સુરતની એક 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ધો. 11માં ભણતી સ્ટુડન્ટ ભાવિકા મહેશ્વરીએ વડાપ્રધાનનું ધ્યાન મોબાઈલના વળગણની બિમારી તરફ ખેંચ્યું છે. ભાવિકા પત્રમાં લખે છે કે દેશના 25 કરોડથી વધુ બાળકો મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઝેરીલા પ્રભાવથી ગ્રસ્ત છે. આ બાળકોને ભવિષ્યની પેઢીને આ દુષ્પ્રભાવથી બચાવવા માટે રાષ્ટ્રીય સ્તરે એક ડિજીટલ ડિસિપ્લિન આંદોલન શરૂ કરવાની જરૂર છે.
ભાવિકાએ પત્રમાં ઓસ્ટ્રેલિયન ગર્વન્મેન્ટ દ્વારા લેવાયેલા નિર્ણયને ટાંકતા લખ્યું છે કે ઓસ્ટ્રેલિયાની સરકારે 16 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર પ્રતિબંધ મુકતો કડક કાયદો બનાવાયો છે. ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝરની ઉંમરનું વેરિફિકેશન કરવું ફરજિયાત બનાવાયું છે.
ભાવિકાએ વડાપ્રધાનને વિનંતી કરી છે કે ભારત સરકાર પણ આ વિષયની ગંભીરતા સમજી બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના રક્ષણ માટે કડક નિયમો ઘડે, જેથી નાની વયના બાળકો પર થતાં ડિજિટલ અત્યાચારને રોકી શકાય.
ભાવિકાએ પીએમ મોદીને વિનંતી કરી છે કે મન કી બાત ના આગામી એપિસોડમાં ડિજિટલ ડિસ્પિલન અને ચાઈલ્ડ મેન્ટલ હેલ્થ પર ચર્ચા કરે. વડાપ્રધાને દેશવાસીઓને સાત સંકલ્પ આપ્યા છે તેમાં મોબાઈલ એડિક્શનથી મુક્તિનો આઠમો સંકલ્પ ઉમેરવામાં આવે.
ભાવિકા કોણ છે?
ભાવિકા મહેશ્વરીએ 16 વર્ષની નાની ઉંમરે અનેક સિદ્ધિઓ મેળવી છે. તે 4 વખત વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને TEDx સ્પીકર રહી ચૂકી છે. અત્યાર સુધીમાં 5 પુસ્તકો લખ્યા છે. ડિજિટલ ડિસ્પિલન નામના તેના પુસ્તકનો સીબીએસઈના કોર્સમાં સમાવેશ કરાયો છે. તે ગુજરાત સરકારના બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી છે.
ભાવિકા શું કહે છે?
ભાવિકાએ કહ્યું, હું પોતે મોબાઈલ વાપરું છું પરંતુ શું જોવું અને કેટલું જોવું તે હું નક્કી કરું છું. સમયસર જાગૃતિ નહીં આવે તો આવનારી પેઢી ટેક્નોલોજીની ગુલામ બની ડિજીટલ સ્ક્રીન પાછળ કયાંક ખોવાઈ જશે. દુરગામી પરિણામો દેશ માટે ભયજનક સાબિત થશે. વડાપ્રધાન ડિજિટલ ડિસિપ્લિન અને ચાઈલ્ટ મેન્ટલ હેલ્થ પર વાત કરે તો દેશના 25 કરોડથી વધુ બાળકો માટે તે માર્ગદર્શક બની રહેશે.