સુરત: (Surat) કોરોનાના સંક્રમણને કારણે હવે વિદેશ જવા માટે વેક્સિન (Vaccine) લેવી તેમજ આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ આપવા ફરજીયાત કરી દેવાયા છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ (Students) અભ્યાસ માટે વિદેશ જતા હોય છે તેઓને ફરજીયાત વેક્સિન લેવાની હોય, તેઓને વેક્સિન આપવા માટે હવે અગ્રિમતા આપવામાં આવશે. જેઓ માટે મનપા દ્વારા રજીસ્ટ્રેશનની (Registration) સાઈટ જાહેર કરી છે. તેમજ કયા પુરાવા આપવાના રહેશે તેની માહિતી આપવામાં આવી છે.
જે જાહેરાતના એક જ દિવસમાં શહેરના 382 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. વિદેશ જતા વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિનમાં અગ્રતા આપવા અંગેની જાહેરાતના સંદર્ભે સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન શરૂ કરવામાં આવી છે. વિદેશ જતા હોય તેઓએ કોવિડ વેક્સિન લેવા માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://tinyurl.com/SMCAbroadstudentVaccination પર રજીસ્ટ્રેશન કરી જરૂરી પુરાવાઓ રજુ કરવાના રહેશે. તા. 4 જુનથી બપોરે 12 વાગ્યાથી રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી હતી. તેના ગણતરીના કલાકોમાં જ મનપાને 382 અરજી મળી હતી. સરકારની ગાઈડલાઈન મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા SMS મળતાં જ રસીકરણ કરવામાં આવશે.
ધો.10 અને 12નાં રિપીટર વિદ્યાર્થીઓ માટેનો નિર્ણય પેન્ડિંગ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12માં માસ પ્રમોશન બાદ પરિણામ તૈયાર કરવા માટેની ફોર્મ્યુલાની મથામણ ચાલી રહી છે, 100 માર્કના એસેસમેન્ટમાં ધો.10નું પરિણામ પાયો બનશે. પરંતુ ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓ માટે હજી પણ નિર્ણય લેવાયો નથી. ત્યારે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈ હજી નિર્ણય લેવાયો નથી. આમ, રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે નહીં તે અંગે તેમણે કાંઈ જ જણાવ્યું ન હતુ.
રાજ્યનાં 4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ હાથમાં બેનર અને સ્લોગનો સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કરી પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓ વિશે કહ્યું હતું કે, અમને પણ માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો. અમે પરીક્ષાનો વિરોધ નથી કરી રહ્યાં.આમરી ઓનલાઇન પરીક્ષા યોજાય તો અમે આપવા તૈયાર છીએ. સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરે છે તો રિપીટર્સ માટે પણ નિર્ણય લેવો જોઈએ.