સુરત(Surat) : આજે શનિવારે તા. 23 જુલાઈ 2022ના રોજ સુરતના સરસાણા (Sarsana) ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના (SGCCI) ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વિવનીટ એક્ઝિબિશન 2022નો (Weavknit Exhibition 2022) પ્રારંભ થયો. ત્રિદિવસીય આ પ્રદર્શનના ઉદ્દઘાટન સમારોહમાં ટેક્સટાઈલ કમિશનર કચેરીના એડિશનલ કમિશનર એસ.પી. વર્મા હાજર રહ્યા હતા. વર્માએ પોતાના ઉદ્દબોધનમાં સુરતના કાપડ ઉદ્યોગકારોની નીતિ પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
- સુરતના કાપડ ઉત્પાદકોની નફાખોરીની નીતિથી એડી.ટેક્સ. કમિ. એસ.પી. વર્મા દુ:ખી
- સુરતના ઉત્પાદકોએ નબળી ગુણવત્તાના તિરંગા પ્રિન્ટ કરી મોકલી દીધા
- તિરંગાને પરત મોકલી રિપેર કરાવવા પડ્યા
- એસ.પી. વર્માએ કહ્યું, દેશ માટે કોઈ જવાબદારી લઈએ તો તેને સારી રીતે નિભાવવી જોઈએ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હર ઘર તિરંગા યોજનાને પગલે સુરતવાળાને 10 કરોડ તિરંગાના ઓર્ડર મળ્યા
‘દેશ માટે તો સારું કામ કરો’, એડી. ટેક્સટાઈલ કમિશનરે સુરતના કાપડ ઉદ્યોગકારોને જાહેરમાં નિંદા કરી
વર્માએ કહ્યું કે, સુરતના કાપડવાળા તિરંગાના ઉત્પાદનમાં પણ નફો શોધે છે. દેશ માટે કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે આવી નીતિ યોગ્ય નથી. વર્માએ કહ્યું કે, સુરતના ઉત્પાદકોએ નબળું કામ કર્યું હતું. ભીના તિરંગા મોકલી દીધા. પ્રિન્ટમાં ખામી હતી. સિલાઈ બરોબર નહોતી. તે પરત મોકલવા પડ્યા. હવે સુધારી દેવાયા છે. જોકે, વર્માએ જાહેર મંચ પર સુરતના ઉત્પાદકો ગુણવત્તા બાબતે ધ્યાન નહીં આપતા હોવાની નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે જ્યારે દેશ માટે કોઈ જવાબદારી મળતી હોય ત્યારે ચોક્સાઈપૂર્વક કામ કરવું જોઈએ.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ સ્વાતંત્ર્ય દિને પોતાના ઘરમાં તિરંગો લહેરાવે. હર ઘર તિરંગા તરીકે આ યોજનાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હર ઘર તિરંગા યોજનાને પગલે સુરતના કાપડના વેપારીઓને 10 કરોડ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. દેશ ઉપરાંત વિદેશમાં પણ સુરતમાં બનેલા તિરંગા મોકલવામાં આવનાર છે. સુરતના કાપડના વેપારીઓ પણ 10 કરોડ તિરંગાના ઓર્ડર મળતા ખુશ થયા હતા, પરંતુ આજે જ્યારે વિવનીટ એક્ઝિબિશનમાં એડિશનલ ટેક્સટાઈલ કમિશનરને ગુણવત્તા બાબતે ટકોર કરી ત્યારે ચેમ્બરના હોદ્દેદારો સહિત સુરતના કાપડ ઉદ્યોગકારોના મોંઢા પડી ગયા હતા.
વિવનીટ એક્ઝિબિશનનું ઉદ્દઘાટન કરાયું, કમળમાંથી બનેલા કાપડનું આકર્ષણ
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે વિવનીટ એક્ઝિબિશન 2022 શરૂ કરાયું છે. અહીં 160 સ્ટોલ છે. સુરતના કાપડ ઉત્પાદકો દ્વારા પોતાની પ્રોડક્ટને પ્રદર્શન અર્થે અહીં ડિસ્પ્લે કરવામાં આવી છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીની સુમી હલદરે અહીં કમળની ડાળીમાંથી યાર્ન બનાવી તેમાંથી બનતું કપડું ડિસ્પ્લે કર્યું છે. હાલમાં રિસર્ચ સ્તર પરના આ કાપડમાંથી સુમીએ સ્કાર્ફ બનાવ્યા છે, જે બજારમાં 3000થી 3500માં વેચાય છે. હવે આગામી દિવસોમાં કોટન સાથે બ્લેન્ડ કરી આ ઈકોફ્રેન્ડલી કપડાને માર્કેટમાં લોન્ચ કરવાનો સુમીનો પ્લાન છે.