Surat Main

સુરતની કાપડ માર્કેટમાં ચીટરોનો ત્રાસ, પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું.. હવે ખૈર નથી!

સુરત: ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FogWa) દ્વારા શુક્રવારે શહેર પોલીસ કમિશનર અજય તોમરને (Surat Police Commissioner Ajay Tomar)આવેદનપત્ર આપી કાપડ માર્કેટમાં (Surat Textile Market) ભાડાની દુકાનો રાખી વિવર્સો (Weavers) સાથે ઠગાઇ કરતી ટોળકીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, સુરતની જુદી જુદી માર્કેટોમાં ભૂતકાળમાં ઉઠમણું (Cheaters) કરનાર અને વિવર્સને લાંબા સમયથી પેમેન્ટ નહીં કરનાર લેભાગુ કાપડના વેપારીઓનાં નામ-સરનામાં, મોબાઇલ નંબર સાથેની યાદી પોલીસ કમિશનરને આપવામાં આવી છે.

  • ફોગવાએ વિવર્સના 30 કરોડથી વધુનું પેમેન્ટ દબાવીને બેસેલા 57 વેપારી અને દલાલોનાં નામ-સરનામાં, ફોન નંબરની યાદી સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું

ચોક્કસ ચીટર ટોળકીઓ કાપડ માર્કેટમાં બેસી આયોજનપૂર્વક ક્રેડિટ પર કાપડની ખરીદી કરી ભાડાની દુકાનને તાળાં મારી નાસી જતી હોય છે. ઠગાઇના આ મામલામા લેભાગુ ચીટર ટોળકીઓ સાથે ગ્રે-કાપડના બ્રોકરો પણ સામેલ હોય છે. આવી ઠગ ટોળકી સામે પોલીસે કાર્યવાહી કરવી જોઇએ. ફોગવાએ આજે પોલીસ કમિશનરને 57 જેટલી પાર્ટીઓનાં નામ-સરનામાં જીએસટી નંબર સાથેની યાદી સુપરત કરી હતી, કે જે લોકો વિવરોનું પેમેન્ટ ઠગાઇ કરવાના આશય સાથે ચૂકવી રહ્યા નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ કમિશનર અજય તોમરે ફોગવાના આગેવાનોને સ્પષ્ટ જણાવ્યું હતું કે, પોલીસ કોઇના ફસાયેલાં નાણાં કઢાવવા માટે કામ કરતી નથી. બે પક્ષ વચ્ચે કાયદેસરનો વેપાર થયો હશે અને વિવર્સ પાસેથી માલ ખરીદ્યા પછી પેમેન્ટ નહીં આપવાની અને ઠગાઇ કરવાની વેપારીની મનસા હશે તો વિવર્સે આપેલા પુરાવાના આધારે પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે. ક્રેડિટ પર ગેરકાયદે રીતે થયેલા કોઇપણ સોદામાં પોલીસ દરમિયાનગીરી કરશે નહીં. વિવર્સ સાથે ઠગાઇ થઇ છે તેવા પુરાવા પોલીસને આપવામાં આવશે તો વેપારી વિરુદ્ધ ગુનો દાખલ કરતાં પણ પોલીસ અચકાશે નહીં.

જીએસટીના જે કેસોમાં પોલીસને કોઈ સીધા લેવાદેવા નથી તેવા કેસોમાં તપાસ થતી હોય તો વિવર્સના મામલામાં શા માટે નહીં?

પોલીસ કમિશનરને રજૂઆત કરીને બહાર આવેલા ફોગવાના કેટલાક અગ્રણીઓએ તાજેતરમાં સીજીએસટી અને એસજીએસટી વિભાગે જે વેપારી સામે કાર્યવાહી કરી છે તેવા કિસ્સાઓમાં કોઇપણ પ્રકારના લેવાદેવા વિના ઇકોનોમિક સેલ દ્વારા જો તપાસ કરવામાં આવી હોય તો વિવર્સ સાથે થયેલી ઠગાઇના મામલામાં નામ-સરનામાં, મોબાઇલ નંબર અને જીએસટી નંબર સાથેનો ડેટા હોવા છતાં શા માટે પ્રાથમિક તપાસ ન થઇ શકે.

Most Popular

To Top