Business

સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને બાંગ્લાદેશમાં બિઝનેસ વધારવા ત્યાંનું એસોસિએશન મદદ કરશે

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપપ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા તથા ITTF ના ચેરમેન અમિષ શાહ અને કો–ચેરમેન હર્ષલ ભગતે ગુરૂવાર, તા. ૧ર જાન્યુઆરી, ર૦ર૩ ના રોજ ઢાકા ખાતે બાંગ્લાદેશના સૌથી મોટા એસોસિએશન BGMEA (બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્ષ્પોર્ટર્સ એસોસિએશન)ના પ્રમુખ ફારૂક હસન તથા એસો.નાં હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્ષ્પોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ ફારૂક હસન તથા અન્ય હોદ્દેદારોએ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને તમામ મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. ખાસ કરીને સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને ઢાકા ખાતે વિવિધ ફેબ્રિક્સના એક્ષ્પોર્ટ માટે સ્થાનિક બાયર્સના સંપર્ક કરાવી આપશે. ચેમ્બર ઓફ કોમર્સના બાંગ્લાદેશ ખાતેના પ્રતિનિધિ બિન્તી જહાન પણ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો તથા વેપારીઓને બાંગ્લાદેશ ખાતે બિઝનેસ વધારવા માટે જરૂરી માર્ગદર્શન આપશે.

આ મિટીંગમાં ટેક્ષ્ટાઇલની સમગ્ર વેલ્યુ ચેઇનને ડેવલપ કરવા માટે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સુરતના ઉદ્યોગકારો પોતાના વિવિધ ફેબ્રિક્સને બાંગ્લાદેશ ખાતે સરળતાથી ડિસ્પ્લે કરી શકે તે માટે એક સેન્ટર ઊભું કરવા, ચેમ્બર ઓફ કોમર્સ પણ સુરતમાં ટેક્ષ્ટાઇલ વેપારીઓ તથા કાપડના આયાતકારો સમક્ષ બાંગ્લાદેશના ગારમેન્ટને પ્રદર્શિત કરવા માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરશે.

બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્ષ્પોર્ટર્સ એસોસિએશન દ્વારા ઢાકા ખાતે મેન મેઇડ ફેબ્રિક્સની જાણકારી આપવા હેતુ નોલેજ સેન્ટર ઉભું કરવામાં આવશે તેમ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાંગ્લાદેશના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ માટે મોડર્ન ટેક્ષ્ટાઇલ એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. એકબીજાના નોલેજ શેરીંગ માટે બંને એસોસિએશન એમઓયુ કરશે.

બાંગ્લાદેશના ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને કયા – કયા પ્રકારના ફેબ્રિક્સની જરૂરિયાત છે તેના સેમ્પલો પણ તેઓ ચેમ્બર ઓફ કોમર્સને આપશે. ચેમ્બર દ્વારા સુરતમાં જીએફઆરઆરસી ખાતે આ સેમ્પલોને ડિસ્પ્લે કરી સુરતના કાપડ ઉત્પાદકોને તેના વિશે માર્ગદર્શન આપવામાં આવશે. જેથી કરીને તેઓ બાંગ્લાદેશના ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને જોઇતા ફેબ્રિક્સ બનાવી એક્ષ્પોર્ટ કરી શકે.

બાંગ્લાદેશના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ કોટન બેઇઝમાંથી MMF માં ડાયવર્ટ થવા સહયોગ માંગ્યો
BGMEA ના પ્રમુખ ફારૂક હસને જણાવ્યું હતું કે, હાલમાં બાંગ્લાદેશનું ગારમેન્ટ કોટન બેઇઝ છે પણ હવે એ ધીમે ધીમે મેન મેઇડ ફેબ્રિક્સ તરફ ડાયવર્ટ થવા જઇ રહ્યું છે ત્યારે આ તકનો લાભ લેવા માટે સુરતે એગ્રેસીવ થવાની જરૂર છે. બાંગ્લાદેશના માર્કેટમાં સુરતે પ્રવેશ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. ચેમ્બર દ્વારા એપ્રિલ– ર૦ર૩ માં સુરત ખાતે યોજાનારા ટેક્ષ્ટાઇલ એક્ઝિબિશનમાં મુલાકાતાર્થે બીજીએમઇએના પ્રમુખ અને વેપારીઓ સહિતના બાંગ્લાદેશ ડેલીગેશનને આમંત્રણ આપ્યું હતું. જેને બીજીએમઇએના હોદ્દેદારોએ સ્વીકાર્યું હતું. તેઓ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મુલાકાત માટે સુરત આવશે.

Most Popular

To Top