સુરત: સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી બહુમાળી સરકારી કચેરીમાં કાર્યરત મિલકત દસ્તાવેજ માટેની સબ રજિસ્ટ્રાર કચેરીનું સરનામું બદલાયું છે. હવે સુરતના લોકોએ તેઓની મિલકતના દસ્તાવેજોની નોંધણી કરાવવી હોય તો નવા સરનામે જવું પડશે. જોકે, પહેલાંની સરખામણીએ મિલકતદારોની હેરાનગતિમાં ઘટાડો થશે. લોકોની પડતી તકલીફને ધ્યાને લઈને જ બહુમાળી ઈમારતમાં સબરજિસ્ટ્રારની કચેરીને ફેરવવામાં આવી છે.
સુરતના બહુમાળી ખાતે અઠવા અને ઉધના માટેની મિલકત દસ્તાવેજની (Property Registration) સબ રજીસ્ટ્રારની ઓફિસ (Sub Registrar Office) સાતમા આઠમા માળે કાર્યરત હતી. આ વિસ્તારમાં દર વર્ષે 32 હજાર કરતાં વધારે લોકો અહીં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા માટે આવતા હતા. જેને કારણે ખૂબ તકલીફ થતી હતી. રાજ્યના મહેસૂલ મંત્રી તરીકે હર્ષ સંઘવી (HarshSanghvi) તાત્કાલિક અસરથી નિર્ણય લઈને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આજથી સબ રજીસ્ટારની ઓફિસનો પ્રારંભ કરાવ્યો છે.
- નાનપુરા બહુમાળી ભવનના સી બ્લોકના 6 અને 7મા માળે કાર્યરત ઉધના અને અઠવા સબ-રજીસ્ટ્રાર કચેરીઓને નાગરિકોની સુગમતા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતરિત કરાઈ
- સબ-રજીસ્ટ્રાર કચેરી-સુરત સિટી-1 (અઠવા) અને સબ-રજીસ્ટ્રાર કચેરી-સુરત-2 (ઉધના) કચેરીઓનો જનતાની સેવામાં શુભારંભ કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
- કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની પ્રેરક ઉપસ્થિતિ
- માત્ર 100 કલાકમાં સબ રજીસ્ટ્રાર કચેરી ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતરિત કરાઈ
- વર્ષે 32 હજારથી વધુ દસ્તાવેજોની નોંધણી માટે આવતા નાગરિકોને ફાયદો થશે: ગૃહરાજ્યમંત્રી
અઠવા અને ઉધના ઝોનના લોકોની ઘણા સમયથી ખૂબ ફરિયાદ હતી કે, રજીસ્ટ્રેશન માટે બહુમાળીના સાતમા-આઠમાં માળ સુધી જવું પડે છે. હજારો લોકો આવતા હોવાને કારણે લિફ્ટની પણ સમસ્યા હતી. સતત વ્યસ્ત હોવાને કારણે લોકોનો સમય પણ ખૂબ થતો હતો. વારંવાર સુરતના અને નવસારીના સાંસદોને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ભાજપના નેતાઓ દ્વારા સંકલનમાં પણ આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યા બાદ આખરે ગુરુવારે સુરત જિલ્લા કલેકટરને આપેલા સૂચન મુજબ માત્ર 100 કલાકમાં જ સબ રજીસ્ટ્રારની ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખસેડી દેવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન ગુરુવારે હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સિટી પ્રાંત અને નાયબ કલેક્ટર જી.વી. મિયાણી, સ્ટેમ્પ ડ્યૂટી વિભાગના નાયબ ક્લેક્ટર રાજેશ ભોગાયતા, કતારગામ મામલતદાર એસ. હુણ, મદદનીશ નોંધણી સહ નિરીક્ષક સંદિપ સવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.