SURAT

ભૂતકાળમાં ઉઠમણું કરનાર 40 પાર્ટી જુદીજુદી કાપડ માર્કેટમાં ફરી વેપાર કરવા લાગી, લિસ્ટ તૈયાર

સુરત: (Surat) ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન(ફોગવા)ની (FOGVA) તા. 23/09/2021 ના રોજ વિવિધ વિવર્સ (Weavers) સોસાયટીના પ્રતિનિધિઓ, હોદ્દેદારો તથા વિવર્સ આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કાપડ માર્કેટમાં ઉઠમણા કરી ફરી માર્કેટમાં ચીટિંગ કરવા બેસી જતી લેભાગુ વેપારીઓની ચિટર ગેંગ (Cheater gang) અને ચીટર બ્રોકરોનું લિસ્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તેને પગલે વિવરોને 40 ચીટર વેપારીઓ અને બ્રોકરો ભૂતકાળમાં ઉઠમણું કર્યા પછી ફરી માર્કેટમાં (Textile Market) સક્રિય થયા હોવાનું જાણવા મળ્યું છે.

વિવરોની 25 કરોડથી વધુની મૂડી આ પ્રકારના વેપારીઓ, દલાલોમાં ફસાઈ હોવાથી તેની યાદી તૈયાર કરી વિવર્સના ગ્રુપમાં મૂકવામાં આવી છે. આ ઠગ ટોળકી અને પુરાવાઓ ભેગા કરી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવશે. ફોગવામાં પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં સુરત શહેરના પોલીસ કમિશનરને મળી ને આ ચીટર ગેંગ અને ચિટર દલાલો અંગે રજુઆત કરવામાં આવશે.

જે વિવર્સનું પેમેન્ટ આ ઠગ ટોળકીઓમાં ફસાયું છે તેમની પાસેપાર્ટી નું નામ, એડ્રેસ, મોબાઇલ નંબર ,GST નંબર, દલાલ નું નામ અને મોબાઈલ નંબર ,બાકી રકમની માહિતી ફોગવાને રૂબરૂ અથવા ઇમેઇલ પર મંગાવવામાં આવી છે.વિવરો સાથે થયેલી ઠગાઈની માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. હાલંમા લગભગ 40 જેટલી પાર્ટી જુદી જુદી માર્કેટો તથા માર્કેટ સિવાયના વિસ્તાર મા બેસી ધંધો કરે છે જેથી ખુબજ સાવચેતી થી ધંધો કરવા વિવર્સને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. તથા પુરી તપાસ કર્યા વિના માલ નહીં આપવા પણ અપીલ કરવામાં આવી છે.

સાડીનો માલ મંગાવી પેમેન્ટ નહીં કરી સુરતના વેપારી સાથે દિલ્હીના પિતા-પુત્રની 13.92 લાખની છેતરપિંડી

સુરત: વેસુ ખાતે રહેતા અને રીંગરોડની માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી પાસેથી દિલ્હીના પિતા-પુત્રએ 13.92 લાખનો સાડીનો માલ મંગાવી પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ઓફેરા બિલ્ડીંગમાં રહેતા 24 વર્ષીય કમલભાઈ નરેદ્રકુમાર ગુપ્તા સલાબતપુરા સોમેશ્વર માર્કેટની ગલીમાં ખાટુશ્રી ટાવરમાં લહેંગા સાડીનો વેપાર કરે છે. નવી દિલ્હીના નોર્થ દિલ્હી નઈ સડક માલીવારા છીપયાન ખાતે અપ્સરા સાડીના નામે વેપાર કરતા પિતા-પુત્ર ગોબીંદરામ જીંદલ-સંદીપકુમારે 13 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર 2019 દરમિયાન કમલભાઈ પાસેથી 13,91,950 રૂપિયાનો લહેંગા સાડીનો માલ મંગાવ્યો હતો. બાદમાં ઉઘરાણી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પેમેન્ટ નહીં ચુકવ્યું હતું. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે કમલભાઈએ પિતા-પુત્ર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. સલાબતપુરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધાવી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top