સુરત: (Surat) કલાઇમેટ ચેન્જને પગલે હવે વાતવારણમાં બેવડી ઋતુનો (Season) અનુભવ થઇ રહ્યો છે. હાલ શિયાળાની (Winter) મોસમ શરૂ થઇ હતી. પરંતુ ફરી તેમા પાંચ દિવસનો ઇન્ટરવલ પડ્યો છે. લો પ્રેશર સિસ્ટમને પગલે સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની (Rain) ઝાપટા પડી શકે છે.
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઇ છે. આ સિસ્ટમ આગળ જતા ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે. પણ તેની અસર નહિંવત્ત રહેશે. જોકે લો પ્રેશર સિસ્ટમને પગલે સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની ઝાપટા પડી શકે છે. આગાહી મુજબ આગામી 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે ગમે ત્યારે વરસાદી ઝાપટા પડશે. હવામાન વિભાગની આ આગાહી સાથે સાથે ઉતર પશ્ચિમના હુંફાળા પવનો શરુ થતા તાપમાનનો પારો ઉપર ચઢશે. પરંતુ બે ડિસેમ્બર બાદ માવઠા બાદ ફરી શિયાળાનો આરંભ થશે. આગાહીને પગલે ખુલ્લા પાર્ટી પ્લોટમાં પ્રસંગ યોજનાર લગ્નના આયોજકોમાં ગભરાટ ફેલાયો છે. કોરોનાને કારણે અઢી વરસ બાદ જેમ તેમ લગ્નના મુહૂર્ત નીકળ્યા છે. તે વચ્ચે વરસાદની આગાહી આવતા લગ્ન પ્રસંગોનું આયોજન કરી બેઠેલા પરિવારજનોમાં ચિંતા ફેલાઇ જવા પામી છે.
નવસારી વલસાડમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું
નવસારી, વલસાડ : છેલ્લા ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં ભારે ફેરફાર જોવા મળ્યો હતો. વલસાડમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી, મહત્તમ તાપમાન 36 ડિગ્રી તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87 ટકા નોંધાયું હતું. નવસારી જિલ્લામાં ગુરૂવારે એક દિવસમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયાના એક જ દિવસ બાદ શુક્રવારની રાત્રે લઘુતમ તાપમાનમાં 2.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જો કે દિવસ દરમ્યાન ગરમીનો અહેસાસ હજુ યથાવત છે. 34 ડિગ્રીના મહત્તમ તાપમાન સાથે દિવસે ઉનાળાનો અહેસાસ થાય છે.
નવસારીમાં ગુરૂવારે રાત્રે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું. એક દિવસ ઠંડીના અહેસાસ બાદ શુક્રવારે રાત્રે ફરીથી લઘુતમ તાપમાનમાં 2.3 ડિગ્રીનો વધારો થતાં 16 ડિગ્રી નોંધાયું હતું. શનિવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું અને પવન ફક્ત કલાકે 2.9 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો.