સુરત: (Surat) સુરત શહેરમાં ગયા અઠવાડિયે ગરમીએ (Heat) રેકોર્ડ બ્રેક કર્યા બાદ છેલ્લા ૨૪ કલાકમાં અચાનક પવનોની દિશામાં થયેલા ફેરફારને પગલે મહત્તમ (Temperature) તાપમાન 24 કલાકમાં જ સાડા ચાર ગગડી ગયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં વિતેલા બે દિવસથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયા સુધી જમ્મુ કાશ્મીર તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં વધારો નોંધાયો હતો. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ઉત્તરના ગરમ પવનો ફૂંકાવાને લીધે પણ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી રેકોર્ડ બન્યો હતો. પરંતુ બે દિવસથી પવનની દિશા બદલાઇ છે.
ગઈકાલે પશ્ચિમનો પવન ફુંકાયા બાદ આજે દક્ષિણ-પશ્ચિમનો નવો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને પગલે તાપમાન એક જ દિવસમાં સાડા ચાર ડિગ્રી ગગડીને 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન એક ડીગ્રી ઘટાડા સાથે 23.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. શહેરમાં દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાતા ભેજમાં પણ ઘટાડો થયો હતો. હવામાં આજે 65 ટકા ભેજ નોંધાયો હતો.
હોળીની ઝાળ પૂર્વ દિશા તરફ ગઇ હોવાથી ચોમાસું સારું જશે અને મબલખ પાકનું ઉત્પાદન થશે
સુરત : રવિવારે શહેરમાં અનેક સ્થળે પારંપરિક રીતે હોળિકા દહન કરવામાં આવ્યું હતું. ત્યારે હોળીની જ્વાળાઓ પરથી આગામી ચોમાસાનો વરતારો જાણવા મળે છે. હોળીની જ્વાળાઓ કઈ દિશાઓમાં જાય છે તેના પરથી જ્યોતિષની દ્રષ્ટિએ આગામી ચોમાસુ કેવું રહેશે તેનો અંદાજ મળે છે. દરમિયાન પ્રગટાવનારી હોળીની જ્વાળા ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઇશાન ખૂણા તરફ જતાં આગામી ચોમાસું સારું રહેશે અને મબલક પાકનું ઉત્પાદન થશે તેવું જ્યોતિષાચાર્યના મતે જાણવા મળ્યું હતું.
જ્યોતિષાચાર્ય મનન પંડયાએ જણાવ્યા મુજબ પારંપરિક રીતે હોળી પ્રગટાવ્યા પછી તેની જ્વાળાઓ જે દિશામાં જાય તેના પરથી ભાવિ ચોમાસાના સંકેત મળે છે. હોળીની જ્વાળાઓ પરથી આગામી ચોમાસું સારું જશે કે નબળું તેની માહિતી મેળવી શકાય છે. રવિવારે હોળિકાદહનમાં જ્વાળાઓ ઉત્તર-પૂર્વ એટલે કે ઇશાન ખૂણામાં ગઈ હતી, જેથી આગામી ચોમાસું સંપૂર્ણ સોળઆની અને ઉત્તમ રહેશે. ચોમાસું સમયસર શરૂ થશે અને જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં વરસાદ પડશે. વરસાદ પૂરતા પ્રમાણમાં પડતાં ખેતીમાં મબલક પાકનું ઉત્પાદન થશે. આ ઉપરાંત રોજગારમાં લાભ પ્રાપ્ત થશે અને રોગ ઉપદ્રવ શાંત પડશે અને રોગચાળો નહીં ફેલાય.