સુરત: (Surat) પાલિકા કમિશ્નરને રજૂઆત કરવામાં આવ્યા પછી ફોસ્ટાએ રેપિડ ટેસ્ટના (Rapid Test) સર્ટી. સાથે પણ માર્કેટમાં પ્રવેશવા છૂટ આપવા આવી હોવાની જાહેરાત કરવા છતાં આજે રિંગરોડની મહાવીર અને આરકેટી માર્કેટમાં આરટીપીસીઆર ટેસ્ટનું સર્ટિ. અને રસીકરણનું સર્ટિ. લીધા વિના આવેલા વેપારીઓ અને કામદારોને માર્કેટમાં (Market) પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. સવારે માર્કેટ ખુલતા જ પાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સિકયોરીટીનો સ્ટાફ ગેટ પર ગોઠવાઇ ગયો હતો. પાલિકાના કર્મચારીઓએ આરટીપીસીઆર ટેસ્ટ કે રસીના સર્ટી. વિના માર્કેટમાં પ્રવેશવા માટે પાલિકાએ કોઇ છૂટ આપી હોય તો વેપારીઓને પરિપત્ર રજૂ કરવા જણાવતા વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો.
- મ્યુનિ.કમિ.ને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ મહાવીર અને આરકેટી માર્કેટમાં પ્રવેશ અપાયો નહીં
- પ્રવેશ નહીં આપવામાં આવતાં વેપારીઓઅને કામદારો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો
વેપારીઓનો આક્રોશ એ હતો કે ફરજિયાત રસીકરણના આગ્રહને લીધે કાપડ માર્કેટમાં કામ કરતા 40 ટકા કામદારો અને પોટલા ઉંચકનારા માર્કેટમાં આવી રહ્યા નથી. તેને લીધે માલ ટ્રાન્સપોર્ટમાં મોકલવામાં મુશ્કેલી પડી રહી છે. આરટીપીસીઆર ટેસ્ટના સર્ટિ. પણ 3 થી 4 દિવસે મળે છે. વેક્સિન આપવાની સંખ્યા પણ ઓછી હોવાથી વેપારીઓ અને કામદારો રેપિડ ટેસ્ટના સર્ટિ. રજૂ કરી રહ્યા છે. જો કે આ સર્ટિ. ત્રણ દિવસ માટે જ માન્ય રાખવામાં આવી રહ્યા છે. વેપારીઓ દ્વારા ફોસ્ટાને રજૂઆત કરવામાં આવી છે. જોકે ત્યાંથી પણ વેક્સિન લઇ લેવા જણાવવામાં આવ્યું છે. જેથી માર્કેટમાં પ્રવેશવાનો પ્રશ્ન ઉકેલાઇ જાય.
ઔદ્યોગિક શહેરોમાં બે દિવસનો કર્ફ્યૂ રાખવામાં આવે તો ઉદ્યોગ વેપાર પર કેવી અસર પડશે તેની વિગત માગવામાં આવી
સુરત: ગુજરાત હાઇકોર્ટનો આદેશ આવે તે પહેલા રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલ તથા ઉદ્યોગ વિભાગના અધિકારીઓ દ્વારા રાજયના મહાનગરોમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા ઔદ્યોગિક શહેરોમાં બે દિવસનો કર્ફ્યૂ રાખવામાં આવે તો ઉદ્યોગ વેપાર પર કેવી અસર પડશે તેની વિગત માગવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ સંગઠનોએ સરકારને લોકડાઉન જાહેર નહીં કરવા વિનંતી કરી હતી. જો લોકડાઉન જાહેર થશે તો કામદારો ભાગી જશે એવો ભય પણ તેમણે વ્યકત કર્યો હતો તેને બદલે શનિવાર અને રવિવારે કર્ફ્યૂ રાખવા તથા બાકીના દિવસોમાં કર્ફ્યૂનો સમયગાળો રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી રાખવા પણ રજૂઆત કરી હતી.
ઉદ્યોગકારોએ માંગણી કરી હતી કે હીરા ઉદ્યોગ અને ટેક્ષટાઇલ ઉદ્યોગમાં જે કારખાના માલિકોએ વેક્સિન લીધી છે અને કર્મચારીઓને અપાવી છે તથા આ કર્મચારીઓનો રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તેમના કારખાનાઓ ચાલુ રાખવા દેવા જોઇએ તથા આવા કારખાનાઓમાં કામ કરતા કારીગરોના આઇ કાર્ડ કર્ફ્યૂના સમયગાળા દરમિયાન માન્ય રાખવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
સુરતમાં મુખ્યમંત્રીને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે. તેને પગલે મુખ્યમંત્રીએ હાલના સંજોગોમાં લોકડાઉન લગાવવાની કોઇ જરૂરીયાત નથી તથા કર્ફ્યૂ અંગે રિવ્યુ બેઠક યોજી નિર્ણય લેવા ખાતરી આપી હતી. વીડિયો કોન્ફરન્સમાં હાજરી આપનાર ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત અને રાજકોટ ચેમ્બર સહિતના સંગઠનોએ કોરોના સંક્રમણની ચેન તોડવા વિકેન્ડમાં કર્ફ્યૂ લાગુ કરવા સામે વિરોધ નોંધાવ્યો ન હતો અને વિક એન્ડમાં કર્ફ્યૂ રાખવા સરકાર પર નિર્ણય છોડયો છે.