સુરત(Surat): અડાજણ ખાતે એસએમસી આવાસમાં અગાસી ઉપર ચોથા માળે પાળેલા કબૂતરોને (Pigeon) વરસાદથી (Rain) બચાવવા માટે ઢાંકવા દોડેલા યુવકનો પગ લપસી જતા નીચે પટકાતા મોત (Death) થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવ અંગે મળતી માહિતી મુજબ અડાજણ એસએમસી આવાસમાં રહેતા સંજયભાઇ રાઠોડ મજુરી કામ કરે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં 14 વર્ષના મોટા પુત્ર રવિએ અગાસી ઉપર કબૂતર પાળ્યા હતા. વરસાદને કારણે ગઈકાલે રાત્રે રવિ અગાસી પર ચોથા માળે કબૂતરને ઢાંકવા માટે દોડ્યો હતો. રાત્રે બારેક વાગ્યા હોવાથી પાડોશીએ અગાસી પર જવા ના પાડી હતી. છતાં દોડેલા રવિનો પગ લપસતા નીચે પટકાયો હતો. રવિને નવી સિવિલમાં ખસેડતા ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષથી શહેરના યુવાનો શોખથી કબૂતર પાળી રહ્યાં છે. અને તેઓ તેમને જીવની જેમ સાચવી રહ્યાં છે. આ યુવાનને પણ તેવો જ શોખ હતો અને તેના કારણે તેણે પાળેલા કબૂતરોને વરસાદથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
કાપોદ્રામાં એમ્બ્રોઇડરી ખાતામાં કરંટ લાગતા યુવકનું મોત
સુરત: શહેરમાં ચોમાસાના પ્રારંભ સાથે જ વીજકરંટ લાગવાના બનાવો સામે આવતા હોય છે. ચોમાસામાં દિવાલોમાં ભેજ આવતા લોકોએ સાવધાની પૂર્વક સ્વીચનો ઉપયોગ કરવો જોઈએ. કાપોદ્રામાં એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરતા યુવકનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા ખાતે આવેલી પાણીની ટાંકી પાસે રહેતા 40 વર્ષીય રામમિલન ઇન્દ્રદેવ યાદવ છેલ્લા દસ વર્ષથી એમ્બ્રોઇડરી યુનિટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રામ મિલન તાજેતરમાં જ કાપોદ્રા ખાતેની શ્રીકૃપા ઇન્ડસ્ટ્રીયલના સિવાય ફેશન નામના એમ્બ્રોઇડરી યુનિટમાં કામે લાગ્યા હતા. ત્યાં ગઈકાલે રાત્રે એમ્બ્રોઇડરી મશીન પર કામ કરતી વખતે કરંટ લાગ્યો હતો. તેમને પહેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબ દ્વારા મૃતજાહેર કરાયા હતા.
અઠવા ચોપાટી પાસે તાપી નદીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી
સુરત: અઠવા ચોપાટી પાસે તાપી નદીમાંથી ગઈકાલે આશરે 30થી 35 વર્ષીય અજાણ્યાની લાશ મળી આવી હતી. પોલીસે અજાણ્યાનો મૃતદેહ કબજે લઈ પીએમ માટે નવી સિવિલમાં ખસેડ્યો હતો. અજાણ્યાએ શરીરે કાળા કલરનું ટીશર્ટ અને બ્લુ કલરનું નાઈટ પેન્ટ પહેર્યું છે. તેના હાથમાં એસ નામનું છૂંદણું છે. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.