સુરત: (Surat) સેનામાં (Army) ભરતી માટેની અગ્નિવીર (Agneevir) યોજનાનો લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સુરતના ઉદ્યોગપતિએ (Businessman) આ યોજનાને વધાવી છે અને અગ્નિવીરો કે જેઓ ચાર વર્ષની સેનાની નોકરી પૂર્ણ કરીને આવશે તેમને નોકરી (Job) આપશે અને વેપાર માટે ટ્રેનિંગ પણ મફત આપશે.
- લક્ષ્મી હરી પ્રિન્ટ્સ પેઢીના કાપડના ઉદ્યોગપતિ 20થી 65 હજાર સુધીની નોકરી આપશે
- દેશના કોર્પોરેટ્સ ગ્રુપની જાહેરાતના પગલે પ્રેરણા મળી
- વેપારને લગતી ટ્રેનિંગ પણ આપશે
અગ્નિવીર યોજનાના વિરોધ વચ્ચે સુરતમાં 6 ફર્મ ધરાવતા લક્ષ્મી હરી પ્રિન્ટ્સ હવે અગ્નિવીરોની વહારે આવ્યું છે. અગ્નિવીરો માટે આ ફર્મે પહેલ કરી છે કે તેમની તમામ ફર્મમાં અગ્નિવીરોને મહિને 20થી 65 હજાર રૂપિયાની નોકરી આપશે. ઉપરાંત આ જવાનો જાતે પણ કાંઈ વેપાર કરે ત્યારે તેમને મફતમાં ટ્રેનિંગ પણ આપવામાં આવશે. લક્ષ્મી હરિ પ્રિન્ટ્સના માલિક વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ નવી યોજનાનો દેશમાં અમુક લોકો વિરોધ કરી રહ્યા છે. ઘણાં મોટાં કોર્પોરેટ્સ ગૃહોએ અગ્નિવીરો માટે જાહેરાત કરી છે. આથી તેમની જાહેરાત જોયા બાદ અમને પણ એવી ઇચ્છા થઈ કે અમે પણ આ વ્યવસ્થાનું સમર્થન કરીએ. આ વ્યવસ્થાનું સમર્થન કરવા માટે વિનોદ અગ્રવાલે તેમની તમામ ફર્મમાં સેનામાં ચાર વર્ષ નોકરી કરનારા અગ્નિવીરોને નોકરી પર રાખવાની જાહેરાત કરી છે. તેમની ફર્મમાં દર વર્ષે નવી જગ્યાઓ ઊભી થતી હોય છે. તેમાં અગ્નિવીરોને અગ્રીમતા અપાશે એવું પણ વિનોદ અગ્રવાલે જણાવ્યું છે. આ અગ્નિવીરોને 20થી 65 હજાર રૂપિયા સુધીની નોકરી આપવામાં આવશે. તેમાં એકાઉન્ટન્ટ, સેલ્સ, માર્કેટિંગ, ટ્રેડિંગ તથા ડિઝાઈનિંગ સહિતના કામ અગ્નિવીરો કરી શકશે. અગ્નિવીરોને મફતમાં ટ્રેનિંગ પણ આપવામાં આવશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, અમારે ત્યાં અગ્નિવીરો નોકરી કરશે એ અમારા માટે સન્માનની વાત હશે. સુરતમાં ઘણાં ઉદ્યોગગૃહો છે. તેઓ પણ અગ્નિવીરો માટે આવી જાહેરાત કરશે તો સુરતમાં ઘણા અગ્નિવીરોને સન્માનજનક નોકરી મળી શકે છે.
નિવૃત થયેલા જવાનોને નોકરી આપવા માટે વાત કરતાં લક્ષ્મી હરી પ્રિન્ટસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે બધાને નોકરી આપી શકીએ તેટલી જગ્યા અમારી પાસે પણ નથી. જો કે, હાલના તબક્કે અમે પ્રાથમિકતા સુરત અને ત્યારબાદ આસપાસના વિસ્તાર અને ગુજરાતને આપીશું.