સુરત: (Surat) ડિંડોલીમાં આવેલી એક સોસાયટીના (Society) બંધ મકાનમાંથી (House) કબજા રસીદ સહિતની ફાઇલો ચોરી કરીને બોગસ ડોક્યુમેન્ટના આધારે મનપા કચેરીમાં નામ ચઢાવી દેવાયું (Illegal Possession) હતું. આ મામલે ત્રણ મહિલા સહિત સાતની સામે ફરિયાદ થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ પલસાણાના વરેલી ગામમાં કૃષ્ણાપ્લાઝામાં રહેતી શિલાદેવી સૂર્યનાથ પાંડેએ ડિંડોલીમાં વૃંદાવન હાઉસીંગ સોસાયટી-2માં 179 નંબરનું મકાન ખરીદ્યું હતું. લોકડાઉનમાં તેઓ સમગ્ર પરિવાર સાથે વતન ચાલ્યા ગયા હતા. ત્યાંથી પરત આવીને પલસાણામાં રહેતા હતા. બે મહિના પહેલા તેઓ ડિંડોલીનું મકાન જોવા આવ્યા ત્યારે દરવાજામાં મારેલું તાળુ (Lock) બદલાયેલું હતું. લોક તોડીને તપાસ કરતા અંદરથી મકાનની ઓરીજનલ ફાઇલ સહિતના દસ્તાવેજો ચોરી થયા હતા.
- પલસાણાના વરેલીમાં રહેતો પરિવાર વતનમાંથી આવી ડિંડોલી મકાન જોવા ગયો તો દરવાજા પર નવું તાળું મારેલું દેખાયું
- સોસાયટીના બંધ મકાનમાંથી દસ્તાવેજો ચોરી કરી ખેલ કરનાર ત્રણ મહિલા સહિત સાતની સામે ગુનો દાખલ
આ મામલે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત મનપામાં તપાસ કરતા તેમાં સંજીવ સુરેન્દ્ર બહાદુરસિંગનું નામ માલિક તરીકે બતાવ્યું હતું. આ મકાન રમાશંકર ચૌધરી નામના ઇસમે સંજીવ બહાદુરસિંગને વેચાણથી આપી દીધું હતું. આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે મંગલ રામશિરોમણી યાદવ, સરીતાદેવ રમાશંકર ચૌધરી, રમાશંકર ચૌધરી, પાયલબેન રમાશંકર ચૌધરી, શૈલેષ શીવલાલ પુજારા, સંજીવસિંહ બહાદુરસિંહ તેમજ મીતાબેન પંચાલની સામે ફરિયાદ નોંધી તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મુંબઇ-યુપીના વેપારીએ સુરતના વેપારીને રૂા. 26 લાખનો ચૂનો ચોપડ્યો
સુરત : કોહીનુર માર્કેટમાં વેપાર કરતા વેપારી પાસેથી મુંબઇ અને યુપીના વેપારીઓએ રૂા. 26 લાખનો કાપડનો માલ ઉધાર ખરીદયા બાદ પેમેન્ટ નહીં આપતા પોલીસ ફરિયાદ થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ હરિયાણાના હિસ્સારના વતની અને સુરતમાં વેસુ વીઆઇપી રોડ ઉપર રત્નજ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા વિનીત પરમાનંદ બંસલ રીંગરોડની કોહીનુર માર્કેટમાં સિન્થેટીક સાડી તેમજ લહેંગાનો વેપાર કરે છે.આ દરમિયાન તેમની મુલાકાત સુરતમાં મિલેનીયમ માર્કેટમાં કાપડ દલાલીનું કામ કરતા રામપ્રસાદની સાથે થઇ હતી. રામપ્રસંદે વિનીતભાઇની મુલાકાત મુંબઇમાં વેપાર કરતા હિરેન પોપટ તેમજ તેમની પત્ની સોનલબેનને રૂા. 5.91 લાખનો માલ વેચ્યો હતો. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં વેપાર કરતા વેપારી દિનેશ પંજવણી, સપનાબેન ડાંગ અને તેના પતિ દુર્ગ ડાંગને રૂા. 20 લાખનો માલ આપ્યો હતો. બાદમાં આ ત્રણેય વેપારીઓએ વિનીતભાઇને પેમેન્ટ આપ્યું ન હતું. વારંવાર પેમેન્ટની ઉઘરાણી કરવામાં આવતા તેઓએ વિનીતભાઇને મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વિનીતભાઇએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સોનલબેન, હિરેનભાઇ પોપટ, દુર્ગ ડાંગ, સપનાબેન અને દિનેશ પંજવાણી સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.