Surat Main

વીવર્સનું પેમેન્ટ બાકી હોય તો જાણ કરો, ફોગવાએ કરી અપીલ

સુરત: સુરત કાપડ માર્કેટના (Surat Textile Market) વેપારીઓ 100 નંબર પર ફોન કરી કોઈની વિરુદ્ધ ફરિયાદ આપશે તો હવે પોલીસ સીધી કાર્યવાહી નહીં કરે. ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન (FOGWA) સાથેની મિટીંગમાં સલાબતપુરા પોલીસે (Salabatpura Police) એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ફોગવાની રજૂઆત બાદ પોલીસે વીવર્સ અને વેપારીઓ (Weavers And Traders) બંનેનો પક્ષ સાંભળ્યા બાદ જ કાર્યવાહી કરવાનું મન બનાવ્યું છે.

વીવર્સનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ફોગવાના આગેવાનો ગુરૂવારે સલાબતપુરા પીઆઈ કીકાણીને મળ્યા હતા. આ મિટીંગમાં ફોગવા તરફથી પ્રમુખ અશોક જીરાવાલાએ ચીટર વેપારીઓની મોડસ ઓપરેન્ડી પીઆઈ સમક્ષ રજૂ કરી હતી. જીરાવાલાએ કહ્યું હતું કે ચીટર ગેંગ અને ચીટર દલાલો દ્વારા વીવર્સ સાથે ઈરાદાપૂર્વક છેતરપિંડી કરવામાં આવે છે. લેભાગુઓ ગ્રે ખરીદી લીધા બાદ પેમેન્ટ ચૂકવતા નથી. વીવર્સ ઉઘરાણી કરવા જાય ત્યારે ધાકધમકી આપી ગાળી ગલોચ કરે છે. કેટલાંક ઠગ વેપારીઓ 100 નંબર પર ફોન કરી પોલીસને બોલાવી લે છે અને વીવર્સ સામે ફરિયાદ આપી દે છે. આવા સંજોગોમાં પોલીસ વેપારીની ફરિયાદને આધારે વીવર્સ સામે કાર્યવાહી કરે છે. આવું નહીં થવું જોઈએ.

ફોગવા-પોલીસની મિટીંગમાં લેવાયો નિર્ણય: લેણી રકમની ઉઘરાણી માટે ગયેલા વીવર્સને પોલીસ દ્વારા પરેશાન નહીં કરાય

ફોગવાની રજૂઆતના પગલે સલાબતપુરા પીઆઈએ ખાતરી આપી હતી કે, ફોજદારી કાયદાની પરિભાષામાં જે તે પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં કરેલી અરજીઓ અને હાલ નવી થનાર અરજીઓ અંગે તપાસ કરી ગુનો દાખલ કરવા બાંયધરી આપી છે. પીઆઈ કીકાણીએ ખાતરી આપી હતી કે કોઈ વેપારી પાસે બાકી રકમની ઉઘરાણી કરવા જાય અથવા તો ફોન પર ઉઘરાણી કરે તો વેપારી દ્વારા વીવર્સને દબાવવા માટે 100 નંબર ફોન કરી વીવર્સ સામે ફરિયાદ કરવામાં આવતી હતી અને પોલીસ દ્વારા વેપારીની ફરિયાદને આધારે વીવર્સની ધરપકડ થતી હતી.

હવેથી આવા કેસમાં 100 નંબર પર ફોન કરનાર વેપારની પોલીસ સ્ટેશનમાં બોલાવી પ્રથમ પૂછપરછ કરવામાં આવશે, ત્યાર બાદ વીવર્સની પૂછપરછ કરાશે. જે કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરાશે. આ સાથે જ અશોક જીરાવાલાએ જે વીવર્સના નાણાં ફસાયા હોય તે વીવર્સને ફોજદારી અરજીની નકલ ફોગવાને મોકલવા વિનંતી કરી છે.

Most Popular

To Top