SURAT

સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને છોડી સ્ટાફે પાણી ભરવા દોડવું પડે છે.., શું સુરત આ રીતે બનશે સ્માર્ટ સિટી?

સુરત: (Surat) સુરત મનપા સંચાલિત સ્મીમેર (Smimer) હોસ્પિલમાં છેલ્લા 21 દિવસથી પાણીની (Water) સમસ્યાએ જોર પકડ્યું છે. તંત્રને વારંવાર રજૂઆત છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી, અને સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટસમાં લોકો પાણી માટે બૂમાબૂમ કરી રહ્યા છે. આ સ્ટાફ ક્વાર્ટસમાં રહેતા લોકોએ એકસૂરે કહ્યું કે, અમે અમારી ફરજ બજાવીએ કે પછી જ્યારે પાણીનું ટેન્કર આવે ત્યારે પાણી ભરવા જઇએ? તંત્રની પાણી બાબતે ગંભીર બેદરકારીના કારણે સ્ટાફનો જ રોષ સાતમા આસમાને પહોંચ્યો છે.

  • સુરતને નંબર-1 અપાવવા સુરત મનપા તંત્ર એડીચોટીનું જોર લગાવી રહ્યું છે બીજી તરફ સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટસમાં લોકો પાણી માટે બૂમાબૂમ કરી રહ્યા છે
  • સ્મીમેરમાં રોજ બહારથી ટેન્કર મંગાવવું પડે તેવી સ્થિતિના લીધે ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ સહિત 1000 લોકોને હેરાનગતિ

સ્વચ્છતા સહિત સુરતને નંબર-1 અપાવવા સુરત મનપા (SMC) તંત્ર એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. કોઇક જગ્યાએ લાખો લીટર પાણી વેડફાઇ જાય છે, રસ્તાઓમાં ઝાડને ઉછેરવા અનેક લીટર પાણીનો ઉપયોગ કરાઇ છે. પરંતુ સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જ પાણી માટે લોકોએ તંત્ર પાસે કાલકૂદી કરવી પડી રહી છે. લોકોની સારવાર કરતાં આ સ્ટાફ ક્વાર્ટસના લોકોને છેલ્લા 21 દિવસથી પીવા માટે પાણી મળી રહ્યું નથી.

દરરોજ બહારથી ટેન્કર મંગાવવું પડે તેવી સ્થિતિ ઊભી થઇ ગઇ છે. આ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા અને હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ, પેરા મેડિકલ સ્ટાફ અને સ્ટુડન્ટ સહિત એક હજાર જેટલા લોકો રહે છે. હાલમાં આ સમસ્યાને લઈ પાલિકાએ ટેન્કરથી પાણી આપવાનું શરૂ કર્યું છે. ત્યારે સ્ટાફના સભ્યોને નોકરી સાચવવી કે ટેન્કરમાંથી પાણી ભરવા જવું તેવા પ્રશ્નો ઊભા થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ સ્ટાફ ક્વાર્ટસના લોકોએ બેથી ત્રણવાર સુરત મનપામાં તેમજ હાઇડ્રોલિક વિભાગમાં જાણ કરી હતી. હોસ્પિટલના ડીનને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હોવાનો સૂર ઊભો થયો છે.

આ બાબતે સ્મીમેર હોસ્પિટલના ડીન ડો.દીપક હોવલે જણાવ્યું હતું કે, સ્ટાફ ક્વાર્ટસમાં પાણીની સમસ્યા બાબતે સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગને જાણ કરાઇ છે, તેમજ ઉચ્ચ અધિકારીઓનું પણ ધ્યાન દોરાયું છે. આ સમસ્યા વહેલી તકે નિવારવામાં આવશે.

Most Popular

To Top