દિવાળી આડે હવે એક જ મહિનાનો સમય બાકી છે, ત્યારે સુરતના કાપડ ઉદ્યોગમાં વેપારી અને મિલ માલિકો વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે. જોબચાર્જ વધારવાના મુદ્દે ચાલતો ગજગ્રાહ એટલી હદે વધી ગયો છે કે શહેરના કેટલાંક મિલ માલિકોએ તો મિલોને બંધ કરી દેવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કરી દીધા છે. તહેવારની મોસમમાં કામની દોડાદોડીના બદલે વેપારી અને મિલમાલિકો વચ્ચે ચાલતી હૂંસાતૂંસી સમગ્ર ઉદ્યોગનું વાતાવરણ બગાડે તેવો ભય ઉભો થયો છે.
વાત એમ છે કે કાચા માલમાં સતત થઈ રહેલાં ભાવ વધારાના લીધે કાપડની મિલો હવે ધોળાં હાથી સમાન બની ગઈ છે. કાપડની મિલોમાં કાપડને રંગવા અને પ્રિન્ટ કરવા માટે કલર, કેમિકલ અને કોલસાનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં આ ત્રણેય કાચા માલના ભાવ ખૂબ વધ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો કરતા પણ વધુ ભાવ કલર, કેમિકલ અને કોલસાના વધ્યા છે. હજુ ગયા મહિને કોલસાનો ભાવ 10,000 હતો તે અત્યારે વધીને 11,500 થઈ ગયો છે. કલરનો ભાવ 15 ટકા અને કેમિકલ તો 40થી 45 ટકા જેટલું વધ્યું છે.
કોરોનાની પ્રથમ લહેર પૂરી થઈ ત્યાર બાદથી જ કાચા માલના ભાવ વધી રહ્યાં છે. છેલ્લાં આઠેક મહિનાથી તો મિલમાલિક એવા પ્રોસેસર્સ પોષાતું નહીં હોવાની બૂમો મારી રહ્યાં છે. બેથી ત્રણ વાર તો જોબચાર્જમાં વધારો કરવા માટે કાપડના વેપારીઓ સાથે ચર્ચાવિચારણા પણ કરી હતી. જ્યારે જ્યારે બંને પક્ષ વચ્ચે જોબચાર્જને લઈને ચર્ચા થાય ત્યારે તકરાર જ થતી આવી છે. આ વખતે વધુ એકવાર જોબચાર્જને લઈને કાપડના વેપારી સંગઠનો વિરોધ કરી રહ્યાં છે. વેપારીઓના વિરોધને પ્રોસેસર્સ ગણકારતા નથી. કારણ કે મોટા ભાગે વેપારી અને પ્રોસેસર્સ આંતરિક સમજૂતીથી જ ભાવ નક્કી કરતા હોય છે. પરંતુ હૂંસાતૂંસીના લીધે ઉદ્યોગનો માહોલ બગડતો હોય છે.
આ વખતે પણ એવું જ બન્યું છે. પ્રોસેસર્સે જોબચાર્જમાં 50 પૈસાનો વધારો કરવાની હિલચાલ કરતા વેપારી સંગઠનો સોશિયલ મીડિયામાં વિરોધ કરી રહ્યાં છે. ત્યારે કેટલીક મિલોના નામથી સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે. આ મેસેજે ચોંકાવી દીધા છે. આ મેસેજ અનુસાર 14 કાપડની મિલો એક મહિના માટે બંધ કરવામાં આવનાર છે. તા. 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી મિલો બંધ કરી દેવાની એનાઉન્સમેન્ટ એક રીતે મેસેજમાં કરવામાં આવી છે. મિલોના નામ પણ મેસેજમાં લખવામાં આવ્યા છે. આ મેસેજના લીધે સામી દિવાળીએ કાપડ ઉદ્યોગમાં ભયનો માહોલ ઉભો થયો છે.
હાલમાં દિવાળીને એક જ મહિનો બાકી હોય કાપડની મિલોમાં ખૂબ ઓર્ડર છે. 100 ટકા ક્ષમતા સાથે પ્રોસેસિંગ યુનિટો ધમધમી રહ્યાં છે ત્યારે મિલો બંધ કરવાના મેસેજથી બિનજરૂરી હાઉ ઉભો થયો છે. જોકે, 1 નવેમ્બરથી 30 નવેમ્બર એક મહિનો મિલો બંધ કરવાનો મેસેજ છે. 4 નવેમ્બરના રોજ દિવાળી છે ત્યાર બાદ આમેય 15 દિવસ કાપડ માર્કેટ બંધ રહેતી હોય છે અને લગભગ એક મહિના સુધી કામ ધીમી ગતિએ જ ચાલતુ હોય છે, તેથી મિલો બંધ રહેવાથી કાપડ ઉદ્યોગને કોઈ ફરક પડશે નહીં, પરંતુ જોબચાર્જના મુદ્દે ચાલતી ચડભડ વચ્ચે આ મેસેજના લીધે ઉદ્યોગનું વાતાવરણ ડહોળાવાનો પ્રયાસ થયો હોવાનું સ્પષ્ટ છે.
અમે કોઈ જાહેરાત કરી નથી, મંગળવારે સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનની મંગળવારે મિટીંગ મળશે: જીતુ વખારીયા
સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારીયાએ કહ્યું કે, સંગઠન તરફથી બંધનું કોઈ એલાન કરવામાં આવ્યું નથી. મિલમાલિકોએ જાતે મેસેજ કર્યો હોય તો તે તેમની જવાબદારી છે. અમારા સંગઠનની મિટીંગ જોબચાર્જ મુદ્દે મંગળવારે મળનારી છે, તેમાં નીતિગત નિર્ણયો લેવામાં આવશે. વખારીયાએ વધુમાં કહ્યું કે, હાલમાં પ્રોસેસર્સ પ્રતિ મીટર 50 પૈસાથી 1 રૂપિયા સુધી ખોટ કરી રહ્યાં છે. મિલો ચલાવવી હવે મોંઘી પડી રહી છે. નુકસાની થતી હોય તેવા સંજોગોમાં પ્રોસેસર્સ જોબચાર્જમાં વધારો કરે તે તેના વેપારી અને તેની વચ્ચેનો આંતરિક મામલો છે. તેની પર વિવાદ કરવો અયોગ્ય છે.