ છે. જેની ગોઠવણ થઇ ચૂકી હોવાનું કહેવાઇ રહ્યું છે.
મતોની ગણતરી : કેવી રીતે શાસકો ‘વિપક્ષ’ને ધૂળ ચટાવી શકે ?
શિક્ષણ સમિતિની 12 બેઠક માટે ચૂંટણી જાહેર થઇ હતી, તેમાં એક એસસી અને ત્રણ ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ માટેની એમ ચાર બેઠક પર વિપક્ષની ઉમેદવારી નથી. વિપક્ષે પોતાના સભ્યોની સંખ્યા ધ્યાને રાખી જે ઉમેદવારી કરી તે માત્ર સામાન્ય બેઠકો પર કરી છે. તેથી આ ચારેય બેઠક બિનહરીફ થઇ ચૂકી છે. હવે બાકી રહેતી આઠ બેઠક માટે 10 ઉમેદવાર પૈકી એક ઉમેદવારનું ફોર્મ રદ થવાનું છે. તેથી નવ ઉમેદવાર રહેશે, જેમાં ભાજપના સાત અને આપના બે હશે. દરેક નગરસેવકને આઠ-આઠ મત આપવાના હોય છે. એટલે ભાજપના 93 સભ્યના 744 તેમજ વિપક્ષના 27 સભ્યના 216 મળી કુલ 960 મત થશે. જેને કુલ ઉમેદવારોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે અને તેમાં વધુ મતો મેળવનાર સભ્યોને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ ભાગાકાર કરતાં એક સભ્યએ જીતવા માટે 106થી વધુ મતોની જરૂર પડે. વિપક્ષના કુલ 216 મત થાય છે. પરંતુ જો એકપણ સભ્ય ગેરહાજર રહે અથવા તો તેના આઠ મત પૈકી ચાર મતનું પણ ક્રોસ વોટિંગ કરે તો શાસક પક્ષ સાત બેઠક પર જીતી જાય અને વિપક્ષને માત્ર એક જ બેઠક મળી શકે. સૂત્રોના જણાવ્યા મુજબ તો ભાજપે વિપક્ષના બે સભ્યને તોડવા માટે સોગઠાં ગોઠવી દીધાં છે.