SURAT

કોરોના જેવા જ લક્ષણો ધરાવતી આ બિમારીથી સુરતમાં 2 દિવસમાં 3 મહિલાના મોત

સુરત (Surat): સ્વાઈન ફ્લુની (Swine Flu) બિમારીથી સુરત શહેરમાં વધુ એક મોત (Death) થયું છે. પર્વતપાટીયા ખાતે રહેતા 64 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે. ગઈ તા. 26 જુલાઈના રોજ સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ (Positive) આવ્યા બાદ વૃદ્ધાને સારવાર માટે સ્મીમેર (Smimer) હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું છે. વૃદ્ધા લાંબા સમયથી ડાયાબિટીસ અને ફેંફસાની બિમારીથી પીડાતા હતા. શહેરમાં અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂના લીધે કુલ 3 મોત થયા છે. આ સાથે જ શહેરમાં સ્વાઈન ફ્લૂના નવા 5 કેસ નોંધાયા છે, જેમાં લિંબાયતમાં 1, વરાછામાં 2, કતારગામમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે જ સુરત શહેરમાં સ્વાઈન ફૂલના કેસની સંખ્યા કુલ 37 થઈ છે. હાલ સ્વાઈન ફ્લૂના 10 દર્દી સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

  • પર્વત પાટિયાના 64 વર્ષીય વૃદ્ધાનો 26મી જુલાઈએ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો
  • આ પહેલાં વરાછા અને ભાઠેનાના મહિલાના સ્વાઈન ફ્લૂથી મોત થયા છે
  • શહેરમાં વીતેલા 15 દિવસમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો થયો

આ અગાઉ નાના વરાછા વિસ્તારમાં રહેતી 49 વર્ષિય મહિલા અને ભાઠેનાની 54 વર્ષીય વૃદ્ધાનું સ્વાઈન ફ્લૂ હેઠળ મોત થયું હતું. શહેર-જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસ વિતેલા 15 દિવસથી વધ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાવ (Fever) આવવા સાથે શરદી ખાંસી અને ફ્લૂને કારણે દર્દીઓને (Patient) શ્વાસમાં તકલીફ થવાનાં લક્ષણો દર્દીઓમાં જણાયા છે.

શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 72 કેસ નોંધાયા
સ્વાઈન ફ્લૂની જેમ શહેર-જિલ્લામાં કોરોનાના (Corona) કેસ પણ સતત નોંધાઈ રહ્યાં છે. ગુરુવારે શહેરમાં 30 અને જિલ્લામાં 42 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 72 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે સુરત શહેર-જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 209179 પર પહોંચી છે. ગુરૂવારે શહેર-જિલ્લામાં કોરોનામાં એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. ગુરૂવારે સુરત શહેર-જિલ્લામાં 77દર્દીઓ કોરોનાની બિમારીથી સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 206385 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થઈ ચુક્યા છે. ગુરૂવારે શહેરમાં 284 અને જિલ્લામાં 269 સાથે એક્ટિવ કેસની કુલ સંખ્યા 553 નોંધાઈ છે.

Most Popular

To Top