કામરેજ: (Kamrej) ત્રણ દિવસ અગાઉ રાત્રિના સમયે પત્નિ (Wife) ને લઈ જતા પતિને (Husband) તાતીથૈયા પાસે અકસ્માત થતાં પત્નિ બેભાન થઈ ગઈ હતી. જ્યારે પતિ અજાણ્યા વાહનમાં ફસાઈ જતાં મૃતદેહ 10 કિલોમીટર દૂર કોસમાડા પાસે મળી આવ્યો હતો. પત્નિને લઈને સુરત ઘરે પરત જતાં પતિને અકસ્માત નડ્યો હતો.
- તાતીથૈયામાં ત્રણ દિવસ અગાઉ અકસ્માત થયેલા યુવાનનો મૃતદેહ વાહનમાં ફસાઈને દસ કિલોમીટર દુર કોસમાડામાં મળી આવ્યો
- પત્નિને લઈને સુરત ઘરે જતાં પતિને અકસ્માત નડ્યો હતો, પત્નિ બેભાન થઈ ગઈ હતી.
મુળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વતની અને હાલ સુરત લીંબાયતમાં શ્રીનાજી સોસાયટીમાં ભાડાના મકાન માં રહેતા સાગર આંનદા પાટીલા(ઉ.વ.27) ત્રણ દિવસ અગાઉ પલસાણા તાલુકાના બગુમરા ગામે સાસરીમાં પત્નિને લેવા માટે ગયા હતા. રાત્રિના સમયે પત્નિને લઈને સુરત પરત ઘરે ફરતા તાતીથૈયા પાસે દંપતિને અકસ્માત થતાં પત્નિ ઈજા થતાં બેભાન થઈ ગઈ હતી જયારે સાગર અજાણ્યા વાહનમાં ફસાઈ ગયો હતો.
રાત્રિના 11.55 કલાકે કામરેજ તાલુકાના કોસમાડા ગામની હદમાં કોસમાડા કટ પાસે મૃતદેહ મળી આવતા કામરેજ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો. સાગર પાટીલની ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ કડોદરા પોલીસ મથકમાં શુક્રવારના રોજ નોંધાઈ હતી. જેની તપાસ કરતા કોસમાડા પાસે મળેલા મૃતદેહની તપાસ કરતા સાગર પાટીલનો મૃતદેહ હોવાની ઓળખ થવા પામી હતી. તાતીથૈયા થી કોસમાડા આશરે 10 કિલોમીટર દુર છે જ્યાંથી વાહનમાં ફસાયેલો સાગર પાટીલનો મૃતદેહ મળી આવ્યો હતો.