સુરત: (Surat) અઠવા ઝોનમાં સમાવિષ્ટ વેસુની હાઇટેક એવન્યુ સોસાયટીની (Society) કોમન જગ્યામાં રાતોરાત ફેબ્રકેટેડ દેરાસર મુકી દેવાનો વિવાદ સતત વકરી રહયો છે. અહી રહેતા જૈન સમુદાયના અમુક લોકોએ કોમન જગ્યા પર 10 બાય 15 ચોરસ ફુટની જગ્યા જેટલુ ફેબ્રિકેટેડ સ્ટ્રકચર મુકી દીધુ હતુ જેમાં દેરાસર કરવાનું હોવાનુ જણાતા અન્ય (હીન્દુ) સમુદાયના રહીશોએ વિરોધ કર્યો હતો, જે દિવસે આ સ્ટ્રકચર મુકાયુ ત્યારે વિરોધ કરનારાઓને કાબુમાં રાખવા બાઉન્સરો (Bouncer) પણ લઇ અવાયા હોવાનો વિડિયો વાયરલ થયો હતો. દરમિયાન મામલો પોલીસ અને પાલિકા સુધી પહોંચ્યો હતો.
મનપા દ્વારા આ મુદ્દે અહીના ચારેય ટાવરના પ્રમુખોને નોટીસ પણ પાઠવાઇ છે, દરમિયાન આજે બંને પક્ષો મનપા મુખ્યાલય ખાતે દોડી આવ્યા હતા અને મ્યુ કમિશ્નરને રજુઆત કરી પોતપોતાનો પક્ષ મુકયો હતો. જયારે દેરાસરનો વિરોધ કરતા રહીશોએ તો જો આ મુદ્દે મનપા કડક કાર્યવાહી નહી કરે તો જાહેર રસ્તા પર શુક્રવારે ઘરણા પર બેસવાની ચિમકી પણ આપી છે.
વિસ્તૃત વિગતો મુજબ અઠવા ઝોનની ટીપી સ્કીમ નં ૨૯ (વેસુ-રૂઢ-મગદલ્લા)ના ફાઇનલ પ્લોટ નં ૨૮ ખાતે હાઇટેક એવન્યુ નામની હાઇરાઝ બિલ્ડીગના સી.ઓ.પીમાં તમામ સભ્યોની સહમતી નહી હોવા છતા બહારથી ફેબ્રીકેટેડ સ્ટ્રકચર લાવીને તેમાં દેરાસર બનાવવામાં આવી રહયું હતુ. જેથી જૈન સમુદાય અને હિન્દુ સમુદાયના લોકો સામસામે આવી ગયા છે. જૈન સમુદાય કાયદેસર જૈન દેરાસરનું બાંધકામ કર્યું હોવાની રજુઆત કરી રહ્યું છે. જયારે અન્ય સમુદાયના લોકો દેરાસરનું દબાણ દુર કરવાની માંગણી કરી રહ્યા છે. જેને પગલે મનપાનું તંત્ર ફીક્સમાં મુકાયું છે.
સોસાયટીમાં રહેતા અન્ય સમુદાયના લોકોએ મ્યુ કમિશ્નરને લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના મંજૂર પ્લાન મુજબ જ્યાં સી.ઓ.પી. દર્શાવવામાં આવ્યો છે તે સી.ઓપીની જગ્યા પર ગેરકાયદેસર રીતે દેરાસર ઊભું કરવામાં આવ્યું છે. જેને કારણે મંજુર પ્લાનમાં દર્શાવેલ ઇમારતમાં દાખલ થવાની એન્ટ્રી સંપૂર્ણ રીતે બંધ થઈ ગઇ છે. જેને કારણે ઇમારતને ફાયર એનઓસી મળી શકતું નથી અને ભવિષ્યમાં કોઈપણ અણબનાવ બનવાની શક્યતાઓ વધી ગઇ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સી.ઓ.પી.માં ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે નોટિસ આપવા છતાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની જગ્યાએ આખી રાત ગેરકાયદેસર બાંધકામ ચાલુ રહ્યું હતું અને માથાભારે તત્વો દ્વારા સોસાયટીમાં સીઓપીમાં ગેરકાયદેસર તરીકે બાંધકામ કરી આખી સોસાયટીનું વાતાવરણ દોહળી કાઢવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. જો દેરાસરનું કામ અટકાવવામાં નહી આવે તો ધરણા પર બેસવાની ચિમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.