સુરત: (Surat) આઇઆઇટી ગુવાહાટીએ રવિવારે જેઇઇ એડવાન્સનું રિઝલ્ટ-2023 (JEE Advance Result) જાહેર કર્યું છે. જેમાં સુરતી વિદ્યાર્થીએ (Studant) બાજી મારી છે. સુરતનો જત્સય જરીવાલા દેશમાં 24માં અને રાજ્યમાં પહેલા નંબર પર આવ્યો છે. જત્સયએ પેપર એકમાં કેમેસ્ટ્રીમાં 54, ફિઝિક્સમાં 57 અને મેથ્સમાં 45 માર્ક્સ મેળવ્યા છે તથા પેપર બેમાં કેમેસ્ટ્રીમાં 53, ફિઝિક્સમાં 48 અને મેથ્સમાં 52 માર્ક્સ મેળવ્યા છે. આમ, જત્સયએ 360માંથી 309 માર્ક્સ મેળવવા સાથે ઓલ ઇન્ડિયા રેંક 24મો હાંસલ કર્યો છે. ઉપરાંત રાજ્યમાં પહેલા નંબર પર રહ્યો છે.
મૂળ સુરતી જત્સય જરીવાલાએ ધોરણ-12 સુધીનો અભ્યાસ સ્કોલર ઇંગ્લિશ એકેડેમિકમાં કર્યો છે. જેના પિતા ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ સાથે સંકળાયેલા છે તો માતા હાઉસ વાઇફ અને બહેન આર્કિટેક્ચરનો અભ્યાસ કરી રહી છે. જત્સયને સિતાર વગાડવાનો શોખ છે. ધોરણ-10માં 93 ટકા અને ધોરણ-12માં 94 ટકા આવ્યા હતા. જત્સયએ જણાવ્યું હતું કે, જે પણ ટોપિક ભણું છું, એ ઘરે આવીને રિવિઝન કરી જાવ છું. ઉપરાંત તે જ ટોપિકને લગતા ક્વેશ્ચન સોલ્વ કરતો હોવ છું. આમ દરરોજના આઠ કલાક અભ્યાસ કરતો હતો. જેઇઇ મેઇન્સમાં ફર્સ્ટ અને સેકેડન્ડ સેશનની જગ્યાએ મેં વધારે જેઇઇ એડવાન્સની પરીક્ષાની તૈયારી કરી હતી. હવે હું મુંબઇ આઇઆઇટીમાં એડમિશન મેળવીને કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરીશ.
અહીં જત્સયએ જેઇઇ મેઇન્સના ફર્સ્ટ સેશનમાં ફિઝિક્સમાં 99.7895571, કેમેસ્ટ્રીમાં 100.000000 અને મેથ્સમાં 99.9906031 પર્સન્ટાઇલ સ્કોર કર્યો હતો તથા સેકેન્ડ સેશનમાં મેથ્સ સાથે ફિઝિક્સમાં 100 પર્સન્ટાઇલ સ્કોર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે જેઇઇ એડવાન્સની બન્ને પેપર 1,80,372 વિદ્યાર્થીઓએ આપ્યા હતા. જેમાંથી 43,773 વિદ્યાર્થી ક્વોલિફાય થયા છે. જેમાં 36,204 વિદ્યાર્થી છે અને 7,509 વિદ્યાર્થિની છે. નિશ્ચય અગ્રવાલે દેશમાં 194મો, તેજશ ચૌધરીએ 211મો, રૌનવ પુરીએ 213મો અને ભૂમિન હીરપરાએ 491મો નંબર હાંસીલ કર્યો છે.