SURAT

સુરત: પાલનપુરમાં ઘરના મોભીએ માતા-પિતા-પત્ની, ત્રણ સંતાનોની હત્યા કરી જાતે ફાંસો ખાઈને આત્મહત્યા કરી

સુરત: (Surat) પાલનપુર પાટિયા વિસ્તારમાં ઘરના મોભીએ વૃદ્ધ પિતા,પત્ની,નાની દીકરી અને દીકરાને ઝેર (Poison) આપીને તેમજ માતા અને મોટી દીકરીનું ગળું દબાવીને હત્યા (Murder) કર્યા બાદ પોતે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બનાવથી આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે.

  • પાલનપુરમાં ઘરના મોભીએ માતા-પિતા-પત્ની,ત્રણ સંતાનોની હત્યા કરી જાતે ફાંસો ખાઈને આત્મહત્યા કરી
  • આત્મહત્યા કરતા પહેલા સુસાઈટ નોટ લખી, તેમની હત્યા-આત્મહત્યા માટે કોઈ જવાબદાર તો છે પરંતુ તેમના નામ નથી લખ્યા

ઘટના સ્થળ,પોલીસ અને નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ મોટા દેત્રાડા ગામ,તાલુકા ધંધુકા, જિલ્લો અમદાવાદના વતની મનીષ કનુભાઈ સોલંકી( 37 વર્ષ) વર્ષોથી સુરતમાં રહેતા હતા. હાલમાં તેઓ અડાજણમાં વિદ્યાકુંજ સ્કુલ પાછળ,સિદ્ધેશ્વર ફ્લેટના જી-1-રૂમ નંબર સી-2 ખાતે પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં માતા શોભનાબેન(68 વર્ષ), પિતા કનુભાઈ વિટ્ઠલભાઈ સોલંકી( 70 વર્ષ),પત્ની રીટા ઉર્ફ રેશમા(35 વર્ષ),પુત્રી કાવ્યા( 16 વર્ષ), પુત્રી દિશા( 13 વર્ષ),પુત્ર કુશલ( 6 વર્ષ) હતા. મનીષ ઇન્ટિરિયર ડિઝાઈનર તરીકે કામ કરવા ઉપરાંત ફર્નિચરને લગતું કામ કરતા હતા. મનીષના હાથ નીચે 30 થી વધુ કારીગરો કામ કરે છે. ગતરોજ મોડી સાંજે તેઓ તેમના સમાજના કડોદરા ખાતે આવેલ ગરબાના આયોજનમાં ગરબા રમવા માટે ગયા હતા. રાત્રે 9.30 વાગ્યાના સુમારે મનિષે ઘરમાં દિવો કર્યો તે સ્ટેટસ મનિષે ફોન પર રાખ્યો હતો.

ત્યાર બાદ સવારે તેમના કારીગરે મનીષને ફોન કર્યો પરંતુ મનીષે ફોન ઉપાડ્યો નહતો. તેથી કારીગર ઘરે ગયો હતો. ત્યારે પણ ઘરનો દરવાજો કોઈએ અંદરથી ખોલ્યો ન હતો. તેથી કારીગર તેમના ઘરની પાછળના ભાગે બારીમાંથી જોતા મનીષે ફાંસો ખાધેલો હોવાનું જણાયું હતું. તેથી કારીગરે મનીષના સંબંધીઓને જાણ કરી હતી. પિતરાઈ ભાઈને જાણ કરી હતી. તેના ભાઈ-ભત્રીજા આવ્યા ત્યારે બારીનો કાચ તોડીને અંદર ઘુસીને દરવાજો ખોલ્યો ત્યારે બધા ઘરમાં પ્રવેશ્યા હતા. અંદરનો માહોલ જોઈને સૌના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી. ઘરના તમામ સભ્યોની લાશો પડી હતી. મનીષે ફાંસો ખાધો હતો અને તેની માતા-પિતા-પત્ની, બંને દીકરીઓ અને દીકરાની લાશ પડી હતી.

ઘરમાંખી એક સુસાઈટ નોટ મળી આવી હત. સામુહિક હત્યા-આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. હાલમાં પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે. તમામનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટ મોર્ટમ અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જણાય આવે છે કે મનીષે તેના પિતા,પત્ની, નાની દીકરી અને દીકરાને કોઈ ખાવાના પદાર્થમાં અથવા પાણી જેવા કોઈ પ્રવાહીમાં ઝેર મિક્સ કરીને પિવડાવી હત્યા કરી નાખી. માતાની અને મોટી દીકરીનું ગળું દબાવીને હત્યા કરી અને બાદમાં પોતે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોય. પોસ્ટ મોર્ટમ પણ પ્રાથમિક તબક્કે આવાજ ઘટનાક્રમ તરફ ઇશારો કરે છે. કદાચ માતા અને મોટી દીકરીએ ઝેર મિક્સ કરવા પહેલા જમી લીધું હોય એટલે તેમનું ઝેરથી મોત થયું ન હોય.


પરોપકાર,ભલામણસાઈ, અને દયાળું સ્વભાવ મને હેરાન કરી ગયો-સુસાઈટ નોટ
મનીષે લખેલી સુસાઈટ નોટ મળી આવી છે. તેમાં તેને લખેલી વિગત અક્ષરશ:

હુ મારા દિવસ કેમ પસાર કરતો હતો મારૂ મન જાણે છે. મારા ગયા પછી મારા બાળકો અને માતા મમ્મી-પપ્પા કેવુ જીવન જીવશે અને તેઓ મારા વગર રહી શકે તેમ નથી તે ચિંતા કોરી ખાય છે. આ પગલું ભરવા પાછળ કોઈ અંગત વ્યક્તિ કે કારણો જવાબદાર હોઈ શકે છે પણ તેઓના નામ લેવા માંગતો નથી. જીવતા હેરાન કર્યા નથી તો મર્યા પછી કોઈને હેરાન કરવા માંગતો નથી. પરોપકાર-ભલામણસાઈ અને દયાળું સ્વભાવ મને હેરાન કરી ગયો. રૂપિયા લીધા પછી કોઈ પાછા આપતું નથી. ઉપકારનો બદલો કોઈ પાછું આપતુ નથી. મારી જીંદગીમાં ઘણાને મદદ કરી છે મારા બાળકો અને મમ્મી પપ્પાની ચિંતા સતત મને મારી નાખતી. રીટાબેન તારૂ ધ્યાન રાખજે. ઘનશ્યામલાલ મુન્નાભાઈ લાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો. જાણતા-અજાણતા આ જીવનમાં કોઈ ભુલચુક થઈ હોય તો માફ કરજો. અમારી મોતના કારણ જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી. એને કુદરત જરૂરથી પરચો આપશે ને કદી સુખી નહીં થઈ શકે. કોઈના પણ નામ લખવામાં અમને સંકોચ થશે અને કુદરત જાણે છે બધુ. જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મરયા પછી પણ કોઈને હેરાન નહીં કરીએ.

પોલીસ કમિશનરે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)ની રચના કરી
એક સાથે એકજ પરિવારના સાત વ્યક્તિઓના આત્મહત્યા-હત્યાના બનાવને પોલીસ કમિશનરે ગંભીરતાથી લીધી છે. આ બનાવ ખુબજ ગંભીર હોય તમામ પાસાઓને આવરી લઈને ઉંડાણપુર્વક અને ન્યાયિક રીતે તપાસ થાય તે હેતુથી પોલીસ કમિશનર અજયકુમાર તોમરે પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)ની રચના કરી છે. આ SIT માં ડીસીપી ઝોન-5, એસીપી કે ડિવિઝન, એસીપી ક્રાઈમ બ્રાંચ અને પીઆઈ અડાજણ રહેશે. ડીસીપી ઝોન-5 SITના અધ્યક્ષ હશે, જ્યારે બાકીના SITના સભ્યો હશે. તમામની ભુમિકા પણ સ્પષ્ટ છે. તેમાં ડીસીપી-5 તપાસ માટે પોતાના વિસ્તારમાંથી જરૂરિયાત મુજબના સારા રાઈટરોની ફાળવણી કરવાની રહશે તેમજ સમગ્ર તપાસનું અંગત સુપરવિઝન રાખીને તેને અનુરૂપ જરૂરી સુચના અને માર્ગદર્શન આપવાનું રહેશે. એસીપી ક્રાઈમ બ્રાંચ તપાસમાં જરૂરિયાત મુજબ ટેકનિકલ મદદ પુરી પાડીને જરૂરી મદદ કરવાની રહેશે.એસીપી કે ડિવિઝન તપાસમાં નાનામાં નાની બાબત પણ ધ્યાન બહાર ન રહી જાય તેનું અંગત સુપરવિઝન રાખી તપાસમાં જરૂરી મદદ કરવાની રહેશે. અધિક પોલીસ કમિશનર સેક્ટર-2 સમગ્ર તપાસનું મોનિટરિંગ કરીને તેને અનુરૂપ જરૂરી સુચના અને માર્ગદર્શન આપવાનું રહેશે.

હોલમાં મનીષ અને તેના માતા-પિતાની લાશ અને બેડરૂમમાં પત્ની-સંતાનોની લાશ હતી
ઘરમાં પોલીસ પહોંચી ત્યારે ઘરનો માહોલ વિચલિત કરનાર અને કોઈનું કાળજું કંપાવી દેનાર હતું. નજરે જોનાર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘરમાં પગ મૂકતા જ જાણે અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. હોલમાં નીચે મનીષના માતા-પિતાની લાશ પડી હતી. મનીષની લાશ પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં હતી. એક બેડરૂમમાં મનીષની પત્ની અને ત્રણેય સંતાનોની લાશ પડી હતી. મનીષના પિતા, મનીષની પત્ની, મનીષની નાની દીકરી અને દીકરાના મોઢામાંથી ફિણ નિકળ્યું હતું. મનીષ તેની માતા અને મોટી દીકરીના મોઢામાંથી ફિણ નહીં સમાન હતું. ઉપરાંત જે ઝેરની બોટલ પડી હતી. તેમાં એક બોટલ હોલમાં પડી હતી અને બીજી બોટલ કિચનમાં પડી હતી.

માતા-મોટી દીકરીનું ગળું દબાવી હત્યા કરી
મનીષની માતા અને મોટી દીકરીના મોઢામાંથી ફિણ નહીવત હતું. તેથી પોલીસને શંકા જતા પોલીસે તેમનું ગળું તપાસતા ગળા પર નિશાન મળી આવ્યા હતા. તેથી પોલીસે તે બંનેનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટ મોર્ટમ દરમિયાન ખબર પડી કે મનીષના પિતા,પત્ની અને નાની દીકરી અને દીકરાના પેટમાં ખોરાખની સાથે ઝેર મળી આવ્યું હતું. પોસ્ટ મોર્ટમ દરમિયાન પણ ઝેરની સ્મેલ આવતી હતી. તેમને ખાવામાં અથવા પાણી સથે ઝેર અપાયું હોય એવી સંભાવના પોસ્ટ મોર્ટમ કરનાર ડોક્ટરે જણાવ્યું હતું. મનીષે પોતે કોઈ ઝેર લીધું ન હતું. તેને ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જ્યારે મનીષની માતા અને મોટી દીકરી કાવ્યાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે મનીષની માતા શોભનાબેન અને દીકરી કાવ્યાના ગળાના ભાગે ઇજાના નિશાન હતા. તેથી ફોરેન્સીક પોસ્ટ મોક્ટમ કરવામાં આવ્યું હતું. તેમાં ગળું દબાવવાથી મોત નિપજ્યું હોય એવું લાગે છે. સેમ્પલ લીધા છે. તેમના પેટમાંથી ખોરાખ મળી આવ્યો પરંતુ ઝેરના કોઈ ચિન્હો મળી આવ્યા નહતા.

તપાસનો ઘણો ખરો આધાર મનીષના મોબાઈલ ફોન પર……
આત્મહત્યા-હત્યાનું કારણ હજી સામે આવ્યું નથી. પ્રાથમિક તબક્કે આર્થિક કારણોસર આત્મહત્યા-હત્યા કરી હોવાની સંભાવના પોલીસ જોઈ રહી છે. સુસાઈટ નોટમાં પણ કોઈ સ્પષ્ટ કારણ નથી. સુસાઈટ નોટથી એવું લાગે છે કે કોઈતો છે જેનાથી હેરાન થઈને કે ત્રાસીને મનીષે સૌની હત્યા કર્યા બાદ આથ્મહત્યા કરી હોય પરંતુ તેમના નામ સુસાઈટ નોટમાં નથી. ત્યારે પોલીસે કારણ જાણવા માટે આખું ઘર સ્કેન કરી નાખ્યું હતું. પરંતુ ઘરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ઉપરાંત તેની ગાડી પણ આખી તપાસી પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. પોલીસને મનીષનો ફોન મળ્યો છે પરંતુ તે હાલ લોક છે. તે અનલોક થાય ત્યાર બાદ કદાચ કોઈ દિશા પોલીસને મળી શકે છે.

મહીને બે લાખ રૂપિયાની આવક હતી….
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મનીષ ઇન્ટિરિયર ડિઝાઈનર તરીકે કામ કરવા ઉપરાંત ફર્નિચરને લગતું કામ કરતા હતા. તેમના હાથ નીચે 30થી વધુ કારીગરો હતા. મનીષ મહિને બે લાખ રૂપિયાથી વધુ કમાવતો હતો. મનીષને ચાર બહેનો છે. તે પૈકી રીટા નામની બહેન વિધવા છે. મનીષને રીટાબેન પ્રત્યે આદર-પ્રેમ અને માન હતો. મનીષ રીટાને હમેશા આર્થિક મદદ કરતો હતો. રીટાના બે સંતાનોનો તમામ ખર્ચ મનીષ કરતો હતો. મનીષ લાગણીશીલ સ્વભાવનો હતો. તેની પાસે કોઈ કાંઈ મદદ માંગે તો મદદ પણ કરતો હતો. હાલમાં રીટાબેનને એક લાખ રૂપિયાની મદદ કરી હતી.

10 વર્ષ પહેલા આરટીઓ પાસે બુકસેલર પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યા કરી
દસેક વર્ષ પહેલા પણ દિવાળીના દિવસે જ રિંગરોડ પર આરટીઓ પાસેની એક બિલ્ડિંગમાં રહેતા બુકસેલર પરિવારના ચાર સભ્યોએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. ઉપરાંત પાંચેક મહિના પહેલા સરથાણામાં મોરડિયા પરિવારના ચાર જણાએ બીઆરટીએસ કેનાલ રોડ પર ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. તેજ પરિવારના બચી ગયેલા બે સંતાનોએ બે મહિના પછી વતનમાં આત્મહત્યા કરી લીધી હતી. બે મબિના પહેલા રાંદેરમાં એક પરિણાતાએ બે સંતાનોની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

Most Popular

To Top