સુરત: (Surat) સુરતની કાપડ માર્કેટ (Textile Market) સાથે સંકળાયેલા વેપારીઓ અને કામદારો કોરોના પોઝિટિવ મળી આવ્યા પછી પાલિકાનું આરોગ્ય વિભાગ માર્કેટ પ્રત્યે આકરૂ બન્યુ છે. શુક્રવારે પાલિકા કમિશનરે ચેતવણી આપી હતી કે સોમવારથી વેક્સિન લીધા વિના કે આરટીપીસીઆર ટેસ્ટ સર્ટિ. (RTPCR Test Certificate) વિના માર્કેટમાં જે વેપારી અને કામદાર આવશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આજે સવારે કાપડ માર્કેટ ખુલે તે પહેલાજ 24 મોટી માર્કેટો બહાર પાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને બાઉન્સર ગોઠવાઇ ગયા હતા. માર્કેટના સિક્યોરિટી સ્ટાફને સાથે રાખી આરોગ્ય વિભાગે માર્કેટના ગેટ બંધ કરાવી દીધા હતા. 45 વર્ષથી વધુ વયના વેપારીઓ અને કામદારો વેક્સિન કે આરટીપીસીઆરના સર્ટિ વિના આવ્યા હતા. તેમને માર્કેટમાં પ્રવેશ આપવામા આવ્યો નહતો.
માર્કેટમાં વેપારીઓને પ્રવેશ આપવામાં ન આવતા ફોસ્ટાના આગેવાનો દોડતા થઇ ગયા હતા. વેપારીઓની એવી દલીલ હતી કે આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ 3 દિવસમાં પણ આવતો નથી. તે જોતા માર્કેટમાં કામકાજ બંધ રાખી શકાય નહી. ફોસ્ટાના આગેવાનોએ એવી રજૂઆત કરી હતી કે માર્કેટમાં પાંચથી છ રેપિડ ટેસ્ટના સેન્ટરો શરૂ કરવા જોઇએ અને આરોગ્ય વિભાગે રેપિડ ટેસ્ટ પણ માન્ય રાખવો જોઇએ રેપિડ ટેસ્ટની નિશ્ચિતતા અંગે શંકાઓ છે. તે જોતા રેપિડમાં વેપારી કે કામદાર પોઝિટિવ આવેતો માર્કેટ બંધ કરાવવી ન જોઇએ.બપોરે ફોસ્ટાના પ્રતિનિધિ મંડળ દ્વારા પાલિકા કમિશનર બંછાનિધિ પાનીને રજૂઆત કરવામા આવી તેને પહલે કમિશનરે બે દિવસ માટે રેપિડ ટેસ્ટ માન્ય રાખવા અને શુક્રવારથી આરટીપીસીઆર ટેસ્ટ અથવા વેક્સિન સર્ટિ. ફરજિયાત રાખવા જણાવ્યુ હતુ.
25થી 45 વર્ષના વેપારીઓને કામદારોને પણ વેક્સિન આપવા માર્કેટમાં વ્યવસ્થા ગોઠવવામાં આવે
ફોસ્ટાએ પાલિકા કમિશનરને રજૂઆત કરી હતી કે કાપડ માર્કેટમાં 50 ટકાથી વધુ વેપારીઓ અને કામદારોની વય 25થી 45 વર્ષની છે. તેમને વેક્સિન આપવાની વ્યવસ્થા થવી જોઇએ. પાલિકા દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ વિનામુલ્યે ક્યાં લેવામાં આવે છે તેની યાદી માર્કેટ વિસ્તારમાં મુકવી જોઇએ.રિંગરોડ ઉપરાંત સારોલી અને પૂણામા આવેલી માર્કેટોમાં પણ વેક્સિનેશન સેન્ટર શરૂ થવા જોઇએ.