સુરત: (Surat) કાપડનાં પાર્સલ (Parcel) ઊંચકવાની મજૂરીના દરમાં વધારો નહીં કરવામાં આવતાં અભિષેક, ગોલવાળા, શિવશક્તિ, સિલ્કસિટી સહિતની માર્કેટોમાં (Textile Market) શનિવારે મજૂરોએ હડતાળ પાડતાં પાર્સલના ઢગલા થયા હતા. મોડી સાંજ સુધી કોઇ સમાધાન થયું ન હતું. હવે સોમવારે ચારેય માર્કેટના મેનેજમેન્ટ અને મજૂર યુનિયનના (Labor union) નેતાઓની મીટિંગમાં આ અંગે નિર્ણય લેવાશે. અત્યારે માર્કેટમાં 70થી 75 રૂપિયા પ્રતિ પાર્સલનો ભાવ ચાલી રહ્યો છે. માર્કેટના કામદારો લૂઝમાં 25 રૂપિયા અને બોક્સ પાર્સલમાં 35 રૂપિયાનો વધારો માંગી રહ્યા છે.
- અભિષેક, ગોલવાળા, શિવશક્તિ, સિલ્કસિટી સહિતની માર્કેટમાં પોટલાં ઊંચકનારા મજૂરો નહીં આવતાં પાર્સલોના ઢગ
- સોમવારે ચારેય માર્કેટના મેનેજમેન્ટ સાથે મજૂર નેતાઓની મીટિંગ
વધતી મોંઘવારીને ધ્યાને રાખી રિંગ રોડની કેટલીક કાપડ માર્કેટોએ માર્કેટમાંથી પાર્સલ ઊંચકનારા કામદારોની મજૂરીના દરમાં વધારો કર્યો છે. પરંતુ અભિષેક, ગોલવાળા, શિવશક્તિ, સિલ્કસિટી સહિતની કેટલીક માર્કેટમાં ભાવવધારો નહીં થતાં શનિવારે સેકડો મજૂરો હડતાળ પર ઊતર્યા હતા. અત્યારે માર્કેટમાં 70થી 75 રૂપિયા પ્રતિ પાર્સલનો ભાવ ચાલી રહ્યો છે. માર્કેટના કામદારો લૂઝમાં 25 રૂપિયા અને બોક્સ પાર્સલમાં 35 રૂપિયાનો વધારો માંગી રહ્યા છે.
શુક્રવારે યોજાયેલી બેઠક પછી સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા અને પ્રવક્તા શાન ખાને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે વધારો થયો છે. જેની સામે માર્કેટમાં પાર્સલ ઊંચકવાની મજૂરીમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખી પાર્સલ ઊંચકવાની મજૂરીમાં વધારો કરવાની અત્યંત જરૂરિયાત છે.
ધંધા રોજગાર સાથે સંકલાયેલા લોકોને અપાઈ વેક્સિન
સુરત: રાજ્યમાં ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકોને 31મી જુલાઈ સુધીમાં ફરજિયાત વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો છે. ત્યારે રવિવારે મનપા દ્વારા વેક્સિનેશનની સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. કોમર્શિયલ સંસ્થાઓના માલિક તેમજ કર્મચારીઓએ ફરજિયાત 31મી જુલાઈ સુધીમાં પ્રથમ ડોઝ લેવાનો છે. અને હાલમાં વેક્સિનેશન માટે લોકોની લાંબી કતારો લાગી રહી છે. કલાકો લાઈનમાં ઉભા રહેવા છતા લોકોને વેક્સિન મળી રહી નથી. જેથી હવે વાણિજિયક એકમો સાથે સંકળાયેલા લોકો માટે ખાસ વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરાયું છે. જેથી રવિવારે વેક્સિનેશનની કામગીરી ચાલુ રાખી દુકાનદારો, ફેક્ટરીઓ સાથે સંકળાયેલા લોકોને વેક્સિન આપવામાં આવી હતી.