સુરત: (Surat) શહેરના પીપલોદ વિસ્તારમાં કાપડ વેપારીએ (Textile trader) ઘરની દેખરેખ કરવા વોચમેન રાખ્યો હતો. પરંતુ આ વોચમેન (Watchman) જ ઘરમાંથી દોઢ લાખના સોનાની ચેન અને પેન્ડલની ચોરી કરી ગયો હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પ્લોટ બાલાજી નગર પાસે રહેતા 46 વર્ષીય રવિકાંત પ્રેમનારાયણ કોઠારી કાપડનો વેપાર કરે છે. તેમના કાકા યાદવભાઈ ચંપાલાલ કોઠારી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. તેમના કાકા રોજ સવારે ત્રણ વાગ્યાથી ઘરમાં મંદિરમાં પૂજાપાઠ કરે છે. અને તેઓ પોતે પહેરેલી સોનાની ચેન અને રામ લખેલું પેન્ડલ પણ પૂજામાં મૂકીને તેની રોજ પૂજા કરે છે.
ચાર પાંચ કલાક સુધી ચાલતી આ પૂજામાં મદદ માટે તેમને બંગલામાં એક વોચમેન શુભમસિંહ રાકેશસિંહ (રહે,બરસવા હસ્વા, ફતેહપુર, ઉત્તરપ્રદેશ) નામના વ્યક્તિને રાખ્યો હતો. વોચમેન તેમને પૂજાપાઠમાં પણ મદદ કરતો હતો. પૂજા કરીને યાદવભાઈ બાથરૂમમાં ફ્રેશ થવા ગયા ત્યારે વોચમેન સોનાની ચેન લઈને નાસી ગયો હતો. યાદવભાઈ બાથરૂમમાંથી બહાર આવી મંદિરમાં ચેન લેવા ગયા ત્યારે ચેન જગ્યા પરથી ગાયબ હતી. તેમને વોચમેનને બૂમો મારી બોલાવતા તે પણ ગાયબ જણાઈ આવ્યો હતો. ઉમરા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી છે.
પાલગામમાં જલારામ મંદિરમાંથી 3 દાનપેટી અને સીસીટીવીના ડીવીઆર મળીને 1.10 લાખની ચોરી
સુરત: પાલ ગામમાં આવેલા જલારામ મંદિરમાંથી ત્રણ અજાણ્યા મંદિરની દાન પેટીમાં રહેલા 1 લાખ રોકડા અને સીસીટીવીના ડીવીઆરની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
પાલ ગામ ખાતે આવેલ ટેકરી મોહલ્લા જલારામ ચોક પાસે રહેતા ૪૮ વર્ષીય ભરતભાઈ ચીમનભાઇ પટેલ ખેતીકામ કરે છે. તથા તેઓ ગામમાં આવેલા શ્રી જલારામ સેવા ટ્રસ્ટમાં છેલ્લા ૨૦ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે. 27 તારીખે વહેલી સવારે તેમના કાકાનો દિકરો વિજયભાઈ ચંપકભાઈ પટેલ મંદિર સાફ સફાઈ કરવા આવ્યા હતા. ત્યારે મંદિરનું તાળું તૂટેલું જોઈ તેમને તાત્કાલિક ભરતભાઈને ફોન કર્યો હતો. ભરતભાઈ સહિતના ટ્રસ્ટીઓએ આવીને જોયું તો મંદિરમાં દરવાજાનું તાળું તૂટેલું હતું. તેમને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તપાસ કરતા મંદિરનો સામાન તથા સીસીટીવી નું ડીવીઆર તથા મંદિરમાં મુકેલી ત્રણ દાનપેટી તૂટેલી હાલતમાં હતી. છેલ્લા અઢી મહિના માં દાનપેટીમાં આવેલા પૈસા જે આશરે એક લાખ રૂપિયા તથા ડીવીઆરનો સામાન મળી આશરે 1.10 લાખની ચોરી થઈ હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગામમાં જ શારદા રોહાઉસ માં આવેલા ઘર પણ ચોરી થઇ હતી.