સુરત: (Surat) પોલિએસ્ટર સ્પન યાર્ન પર 20 ટકા એન્ટી ડમ્પિંગ ડયુટી (Anti dumping duty) લાગુ કરવાના ડીજીટીઆરના ચૂકાદા પછી ગઇકાલે કેન્દ્રના ટેક્સટાઇલ (Textile) સેક્રેટરી ઉપેન્દ્રસિંઘે 8 જેટલા પીએસવાય સ્પિનર્સોના એસોસિએશન અને વપરાશ કર્તા વિવર્સ વતી ફિઆસ્વી અને વિવિંગ સોસાયટીઓના પ્રતિનિધિઓની અલગ અલગ રજૂઆત સાંભળી હતી. હજી આ મામલો કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયથી થઇ આખરી મંજૂરી માટે નાણામંત્રાલય સુધી પહોંચે તે પહેલા સ્પિનર્સોના સંગઠનો દ્વારા ડોમેસ્ટિક સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીને રક્ષણ આપવા માટે એન્ટી ડમ્પિંગ ડયુટી લગાવવાની ડીજીટીઆરની ભલામણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi) આભાર માનતી જાહેરાતો નેશનલ ટેલિવિઝન ચેનલો પર ચલાવવામાં આવતા ફિઆસ્વી અને વિવિંગ સોસાયટીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી નોર્ધન ઇન્ડિયા ટેક્સટાઇલ મિર્લ્સ એસોસિએશનની દબાણ ઉભુ કરવાની આ પ્રવૃત્તિ સામે નારાજગી વ્યકત કરી છે.
- પોલિએસ્ટર સ્પન યાર્નની ડયુટી વિરોધ: બેઠકના બીજા દિવસે સ્પિનર્સોએ વડાપ્રધાનનો આભાર માનતી જાહેરાતો ચલાવી
- સ્પિનર્સોનો ચેનલ પર જાહેરાતો કરી સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ, વિવર્સ નારાજ
ફિઆસ્વીના પ્રમુખ ભરત ગાંધી, પ્રતિનિધિ મયુર ગોળવાળા અને પાંડેસરા વિવર્સ સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતીએ વડાપ્રધાનને પત્ર લખી ચેતવ્યા છે કે જો પોલિએસ્ટર સ્પન યાર્ન પર 20 ટકા એન્ટી ડમ્પિંગ ડયુટી લાગુ થશે તો 4.5 લાખ પાવરલૂમ એકમો પર કામ કરતા 3 લાખ કામદારોની રોજગારી પર વ્યાપક અસર થશે. આ ક્ષેત્રમાં ટેકનોલોજી અપગ્રેડેશન માટે વિવિંગ ઉદ્યોગ દ્વારા 14 હજાર કરોડનું મૂડી રોકાણ કરવામાં આવ્યું છે તેને પણ મોટો ફટકો પડશે.
ડીજીટીઆરની ભલામણ માત્રથી સ્પિનર્સોએ પીએસવાય યાર્નમાં કિલોએ 44 રૂ. વધારી દીધા
ચેમ્બર ઓફ કોમર્સની એન્ટી ડમ્પિંગ અને એન્ટી સબસિડિ ડયુટીની કમિટિના ચેરમેન મયુર ગોળવાળાએ રજૂઆત કરી છે કે 16 જુલાઇ 2021થી 1 નવેમ્બર 2021 દરમિયાન પોલિએસ્ટર સ્પન યાર્નના રોમટીરીયલ પર માત્ર 18 રૂ.નો ભાવવધારો થયો છે. તેની સામે સ્પિનર્સોએ કિલો દીઠ યાર્નમાં 44 રૂ. વધારી કિલોએ 26 રૂ.ની નફાખોરી કરી છે. જે 8 કંપનીઓ આ યાર્ન બનાવે છે તેમાં 6 કંપનીઓ કરોડોનો નફો બેલેન્સીટ પર કંપની રજીસ્ટ્રારમાં દર્શાવ્યો છે. વિવિંગ સંગઠનોએ આયાતી યાર્નના જે આંકડા મેળવ્યા છે તે પ્રમાણે માત્ર 12.46 ટકા યાર્ન વિદેશથી આયાત થાય છે. બાકીનું યાર્ન ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી બનાવે છે તે જોતા મોટા પ્રમાણમાં ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરી રહી છે. તે જોતા આયાતી યાર્ન પર 20 ટકા ઇમ્પોર્ટ ડયુટી લાગુ થવી ન જોઇએ.