સુરત: (Surat) સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનના નવા કેસો સામે આવ્યા પછી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાપડ માર્કેટોનાં (Textile Market) એસોસિએશનોને પત્ર લખી હોળી-ધુળેટીના (Holi) સ્નેહમિલન કાર્યક્રમોમાં ભીડ ઊમટી પડતી હોવાથી ચાલુ વર્ષે આવા કાર્યક્રમો નહીં કરવા માંગ કરી છે. શહેરની ત્રણ કાપડ માર્કેટમાં કોરોનાના 18 કેસ મળી આવતાં આ માર્કેટો બંધ કરાવવામાં આવી છે. તે અંગે આજે સુરત મર્કન્ટાઇલ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ ચુંટાયેલા પ્રતિનિધિઓ અને આરોગ્ય વિભાગના અધિકારીને રજૂઆત કરી હતી. જેમાં માર્કેટ એસોસિયેશનને ચાલુ વર્ષે હોળી-ધુળેટીના કાર્યક્રમો નહીં યોજવા અપીલ કરવામાં આવી છે.
(Surat) સુરતના મેયર (Mayor) તરીકે વરણી થતાંની સાથે જ નવા મેયર હેમાલી બોઘાવાલાએ કામગીરી શરૂ કરી દીધી હતી. હેમાલી બોઘાવાલાએ કોરોના મામલે કમિ. સાથે બેઠક કરી હતી અને કોરોનાના ટેસ્ટિંગનું પ્રમાણ વધારવા માટે સૂચના પણ આપી હતી. સાથે સાથે હોટલ અને રેસ્ટોરન્ટ સામે પણ કડક હાથે કામ લેવા માટે કમિ.ને જણાવ્યું હતું. છેલ્લા બે દિવસમાં 36 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવમાં આવી છે. આગામી દિવસોમાં કોરોનાને નાથવા માટે મનપાની કામગીરી સઘન બનાવવામાં આવશે તેમ પણ મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું.
કુલ કેસના 50 ટકા કેસ રાંદેર અને અઠવા ઝોનમાં, શહેરીજનોને સાવચેતી રાખવા મનપા કમિશનરની અપીલ
શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેથી મનપા કમિશનરે શહેરીજનોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. મનપા કમિશનરે વધુમાં જણાવ્યું છે કે, શહેરમાં અત્યારસુધીમાં 5 યુ.કે અને 1 સાઉથ આફ્રીકન સ્ટ્રેઈન વાયરસના કેસ મળી આવ્યા છે. નવા સ્ટ્રેઈન ઝડપથી ફેલાતા હોય, શહેરીજનો વધુ સાવચેતી રાખે તે જરૂરી છે, તેમજ શહેરમાં કુલ કેસના 50 ટકા કેસ અઠવા અને રાંદેર ઝોનમાં આવી રહ્યા છે. સાથે સાથે ઉધના, વરાછા-એ તેમજ લિંબાયત ઝોનમાં પોઝિટિવીટી રેટ વધી રહ્યો છે. જેથી શહેરીજનો કોવિડ ગાઈડલાઈનનું સખતપણે પાલન કરે તે જરૂરી છે.
40 ટકા કેસ ટ્રાવેસ હીસ્ટ્રીના મળતા હોય, બહારગામથી આવનારાઓને સેલ્ફ આઈસોલેટ થવા અપીલ
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં 40 ટકા કેસ શહેર બહારથી આવનારાઓના મળી રહ્યા છે. જેથી શહેરીજનો મોટા મેળાવડામાં જવાનું ટાળે તેમજ વધુમાં વધુ લોકો વેક્સિનેશનનો લાભ લે. જેઓ બહારગામથી આવી રહ્યા છે તેઓ સેલ્ફ આઈસોલેટ થાય તેમજ ટેસ્ટ કરાવી જો પોઝિટિવ આવે તો તુરંત ટ્રીટમેન્ટ કરાવે તેવી અપીલ કરવામાં આવી છે.