SURAT

સુમુલના આ ડિરેક્ટરને ડિરેક્ટર પદેથી દૂર કરવા સ્ટેટ કો.ઓ. રજિસ્ટ્રારની નોટિસ

સુરત: (Surat) વર્ષ 2015થી 2020 દરમિયાન સુમુલ ડેરીના (Sumul Dairy) ચેરમેન પદે રાજેશ કે. પાઠક હતા ત્યારે તેમના સમર્થક ડિરેક્ટર (Director) એવા ભરત સુદામ પટેલના પુત્ર હેમંત કુમાર પટેલને સુમુલ ડેરીમાં એન્જિનિયર-લેબોરેટરી વિભાગમાં નોકરી આપવામાં આવતા સુમુલ ડેરીના નીઝરના સભાસદ યોગેશ ચુનીલાલ રાજપુતે સુરતના જિલ્લા રજિસ્ટ્રાર (Registrar) અને સ્ટેટ કો.ઓપ રજિસ્ટ્રાર દેવાંગ દેસાઇને એવી ફરિયાદ કરવામાં આવી હતી કે સહકારી કાયદા પ્રમાણે જે સંસ્થામાં પિતા ડિરેક્ટર હોય ત્યાં સીધી લીટી વારસદારોને કે સગા સંબંધીઓને નોકરીએ રાખી શકાય નહી.

ફરિયાદીએ આ કેસમાં એવી ફરિયાદ કરી હતી કે સુરતના અંગ્રેજી અખબારમાં સુમુલ ડેરીના મહારાષ્ટ્રના લાહેમાં આવેલા પ્લાન્ટમાં એન્જિનિયરિંગ-લેબોરેટરી વિભાગમાં એક એન્જિનિયરની ભરતી કરવાની છે તેના અનુસંધાનમાં એક માત્ર હેમંત ભરત પટેલની અરજી આવી હતી અને તેઓ આ પદ માટે સિલેક્ટ થયા હતા. પરંતુ તેમના ડિરેક્ટર પિતાએ વગ વાપરી મહારાષ્ટ્રમાં ફરજ સોંપવાને બદલે સુરત સુમુલમાં તેમને ડ્યૂટી સોંપી નિયમ ભંગ કર્યો છે. તેના અનુસંધાને સુમુલ ડેરીના પેટા નિયમો અને ગુજરાત સહકારી મંડળીઓ 1965ની જોગવાઇઓનો ભંગ થતા સ્ટેટ કો.ઓપ રજિસ્ટ્રાર દેવાંગ દેસાઇએ ભરત સુદામ પટેલને સહકારી કાયદાની કલમ 76(બી)(1)ની જોગવાઇ પ્રમાણે તેમને ડિરેક્ટર પદેથી ગેરલાયક શા માટે નહીં ઠેરવવા તેવી કારણદર્શક નોટીસ આપી આધાર પુરાવા સાથે 22 જુલાઇ 2021ના રોજ વકીલ મારફત પોતાનો બચાવ રજૂ કરવાની તક આપી છે.

તેમાં જો તેઓ નિષ્ફળ જશે તો ડિરેક્ટર પદેથી તેમને દૂર કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે સુરતના તત્કાલીન જિલ્લા રજિસ્ટ્રાર જે.આર.ચારેલ દ્વારા અગાઉ જ્યારે નોટીસ આપવામાં આવી હતી, ત્યારે ભરત સુદામ પટેલ એવો ખુલાસો કર્યો હતો કે એમની ટર્મ પુરી થઇ ગયા પછી તેમના પુત્રની ઓપન ઇન્ટરવ્યૂમાં પસંદગી થઇ હતી. તેઓ અમુલ ડેરીમાંથી સુમુલ ડેરીની નોકરીમાં પસંદ થયા હતા. સાથે સાથે તેમણે એવી પણ માહિતી આપી હતી કે સુમુલના વર્તમાન અને ભુતપુર્વ ડિરેક્ટરોના સગા-સંબંધીઓ પણ સુમુલમાં નોકરી કરી રહ્યા છે.


રાજુ પાઠક જૂથની ભવિષ્યમાં બહુમતી ન રહે તે માટે ઓપરેશન પાર પડાયુ

સુમુલ ડેરીની ગત ચૂંટણીમાં કુલ 16 બેઠક પૈકી ભાજપના બન્ને જૂથોના સમર્થકો મળી આઠ-આઠ બેઠકની ટાઇ થઇ હતી. તેને પગલે પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પ્રમુખ પદ માટે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે રાજુ પાઠકના નામનો મેન્ડેટ આપી સમાધાન કરાવ્યું હતું. તે પહેલા મંત્રી ગણપત વસાવા જૂથના મનાતા ઉમેદવાર યોગેશ ચુનીલાલ રાજપુતનું ફોર્મ રદ થતા તેમણે ભરત પટેલના પુત્રની નોકરીને પડકારી હતી. અઢી વર્ષ પછી સુમુલના નવા ચેરમેન, વાઇસ ચેરમેનનો મામલો સામે આવે અથવા માનસિંહ પટેલ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવે ત્યારે પાઠક જૂથની બહુમતી ન રહે તેવા ઇરાદા સાથે કોંગ્રેસી મૂળના ભરત પટેલને ગેરલાયક ઠેરવવા પ્રયાસ કરાયો છે. સુમુલના બે જૂથોમાં કોંગ્રેસી મૂળના એક ડિરેક્ટર માનસિંહ જૂથને જ્યારે 3 ડિરેક્ટર પાઠક જૂથને સમર્થન આપતા આવ્યા છે.

વિવાદમાં સુમુલના કેટલાક વર્તમાન અને માજી ડિરેક્ટરોને પણ સ્ટેટ રજિસ્ટ્રારનો ચુકાદો નડી શકે

સુમુલના વર્તમાન બોર્ડમાં 4ડિરેક્ટરોના પરિવારના સભ્યો નોકરી કરી રહ્યા છે. એવીજ રીતે ચૂંટણી હારેલા એવા 4 માજી ડિરેક્ટરોના સગાઓ પણ નોકરી કરી રહ્યા છે. જોકે રજિસ્ટ્રારમાં ફરિયાદ માત્ર ભરત સુદામ સામેજ થઇ છે. તે જોતા કોંગ્રેસના અગ્રણીઓ ભાજપના મૂળના અન્ય ડિરેક્ટરો વિરૂધ્ધ પણ આ જ કેસને લઇ ફરિયાદ કરવા કાનુની અભિપ્રાય લઇ રહ્યા છે.

Most Popular

To Top