પલસાણા: (Palsana) સુરત જિલ્લામાં મહિલાઓ અને બાળકો ઉપર થતા અત્યાચારોને અટકાવવા સુરત જિલ્લા પોલીસે (Police) મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધરતાં ગુનેગારોમાં નાસભાગ મચી ગઈ છે. મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચાર અટકાવવા પ્રોબેશન ડી.એસ.પી., પીઆઈ, પીએસઆઈ સહિતનો 104નો સ્ટાફ કામગીરીમાં જોતરાયો છે.
પલસાણાના કડોદરા, તાતીથૈયા તેમજ વરેલી અને જોળવા જેવા વિસ્તારોમાં ગુનાખોરી વધી ગઈ છે. ત્યારે આ ગુનાઓને અટકાવવા રેન્જ આઈ.જી. રાજકુમાર પાંડિયન તેમજ જિલ્લા પોલીસ વડાં ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ મહિલાઓ અને બાળકો ઉપર થતા અત્યાચારને રોકવા ગુરુવારે કડોદરા જી.આઈ.ડી.સી.ના PI હેમંત પટેલની આગેવાની હેઠળ સુરત જિલ્લા LCB-SOG સહિત જિલ્લાની પોલીસને સાથે રાખી સેન્સેટિવ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પ્રોબેશન ડી.એસ.પી. વિશાખા જૈન તેમજ ડી.વાય.એસ.પી. ભાર્ગવ પંડ્યા અને બી.કે.વનાર સહિત 3 પી.આઈ., 7 પી.એસ.આઈ. અને 90 પોલીસ કર્મચારી અને હોમગાર્ડ મળી કુલ 104 પોલીસ જવાનોનો કાફલો રણ મેદાને ચડ્યો હતો.
સેન્સેટિવ વિસ્તાર વરેલી, કડોદરા, જોળવા અને તાતીથૈયા જેવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 5 જેટલા ઈસમો ઘાતક હથિયારો તેમજ રોમિયો સ્ટાઇલની મોટરસાઇકલ પોલીસને હાથે લાગી હતી. આ કડક કોમ્બિંગ દરમિયાન ગુનેગારોમાં ભય જોવા મળ્યો હતો. તો બીજી તરફ આ કોમ્બિંગ આવનારા દિવસોમાં અવારનવાર કરવામાં આવશે. જેથી રીઢા ગુનેગારોને ઝડપી પાડી જેલના હવાલે કરાશે એવું જાણવા મળે છે.
કડોદરામાં ટીપી રોડ પર કોમર્શિયલ બાંધકામ બાબતે ઉચ્ચસ્તરિય ફરિયાદ
પલસાણા: કડોદરામાં મંજૂર થયેલા ટીપી રોડ ઉપર બિનઅધિકૃત કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જેને દૂર કરવા તેમજ હાલ ચાલતું કામ અટકાવવા બાબતે કડોદરા નગર પાલિકા તેમજ સુરત અર્બન ડેવલોપર્સ ઓથોરિટીને પણ ફરિયાદ કરવામાં આવી છે. કડોદરાથી બારડોલી રોડ પર આવેલા બ્લોક નં.૧૦૨ વાળી જમીન પૈકી પશ્ચિમ દિશાને લાગુ આવેલા બ્લોક નં.૧૦૩થી ઉત્તર દિશા તરફની જમીનમાં હાલ મંજૂર ટીપી ૨૦૩૫માં દર્શાવેલા નકશામાં ૧૨ મીટર પહોળો ટીપી રોડ અને રોડ એલાઇમેન્ટ આવેલું છે. જ્યાં હાલ એક કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યુ છે. આ બિનઅધિકૃત બાંધકામ બાબતે લાગુ બ્લોક નંબર ધરાવતા યોગેશકુમા૨ બ્રહ્મદત્ત દુબે દ્વારા આ અંગે કડોદરા નગર પાલિકામાં તેમજ સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને પણ ફરિયાદ કરાઈ છે. અને ટીપી રોડ ઉપર ચાલતા બાંધકામને તાત્કાલિક દૂ૨ ક૨વા જણાવ્યું છે. જો આ રોડ ઉ૫૨ થતું બિનઅધિકૃત બાંધકામ દૂર ના કરવામાં આવશે તો આગામી દિવસોમાં ઉચ્ચ ન્યાયાલયનાં દ્વાર ખખડાવવા અંગે પણ સ્થાનિક સરકારી કચેરીઓમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે જોવું એ રહ્યું કે આ અંગે તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે.