સુરત: (Surat) સુરત શહેરમાં ગયા અઠવાડિયાથી જ વાતાવરણમાં સતત પલટો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે વાદળછાયું (Clouds) વાતાવરણ છવાયા બાદ આજે ફરી એકાએક શહેરમાં વાદળો છવાતા અસહ્ય ઉકળાટથી લોકો પંખા નીચે પણ પરસેવે ન્હાયા હતાં. આજે તાપમાન વધુ દોઢ ડિગ્રી ગગડીને 36.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન (Temperature) 28.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન આજે 57 ટકા ભેજ રહેતા અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.
- અરબ સાગરમાં એન્ટિ સાયકલોનિક સર્ક્યૂલેશનને પગલે શહેરમાં ફરી વાદળ છવાયાં
- 15 મે પછી શરૂ થતી પ્રિમાનસૂન એક્ટિવિટી આ વખતે પંદર દિવસ પહેલાં શરૂ થઈ ગઈ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં 15 મે પછી સામાન્ય રીતે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થાય છે. પરંતુ આ વખતે પ્રિમોન્સૂન એક્ટિવિટી 15 દિવસ પહેલા જ શરૂ થઈ છે. જેને પગલે શહેરમાં બે અઠવાડિયાથી અવારનવાર વાદળછાયું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. ગયા અઠવાડિયે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસરને પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠાની અસર પણ વર્તાય હતી. સતત બદલાતા હવામાન વચ્ચે એન્ટી સાયકલોનિક સર્ક્યૂલેશન નબળું પડતા ફરી આકરી ગરમી અનુભવાઇ હતી. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ફરી અરબ સાગરમાં નબળું પડેલું એન્ટી સાયકલોનિક સર્ક્યૂલેશન વધુ સ્ટ્રોંગ બનતા આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જેને પગલે શહેરમાં દિવસભર અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. પંખા નીચે પણ લોકો પરસેવે રેબઝેબ થતા જોવા મળ્યા હતા.
48 કલાકમાં તાપમાન સાડા ચાર ડિગ્રી ગગડયું
શહેરમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આજે તાપમાન વધુ દોઢ ડિગ્રી ગગડીને ૩૬.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન આજે ૫૭ ટકા ભેજ રહેતા અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. દિવસભર શહેરમાં ૭ કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફૂંકાયો હતો.