સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન થઈ જવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વિધાર્થી (Student) સહિત અન્ય ત્રણ યુવકના મોત થયા હતા. VNSGU માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ ન હતો.
મળેલી માહિતી મુજબ મૂળ ઓલપાડ વેલુક ગામના વતની કમલેશભાઈ પટેલ હાલ જહાંગીરપુરા કેનાલ રોડ વિસ્તારમાં આવેલ શિવદ્રષ્ટિ રો હાઉસમાં બે દીકરા સહિતના પરિવાર સાથે રહે છે. કમલેશભાઈ હજીરા ખાતે ક્રિપ્ટો કંપનીમાં નોકરી કરે છે. કમલેશભાઈના સંતાન પૈકી યશકુમાર (19 વર્ષ) VNSGUમાં BSCના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. શુક્રવારે રાત્રે યશકુમાર પરિવાર સાથે જમીને સુઈ ગયો હતો. શનિવારે સવારે 8:30 વાગ્યાના સુમારે તેની માતા મનીષાબેનએ તેને જગાવ્યો હતો. પરંતુ યશકુમાર જાગ્યો ન હતો. જેથી બેભાન હાલતમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યશકુમારનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું.
બીજા બનાવમાં મૂળ નંદુરબારના વતની અને હાલ ડિંડોલી ખાતે આવેલ ગાયત્રી નગરમાં મહેશ રમેશભાઈ સામુદ્રે (28 વર્ષ) પરિવાર સાથે રહેતો હતો. મહેશ છૂટક મજૂરી કામ કરતો હતો. શુક્રવારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં મહેશ ઘરમાં બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. થોડાક દિવસોથી તેના લિવરની સારવાર પણ ચાલી રહી હતી. તેમજ મહેશના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.
ત્રીજા બનાવમાં, પાંડેસરા ગોવાલક રોડ ખાતે આવેલ ગણપત નગર વિભાગ 2માં સંજય સુરેશ રાઠોડ (29 વર્ષ) પરિવાર સાથે રહેતો હતો. સંજય શુક્રવારે મધરાત્રે ઘર પાસે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરે સંજયનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની સંભાવના વ્યક્ત કરી હતી. દોઢ વર્ષ પહેલાં સંજયના મગજની સર્જરી પણ થઈ હતી. જેથી તેના રિપોર્ટ આગળ મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ તેના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે તેવું વધુમાં ઉમેર્યું હતું.
ચોથા બનાવમાં, મૂળ ઓલપાડના વતની અને હાલ ભટાર ખાતે આવેલ તડકેશ્વર સોસાયટીમાં વિનોદ કાંતિભાઈ પટેલ (35 વર્ષ) એક સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો. વિનોદ સંચા ખાતામાં નોકરી કરતો હતો. શનિવારે બપોરે 3:30 વાગ્યાના સુમારે વિનોદ ઘરમાં હાજર હતો. તે દરમિયાન તેને છાતીમાં દુખાવો થતા તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને ઘર પાસે ખાનગી ક્લિનિકમાં સારવાર માટે લઈને ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.