સુરત: 36મા નેશનલ ગેમ્સ ગુજરાત અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી ત્રણ દિવસ સ્પોર્ટસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેનો વેસુ કેનાલ પાથ પર રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. પહેલા દિવસે ગામઠી રમતોનું આયોજન કરાયં હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ રમતો રમી બાળકો અને મોટેરાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે લખોટી અને આંધળો પાટો જેવી રમતો રમી હતી. જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત સુરતીઓએ કોથળા કૂદ, રસ્સા ખેંચ, પઝલ્સ ગેમ્સ વગેરેની મજા માણી હતી. ખાસ વાત એ હતી કે ખાણીપીણીના શોખીન સુરતીઓ રમત ગમતની સાથે સ્વાદિષ્ટ વ્યંજનોના સ્ટોલ પર ઉમટી પડ્યા હતાં. જેને કારણે સવારે 10 વાગ્યા સુધીમાં તમામ ખાણીપીણીના સ્ટોલ પર સૂપડા સાફ થઈ ગયા હતા.
શહેરમાં તા. 18થી 20 સપ્ટેમ્બર દરમ્યાન ત્રણ દિવસીય સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન કેનાલ પાથ-વે અણુવ્રતદ્વારથી વી.આઈ.પી. જંકશન ખાતે કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટસ કાર્નિવલ દરમિયાન તા. 18 મીએ ગામઠી રમોત્સવ યોજાઈ હતી. હવે તા. 19 મીએ સાયકલિંગ અને સ્કેટિંગ રેલી વીથ મોસ્કોટ તેમજ તા. 20 મીએ નેશનલ ગેમ્સ થીમ પર આધારીત પરેડ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. એટલું જ નહીં તા. 18 થી 20 સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલમાં સાંજે 6 થી 8 વાગ્યા દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રે 8 થી 11 વાગ્યા દરમ્યાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિલવમાં પહેલાં જ દિવસે સુરતીઓનો ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સુરતીઓ પોતાના પેટ્સ લઈને આવ્યા
ખાણીપીણી અને રમતો રમવાની સાથે સુરતીઓએ પોતાના પેટ્સને પણ જલસા પાડી દીધા હતા. સવાર સવારમાં લોકો પોતાના પેટ્સ લઈ કાર્નિવલમાં પહોંચ્યા હતા. મોટાભાગના લોકો પોતાના ડોગ લઈને આવ્યા હતા. તો કેટલાક લોકો પેરટ્સ લઈને પણ આવ્યા હતા. જેમાં ઓસ્ટ્રેલિયન મકાઉ પેરટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
વ્યંજનોના સ્ટોલ પર રમતોના નામે આકર્ષણ જમાવ્યું
સ્પોર્ટસ કાર્નિવલમાં સુરત મનપાએ સુરતીઓ માટે ખાસ વ્યંજનોના સ્ટોલનું આયોજન કર્યું હતું. જેમાં પહેલા જ દિવસે સુરતીઓ ટૂટી પડ્યા હતાં. બટાકા પૌવા, લોચો, ખિચિયું, ઉસલપાવ ખાવા સુરતીઓ ઉમટ્યા હતા. તો બીજી તરફ ડાંગી આઈટમે લોકોમાં ઘેલું લગાડ્યું હતું. જેમાં ઉંબાડિયું બનાવનાર અને પિરસનાર બહેનો ખાસ ડાંગી પોષાકમાં જોવા મળી હતી. વ્યંજનો પર સુરતીઓ એવા તૂટી પડ્યા હતા કે સ્પોર્ટસ કાર્નિવલ સમાપ્ત થાય તે પહેલાં તો ખાણીપીણીના સ્ટોલ પર સૂંપડા સાફ થઈ ગયા હતાં. ખાસ વાત એ હતી કે આ ખાણીપીણીના સ્ટોલના નામ રમતના નામ પરથી રાખવામાં આવ્યા હતાં. જેમકે મહારાષ્ટ્રીયન કબડ્ડી ખિચિયું ખાવા લોકો ઉમટી પડ્યાં હતાં.
પહેલા દિવસે આ રમતો રમાઈ
ત્રિદિવસીય સ્પોર્ટસ કાર્નિવલના પ્રથમ દિવસે સાત ઠીકરી, એરોબિક્સ, ઝુમ્બા,સ્કેટિંગ, બેઝિક લાઈફ સપોર્ટ વર્કશોપ, સ્ટ્રીટ આર્ટ્સ, લાઈવ સ્કેચિંગ મુખ્ય આકર્ષણ હતા. નેશનલ ગેમ્સની વિવિધ રમતોની રંગોળી ઉપરાંત લંગડી, કોથળા કૂદ, દોરડા કૂદ, લાઈવ મ્યુઝિક બેન્ડ, ડાર્ટ ગેમ્સ, દોરડા ખેંચ, પાસિંગ ધ બોલ, ટીમ વર્કની રમત ‘સાથી હાથ બઢાના’, હુલા હુપ, જેવી વિવિધ ગેમ્સમાં જોડાઈ બાળકો, યુવાનો, મહિલાઓ સહિતના નાગરિકોએ રમતોત્સવનો આનંદ માણ્યો હતો.
- તારીખ સમય ઈવેન્ટ
- તા. 18-09 સવારે 6:30 થી 9:30 ગામઠી રમોત્સવ
- તા. 19-09 સવારે 6:30 થી 9:30 સાયકલીંગ રેલી
- તા. 20-09 સવારે 6:30 થી 9:30 નેશનલ ગેમ્સ આધારીત પરેડ
- ત્રણેય દિવસ રાત્રે 8 થી 11 ગરબા