સુરત: (Surat) માથાભારે સજ્જુ કોઠારીને (Sajju Kothari) જામીન મળ્યા બાદ રાંદેર પોલીસ સબજેલની (Sub Jail) બહારથી કલમ 151 હેઠળ અટકાયત કરવા માટે ગઈ હતી. સજ્જુ કોઠારીએ તેમની સાથે આવવા આનાકાની કર્યા બાદ ઝપાઝપી કરી ભાગી ગયો હતો. આ ગંભીર બેદરકારીમાં પોલીસ કમિશનરે (Police Commissioner) પીએસઆઈ (PSI) આર.એલ.દેસાઈ તથા પોલીસ ઇન્સપેક્ટરની (PI) જવાબદારી નક્કી કરી એમ.સી.ચૌહાણને સસ્પેન્ડ કર્યા છે. અને રાંદેર પીઆઈનો ચાર્જ પીએલ ચૌધરીને સોંપ્યો હતો.
- લાજપોર જેલ ખાતે સજ્જુ કોઠારી છટકી જતાં રાંદેરના પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ
- પીએસઆઈ આર.એલ.દેસાઈ સાથે ઝપાઝપી કરી હતી, જ્યારે પીઆઈ એમ.સી.ચૌહાણની પણ જવાબદારી બનતી હતી
- રાંદેર પોલીસ ઇન્સપેક્ટરની જગ્યાએ એરપોર્ટ સિક્યુરિટી પીઆઈ પી.એલ.ચૌધરીને ચાર્જ સોંપાયો
ગુજસીટોકનો આરોપી સજ્જુ કોઠારી લાંબા સમયથી નાસતો ફરતો હતો. ક્રાઈમ બ્રાંચે મહા મહેનતે મહારાષ્ટ્રના નાગપુરથી ઝડપી પાડ્યો હતો. બાદમાં કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના રિમાન્ડ નામંજૂર કર્યા હતા. બાદમાં સજ્જુ કોઠારીએ જામીન માંગતા જામીન મળી ગયા હતા. રાંદેર પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવી અટક કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પુરા થતા કોર્ટ સમક્ષ રજૂ કરાતા આરોપી સજ્જુ કોઠારીના જામીન મંજુર કર્યા હતા. તેનો કબ્જો લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે લીધો હોવાથી રાંદેર પોલીસે તેને સબજેલમાં સોંપ્યો હતો. ત્યાંથી રાંદેર પોલીસના સબ ઇન્સપેક્ટર આર.એલ.દેસાઈ તેમની ટીમ સાથે સજ્જુ કોઠારીની સીઆરપીસી કલમ 151 મુજબ પગલા લેવાના હોવાથી સબજેલના કમ્પાઉન્ડની બહાર લાવ્યા હતા. પરંતુ સજ્જુ કોઠારીએ પોલીસ સાથે જવા આનાકાની કરી હતી.
પોતે આવતીકાલે જાતે આવી જશે તેમ કહ્યું હતું. તે સમયે સજ્જુનો ભાઈ આરીફ ગુલાબ કોઠારી (રહે, સુભાષ નગર, શીતલ, રાંદેર) તથા યોગેશ નરેન્દ્ર ટંડેલ સાથે ચાલતા હતા. દરમિયાન સજ્જુએ પોલીસ સાથે ઝપાઝપી કરી નાસી છુટ્યો હતો. બહાર એક બાઈક લઈને ઉભેલા વ્યક્તિ સાથે નવસારી જતા રોડ પર ભાગી ગયો હતો. આ અંગે પીએસઆઈએ સચીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આજે પોલીસ કમિશનરે આ ઘટનાને ગંભીરતાથી લઈ પીએસઆઈ દેસાઈને સસ્પેન્ડ કર્યા હતા. અને પીઆઈની પણ જવાબદારી હોવાથી પીઆઈ ચૌહાણને પણ સસ્પેન્ડ કરાયા છે. રાંદેર પીઆઈનો ચાર્જ એરપોર્ટ સિક્યુરિટી પીઆઈ પી.એલ.ચૌધરીને સોંપ્યો છે.