સુરત: (Surat) યુક્રેન -રશિયા યુદ્ધ (UkraineRussiaWar), શ્રીલંકા સંકટ (ShrilankaCrisis) અને ક્રૂડના (Crude) વધતા ભાવોને લીધે સુરત ટેક્સટાઇલ (Surat Textile) કલસ્ટરનો પ્રોસેસિંગ ઉદ્યોગ (Processing Industry) ભીંસમાં મુકાયો છે. ટેક્સટાઇલ મિલોમાં (Textile Mills) ઉપયોગમાં લેવાતાં કલર, કેમિકલ, ડાઈઝ, હાઇડ્રો, કોલસો સહિતના રો-મટિરિયલના ભાવો 50 થી 60 ટકા સુધી વધી જતાં સાડીનું ઉત્પાદન કરનાર મિલોને નુકસાન થઇ રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં સુરત ટેક્સટાઇલ રિજયનમાં આવેલી 15 મિલો બંધ થઈ ગઇ છે. સચિન, પાંડેસરા અને પલસાણા જીઆઇડીસીની બીજી 9 મિલોએ હંગામી બંધ રાખવા મંજૂરી માંગી છે.
- યુક્રેન -રશિયા યુદ્ધ, શ્રીલંકા સંકટ અને ક્રૂડના વધતા ભાવોને લીધે પ્રોસેસિંગ ઉદ્યોગ ભીંસમાં
- પ્રોસેસિંગ મિલો મહિને 15 થી 20 લાખની ખોટ કરી રહી છે
- પૂરતું કામ નહીં મળતું હોય કારીગરોને પરિવારનું ગુજરાન ચલાવવાના પણ ફાંફાં
જાણકારો કહે છે કે કોવિડના (Covid) કેસો ફરી મળી રહ્યાં છે એને લઈને પણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચિંતા છે. ડોમેસ્ટિક માર્કેટમાં પણ લોકો જીવન જરૂરિયાત પૂરતા જ વસ્ત્રો ખરીદી રહ્યાં છે. સુરતના ટેક્સટાઇલ રિજયનમાં પ્રત્યેક પ્રોસેસિંગ મિલ મહિને 15 થી 20 લાખની ખોટ કરી રહી છે. ડાઇંગ મિલો પણ મહિને 7 થી 10 લાખની ખોટ કરી રહી છે. જે મિલો બેન્ક લોન પર ચાલી રહી છે તેના માટે હંગામી ધોરણે મિલ બંધ કરવા સિવાયનો વિકલ્પ રહેતો નથી. તેઓ નુકસાની નહીં વધે તે માટે ઉત્પાદન બંધ રાખવાનો છેલ્લો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે.
ઇન્ટુકના મહામંત્રી અને લેબર કોન્ટ્રાક્ટર કામરાન ઉસમાની કહે છે કે, હોળી પછી મિલો મહિને 17 થી 18 દિવસ જ ચાલી રહી છે. જો કારીગરોને મહિને 22 થી 24 દિવસનું કામ નહીં મળે તો તેમના પરિવારનું ગુજરાન ચાલી શકે નહીં. કોરોના પછી કારીગરનો પગાર વધ્યો નથી. બીજીબાજુ જીવન જરૂરિયાતની ખાદ્ય વસ્તુઓ, ગેસ સિલિન્ડર, વિજબીલ અને ઘર ભાડામાં વધારો થયો છે. મંદીને લીધે યુપી, બિહાર, ઓડિશા ગયેલા કારીગરો પરત આવી રહ્યાં નથી. અત્યારે ઉદ્યોગ 40 ટકા કારીગરો ઉપર જ નિર્ભર છે
આંતરરાષ્ટ્રીય કારણોને લીધે 50 ટકા કેપેસિટીથી મિલો ચાલી રહી છે : કમલવિજય તુલસ્યાન
પાંડેસરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કમલવિજય તુલસ્યાન કહે છે કે, યુક્રેન -રશિયા યુદ્ધને લીધે ક્રૂડ ઓઈલના ભાવ વધતાં યાર્ન સહિતના ટેક્સટાઇલ રો-મટિરિયલના ભાવ ખૂબ વધી ગયા છે. શ્રીલંકા સંકટની અસર પણ પ્રોસેસિંગ ઉદ્યોગ પર પડી છે. કાપડનું કોસ્ટિંગ ઊંચું ગયુ છે. બીજી તરફ ફેબ્રિક્સની ડિમાન્ડ નથી. છતાં યાર્નના ભાવો વધી રહ્યાં છે. પ્રોસેસિંગ એકમો 50 ટકા કેપેસિટીથી ચાલી રહ્યાં છે. મોટાભાગની મિલો ખોટ કરી કારીગરોને ટકાવી રહી છે. કોરોના પછી લોકો મોબાઈલ, ગેઝેટ માટે વધુ ખર્ચ કરી રહ્યાં છે અને ફેબ્રિક્સની ખરીદી ઓછી કરી રહ્યાં છે . ટેક્સટાઇલમાં રિટેલ અને હોલસેલની ચેઇનને અસર થઈ છે. જોકે પ્રોસેસિંગ મિલના સંચાલકો આશાવાદી છે કે, રક્ષાબંધન, નવરાત્રી અને દિવાળીની સિઝન પહેલા માર્કેટ ઊંચકાશે. તો બધું પોઝિટિવ થશે.
રો-મટિરિયલના ભાવ વધતા ફેબ્રિક્સનું કોસ્ટિંગ વધ્યું છે : જીતેન્દ્ર વખારિયા
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના વધેલા ભાવની અસર ટેક્સટાઇલ રો-મટિરિયલ પર જોવા મળી છે. 26 મે થી 6 જૂન સુધી 4 વાર યાર્નના ભાવ વધ્યા છે. કલર, કેમિકલ, કોલસો મોંઘો થતાં સાડીનું કોસ્ટિંગ ઊંચું જઈ રહ્યું છે. બીજી તરફ ડોમેસ્ટિક ડિમાન્ડ નથી એટલે એની અસર મિલો પર પડી રહી છે. ઉનાળુ વેકેશન 13 તારીખે પૂરું થાય ત્યારે માર્કેટ પૂરે પૂરું ખુલશે. રક્ષાબંધનથી દિવાળી સુધીની સિઝન પર બધા મીટ માંડીને બેઠા છે.