સુરત(Surat): અડાજણ (Adajan) ખાતે હનીપાર્ક રોડ પર આવેલા રો હાઉસમાં રહેતી અને ધોરણ-8માં અભ્યાસ (Study) કરતી વિદ્યાર્થિની (Student) ગઈકાલે બપોરે ટ્યુશને (Tuation) જવાનું કહીને નીકળી હતી. ટ્યુશનનો સમય પૂરો થઈ ગયા પછી પણ ઘરે નહીં આવતાં વિદ્યાર્થિનીના પિતાએ અડાજણમાં અપહરણની ફરિયાદ (Complaint) નોંધાવી હતી. દરમિયાન ગુરુવારે સવારે વિદ્યાર્થિની દિલ્હી રેલવે સ્ટેશન પર મળી આવતાં રેલવે પોલીસ તેને સુરત લઈને આવી રહી છે.
અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ હનીપાર્ક રોડ પર રહેતા અને પુસ્તકોના વેપારીની મોટી દીકરી ધો.8માં અભ્યાસ કરે છે. કિશોરી બપોરે પડોશમાં આવેલી સોસાયટીમાં ખાનગી ટ્યૂશનમાં ગઈ હતી. ગઈકાલે બપોરે ઘરેથી ટ્યૂશન જવા નીકળી હતી. ઘરેથી ટ્યુશને જાઉં છું તેમ કહી જૂનું બેગ લઈ નીકળ્યા બાદ સમયસર પરત આવી નહોતી. જેથી કિશોરીની માતાએ ટ્યુશન ટીચરને ફોન કરીને દીકરી હજી ઘરે નથી આવી તો તેને લેવા આવી જાઉં તેમ પૂછ્યું હતું.
ત્યારે ટીચરે તમારી દીકરી આજે ટ્યુશનમાં આવી જ નથી તેવું કહેતાં માતા ગભરાઈ ગઈ હતી. આ અંગે પિતાને જાણ કરતાં તેમણે આસપાસની સોસાયટીમાં તથા મંદિરોમાં શોધખોળ કરી હતી. પરંતુ કિશોરી મળી ન આવતાં અડાજણ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ગુરુવારે સવારે દિલ્હી રેલવે પોલીસનો કિશોરીની માતાના મોબાઈલ પર ફોન આવ્યો હતો. તેણી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી ગઈ હોવાનું કહેતાં અડાજણ પોલીસને જાણ કરવામાં આવી હતી. કિશોરી રેલવેમાં બેસીને કઈ રીતે અને કેમ દિલ્હી ગઈ એ અંગે તે આવ્યા પછી જાણી શકાશે.