SURAT

રિંગરોડની સુરત ટેક્સટાઈલ માર્કેટની જમીન ફરી 99 વર્ષ માટે લીઝ પર આપવા નિર્ણય

સુરત: (Surat) રિંગરોડ પર આવેલી સુરત ટેક્સટાઈલ માર્કેટની (Textile Market) જગ્યા ફરી લીઝ (Lease) પર આપવાનું છેલ્લા ત્રણેક વર્ષથી ચાલી રહેલું કોકડું આખરે આજે ઉકેલાઈ ગયું હતું. માર્કેટના વેપારીઓ દ્વારા સતત અગાઉ મનપાની સ્થાયી સમિતી દ્વારા કરવામાં આવેલા ઠરાવની સામે રજૂઆતો કરવામાં આવી રહી હતી તેને આજે મનપાના ભાજપ શાસકો દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી.

સુરત મહાપાલિકા દ્વારા અગાઉ રિંગરોડ પરની શહેરની સૌથી જૂની માર્કેટ સુરત ટેક્સટાઇલ માર્કેટની ટી.પી. 8 ઉમરવાડા રેવન્યુ સરવે નં.95, 86 પૈકીની 24435 ચો.મી. જમીન 1968માં ટેક્સટાઇલ માર્કેટ એસોસિયેશનને 50 વર્ષ માટે લીઝથી જમીન અપાઇ હતી. વર્ષ-2018માં આ જમીનની જૂની લીઝ પૂરી થયા બાદ ત્યાંના વેપારીઓએ જૂના ભાવે જ 99 વર્ષના પટ્ટે લીઝ રિન્યુ કરી આપવા માટે મહાપાલિકા સમક્ષ રજૂઆતો કરી હતી. જો કે, તે સમયે સુરત મહાપાલિકાની સ્થાયી સમિતીએ સુરત ટેક્સટાઇલ માર્કેટના ઉપયોગને ધ્યાન પર લઇને 2011ની 52250 પ્રતિ ચો.મી.ની જંત્રીના ભાવે 50 વર્ષની લીઝ પર જમીન ફાળવવા તેમજ પ્રિમિયમ પેટે ભરવાના થતા રૂપિયા 127 કરોડ એક વર્ષમાં ભરી દેવાની જોગવાઇ કરતો ઠરાવ કર્યો હતો.

આ ઠરાવને જે તે સમયે સામાન્ય સભાએ પણ મંજૂરી આપી દીધી હતી. જોકે, આટલી મોટી રકમનું પ્રિમિયમ ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને માન્ય નહોતું. વેપારીઓ દ્વારા એવી માંગણી કરવામાં આવી હતી કે સુરત મહાપાલિકા દ્વારા 99 વર્ષના ભાડાપટ્ટે એજ પ્રિમિયમ અને રૂપિયા એક પ્રતિ વર્ષ પ્રતિ મીટરના ભાડાથી ફાળવણી કરી આપવામાં આવે. જેને પગલે આજે મનપાની સ્થાયી સમિતી દ્વારા ફરી આ જગ્યા 99 વર્ષના પટ્ટે લીઝ રિન્યુ કરી દેવા ઉપરાંત વસુલવાના થતા 127 કરોડ રૂપિયા ભરવા માટે પણ 10 વર્ષના હપ્તા કરી દેવાની જોગવાઇ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો.

જો 50 વર્ષના ભાડાપટ્ટે અપાઈ હોત તો મનપાને 50 વર્ષ બાદ ફરી કરોડોનું પ્રિમિયમ મળી શક્યું હોત
સુરત મહાપાલિકાની સ્થાયી સમિતી દ્વારા આજે કરવામાં આવેલા ઠરાવને પગલે હવે 99 વર્ષના ભાડાપેટે મહાપાલિકાને માત્રક્ષ 127 કરોડ રૂપિયા જ મળી શકશે. જો 50 વર્ષ માટે ભાડાપટ્ટે અપાઈ હોત તો 50 વર્ષ પુરાં થતાં ફરી લીઝ રિન્યુ કરવા માટે મનપાને તે સમયે ફરી મોટી રકમ મળી શકી હોત. હવે તે રકમ 99 વર્ષ બાદ મળશે. જેને કારણે મનપાને મોટી રકમના પ્રિમિયમનું નુકસાન થવાની સંભાવના રહેલી છે. સાથે સાથે આ રકમ પણ 10 વર્ષમાં મળશે. જેને કારણે આ 10 વર્ષની વ્યાજની રકમનું પણ નુકસાન થશે.

વેપારીઓની માંગણીને પગલે અમે ઠરાવ કરી સરકારની મંજૂરી માટે મોકલ્યો છે: સ્થાયી સમિતી ચેરમેન પરેશ પટેલ
સ્થાયી સમિતીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી સુરત ટેક્સટાઈલ માર્કેટનું કોકડું ગુંચવાયેલું હતું. વેપારીઓની માંગણી હતી કે તેમને 99 વર્ષના ભાડાપટ્ટે લીઝ રિન્યુ કરી આપવામાં આવે અને 127 કરોડ રૂપિયા ભરવા માટે હપ્તા કરી આપવામાં આવે. જોકે, જમીનની ફાળવણી અંગે રાજ્ય સરકારની નિર્ણયો લેતી હોવાથી અમે આજે ઠરાવ કરીને રાજ્ય સરકારને મોકલ્યો છે. હવે રાજ્ય સરકાર નક્કી કરશે કે આ ઠરાવને મંજૂરી આપવી કે પછી પ્રિમિયમની રકમ કેટલી રાખવી? કે પછી લીઝ કેટલા વર્ષ માટે આપવી?

અમે હાઈકોર્ટમાં પીઆઈએલ કરીશું: કોંગ્રેસના માજી કોર્પો. અસલમ સાયકલવાળા
સ્થાયી સમિતી દ્વારા કરવામાં આવેલા આ ઠરાવનો કોંગ્રેસના માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સાયકલવાળાએ જણાવ્યું હતું કે, સ્થાયી સમિતીના આ નિર્ણય સામે તેઓ દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top