સુરત : સામાન્ય રીતે રોડ પર એક્સિડેન્ટની (Accident) ઘટનાઓ જોવા સાંભળવા મળતી હોય છે પરંતુ બુધવારે સુરત (Surat) શહેરમાંથી પસાર થતી તાપી (Tapi) નદીના (River) પાણીના વહેણમાં એક વિચિત્ર અકસ્માત થયો હતો. તાપી નદીના પટમાં તરતી નાવડી (Boat) મગદલ્લા પાસે ઉભેલા એક શીપ (Ship) સાથે ટકરાઈ હતી. શહેરના મગદલ્લા ગામમાં રહેતા યુવકનું ગઈકાલે બપોરે તાપી નદીમાં નાવડીની શીપ સાથે ટક્કર થતા નાવડી નદીમાં ઉંધી વળી જતા ડુબી જવાથી મોત (Death) થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
- ચાર મહિના પહેલા સુરત આવેલા યુવકની નાવડી શીપ સાથે અથડાતા ડુબી જવાથી મોત
- નાવડીમાં રેતી ભરીને લઈ જતી વખતે નદીમાં અકસ્માત થયો
- મગદલ્લા બ્રિજ નીચેથી ગુડ્ડ નામના યુવકનો મૃતદેહ મળ્યો
બનાવ અંગે મળતી માહિતી મુજબ મુળ બિહારનો વતની અને ચાર મહિના પહેલા જ રોજગારી માટે સુરત આવેલો 38 વર્ષીય ગુડ્ડુ ભગવાન મહંતો હાલ મગદલ્લા ગામમાં તાપી નદી કિનારે ઝુપડામાં રહેતો હતો. સામાન્ય રીતે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ નદીમાં ટક્કર લાગતા અકસ્માતથી મોત થયાની આ વિચિત્ર ઘટના સામે આવી છે. ગઈકાલે ગુડ્ડુ બપોરનાં સાડા બારેક વાગ્યે બોટમાં રેતી ભરીને બોટ લઇને પરત આવતો હતો. ત્યારે બોટ અબુંજા સિમેંટ પ્લાંન્ટ પાસે મુકેલી શીપમાં ટકરાઇ હતી. શીપ સાથે ટકરાતા બોટ ઉધી થઇ જતાં ગુડ્ડુ શીપ નીચે આવી ગયો હતો. અને તાપી નદીના પાણીમાં ડુબી ગયો હતો. અન્ય બોટમાં કામ કરતા મજુરોએ બપોરના એકાદ વાગ્યાના સુમારે મગદલ્લા બ્રિજ નીચેથી તાપી નદીના પાણીમાંથી ગુડ્ડુનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અને પોલીસને જાણ કરતા ઇચ્છાપોર પોલીસે બનાવ અંગે વધારે તપાસ હાથ ધરી છે. વધુમાં ગુડ્ડુના લગ્ન થઈ ગયા છે અને બે સંતાન છે. તેની પત્ની અને બાળકો વતનમાં રહે છે. તે ચાર મહિના પહેલા એકલો સુરત રોજગારી માટે ભાઈ પાસે આવ્યો હતો.
હજીરા અદાણી એરપોર્ટ પાસે તાપી નદીમાં પડેલા યુવકને ફાયર વિભાગે બચાવી લીધો
સુરત: હજીરા અદાણી એરપોર્ટ પાસે બુધવારની સવારે 10 વાગ્યે તાપી નદીમાં એક યુવક કૂદી પડ્યો હતો. પરંતુ પાણીનું વહેણ વધુ હોવાથી યુવક પાણીમાં ડૂબવા લાગ્યો હતો. ત્યાંના તરવૈયાઓને જાણ થતા તેઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને નાવડી મારફતે યુવકને સહીસલામત પાણીમાંથી બહાર કાઢ્યો હતો. 27 વર્ષીય ધનરાજસિંહ રામપ્રકાશ પાસવા નામ હોવાનું ફાયર વિભાગને જાણવા મળ્યું હતું. ક્યાં કારણોસર યુવક તાપી નદીમાં કુદ્યો હતો તે જાણી શકાયું ન હતું. આ ઘટનાની વધુ તપાસ માટે ફાયર વિભાગે હજીરા પોલીસને યુવકને સોંપ્યો હતો.