સુરત: (Surat) સુરતના કાપડના વેપારીઓના (Textile Trader) સમૂહના સન્માનીય વ્યક્તિ અને ફોસ્ટાના (Fostta) પૂર્વ પ્રમુખ શ્રીકૃષ્ણ બંકાનું (Shrikrishna banka) રવિવારે ચેન્નાઈમાં (Chennai) દુ:ખદ નિધન (Death) થયું છે. તેઓ છેલ્લાં એક મહિનાથી કોરોનાથી (Corona) પીડાઈ રહ્યાં હતાં. ગઈકાલે તેઓએ ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીકૃષ્ણ બંકાના મૃત્યુના પગલે કાપડ માર્કેટમાં શોક વ્યાપી ગયો છે.
રીંગરોડ પર સાલાસાર હનુમાન ગેટની બાજુમાં આવેલી જે.જે. માર્કેટમાં વર્ષોથી બંકા ટેક્સ નામે કાપડની દુકાન ધરાવતા 70 વર્ષીય શ્રીકૃષ્ણ બંકાનો કોરોનાએ ભોગ લીધો છે. તેમના નજીકના વેપારીઓ પાસેથી જાણવા મળ્યા અનુસાર છેલ્લાં 1 મહિના કરતા વધુ સમયથી તેઓ કોરોનાથી પીડાઈ રહ્યાં હતાં. વેસુની કેપિટલ ગ્રીન સોસાયટીમાં રહેતા શ્રીકૃષ્ણ બંકા કોરોના બાદ આરોગ્યની જાળવણી પ્રત્યે ખૂબ સચેત બન્યા હતા અને પહેલી તથા બીજી લહેરમાં પોતાની, પરિવારની અને સોસાયટીના સભ્યોની ખૂબ જ કાળજી રાખી હતી, પરંતુ ત્રીજી લહેરથી તેઓ બચી શક્યા નહીં. એક મહિના પહેલાં તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ઘરમાં પ્રાથમિક સારવાર લીધા બાદ તબિયત વધુ બગડતા તેમને પહેલાં પીપલોદની ખાનગી હોસ્પિટલમાં 7 દિવસ સારવાર અપાયા બાદ જૂની આરટીઓ પાસેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં પણ તબિયતમાં સુધારો નહીં થતાં 15 દિવસ પહેલાં ચેન્નાઈ ખસેડાયા હતા. જ્યાં તેઓએ ગઈકાલે દેહત્યાગ કર્યો હતો.
ફેંફસામાં ચેપ વધી જતા ચેન્નાઈ ખસેડાયા હતા
શ્રીકૃષ્ણ બંકાને તકલીફ વધતા પહેલાં પીપલોદ અને ત્યાર બાદ રીંગરોડની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કોરોનાના ચેપના લીધે તેમના ફેંફસા વધુ પડતા ડેમેજ થઈ ગયા હતા, જેના લીધે તેઓને એરએમ્બ્યુલન્સની મદદથી ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર તેઓનો કોવિડ રિપોર્ટ નેગેટિવ થઈ ગયો હતો અને આઈસીયુમાંથી બહાર ખસેડી દેવાયા હતા, પરંતુ ગઈકાલે રવિવારે એકાએક તેઓનું મોત થયું હતું. તેમના મૃત્યુના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. કોવિડ રિપોર્ટ નેગેટિવ થયો હોય તેઓના મતૃદેહને સુરત લાવવા અંગે તજવીજ ચાલી રહી છે.
આ રીતે ચેપ લાગ્યો હોવાની ચર્ચા
70 વર્ષીય શ્રીકૃષ્ણ બંકાને ચેપ લાગવા અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. કેટલાંક વેપારી કહે છે કે અમેરિકાથી કોઈ સંબંધી આવ્યા તેના થકી પહેલાં તેમના વહુ-દીકરાને અને ત્યાર બાદ તેમને ચેપ લાગ્યો હતો, જ્યારે કોઈક કહે છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ફરી આવ્યા બાદ પૌત્ર, વહુ-દીકરાને ચેપ લાગ્યો હતો. તે બાદમાં શ્રીકૃષ્ણ બંકાને લાગ્યો હતો.
બે પુત્ર પૈકી એક વિદેશમાં રહે છે
શ્રીકૃષ્ણ બંકાના બે પુત્રો છે, તે પૈકી એક પુત્ર અમેરિકામાં રહેતો હોવાની માહિતી મળી છે. સુરતના વેસુ વિસ્તારના કેપિટલ ગ્રીન એપાર્ટમેન્ટમાં તેઓ પોતાના બીજા પુત્ર અને વહુ સાથે રહેતા હતા.
સેવાભાવી શ્રીકૃષ્ણ બંકા 100 વાર રક્તદાન કરી ચૂક્યા છે
મૃદુભાષી શ્રીકૃષ્ણ બંકા હંમેશા હસતા રહેતા હતા. સકારાત્મક વિચારધારા ધરાવતા શ્રીકૃષ્ણ બંકા સેવાભાવી પણ હતા. તેઓ 100થી વધુ વખત બ્લ્ડ ડોનેટ કરી ચૂક્યા છે. ફોસ્ટાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા શ્રીકૃષ્ણ બંકા હાલ જે.જે. માર્કેટમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. મોટી ઉંમરે પણ તેઓ કાપડના વેપારીઓના હિત માટે સતત દોડતા રહેતા હતા.