SURAT

પાલિકા સંચાલિત આ હોસ્પિટલમાં કેટલાક કર્મચારી દવા, બિસ્કિટ, છાશ, માસ્ક વગેરેની ચોરી કરી રહ્યાં છે

સુરત: (Surat) સ્મીમેર પ્લસ હોસ્પિટલના (Smimer plus hospital) સ્ટાફના કેટલાક કર્મચારીઓ બિસ્કિટ, છાસ તથા દવા, માસ્ક, કોટન, સેનિટાઇઝરની ચોરી કરતાં હોવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. આ ચોરી (Thief) અન્ય કોઇએ નહીં પરંતુ સ્મીમેરની સિક્યુરિટીએ જ શોધી કાઢી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મલ્ટિલેવલ પાર્કિંગમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરી ત્યાં કોરોના પોઝિટિવ દર્દીઓને રાખવામાં આવી રહ્યાં છે. અહીં દર્દીઓને તેમજ તેમના સંબંધીઓને તકલીફ નહીં પડે તે માટે સામાજિક સંસ્તા દ્વારા નિ:શુલ્ક નાસ્તો, બિસ્કિટ, છાશ સહિતની સુવિધા આપવામાં આવે છે. તાજેતરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ સ્ટાફને બે ટાઇમ નાસ્તો અને છાસનું વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે. દરમિયાન શનિવારે રાત્રે આઠ વાગ્યે સિક્યુરિટી ઇન્ચાર્જ રાજેશ સૂર્યવંશીએ અચાનક જ કોવિડ પ્લસ હોસ્પિટલમાં ફરજ પૂરી કરી ઘરે જઇ રહેલા સ્ટાફની બેગ ચેક કરવાનું જણાવ્યું હતું. જયાં ચેકિંગ હાથ ધરતા સ્ટાફની કેટલીક નર્સ, બ્રધર અને વોર્ડ બોય તથા આયાની પોલ ખૂલી ગઇ હતી.

સ્મીમેરનો કેટલોક સ્ટાફ શરદી-ખાંસીની દવા, એસિડિટીની શીરપ, સિરિન્જ, કોટન, સેનિટાઇઝર, બિસ્કિટ અને છાસ જેવી ચીજવસ્તુઓ ઘરે લઇ જતાં હોવાનું બહાર આવ્યું છે. રવિવારે બપોરે બે વાગ્યે તપાસ કરી હતી. ત્યારે પણ કેટલીક સિસ્ટર્સ અને બ્રધર અને વોર્ડબોય સેનિટાઇઝર અને માસ્ક મોટા પ્રમાણમાં ઘરે લઇ જતાં પકડાયાં હતાં.

રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારિયાઓના પાંચ દિવસના રિમાન્ડ

સુરતઃ ક્રાઈમ બ્રાંચ પોલીસે ગઈકાલે શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરી રહેલા 6 જણાની ધરપકડ કરી હતી. આજે તમામને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ યોગીચોક ખાતે નિત્યા મેડિકલ અને હોસ્પિટલ ચલાવતો વિવેક હીંમતભાઇ ઘામેલીયા નવી સિવિલમાંથી હોસ્પિટલના નામે 670 રૂપિયામાં ઇન્જેક્શન મેળવતો હતો. વિવેક પાસેથી યોગેશભાઈ બચુભાઈ કવાડ જે મેડિકલ રિપ્રેઝન્ટેટીવ છે તે ઇન્જેક્શન ખરીદી કરતો હતો. અને ગોડાદરા ફ્યુઝન પેથોલોજી લેબના ટેક્નીશીયન પ્રદીપ ચકોરભાઈ કાતરીયા, શૈલેષભાઈ જશાભાઈ હડીયા અને નીતીનભાઈ જશાભાઈ હડીયાને 4 હજાર રૂપિયામાં વેચતો હતો.

આ ત્રણેય માટે કલ્પેશ રણછોડભાઈ મકવાણા ટાઉટ તરીકે કામ કરતો હતો. અને તે ગ્રાહક શોધીને લાવતો હતો. ગ્રાહકોને આ ઇન્જેક્શન 12 હજાર રૂપિયામાં વેચતા હતા. કલ્પેશને એક ગ્રાહક એક ઇન્જેક્શન દીઠ 1000 રૂપિયા મળતા હતા. ક્રાઈમ બ્રાંચે ડમી ગ્રાહક મોકલી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી ઇન્જેક્શનના કાળાબજારીયાઓને પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 12 ઇન્જેક્શન અને ઇન્જેક્શન વેચાણની 2.45 લાખ રોકડ મળી આવતા કબજે લીધી હતી. તમામ આરોપીઓને આજે કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ પાંચેયની સાથે ઇન્જેક્શનની કાળા બજારીમાં અન્ય હિરેન અને મહેશ નામના વ્યક્તિનું પણ નામ સામે આવી રહ્યું છે. જેથી ક્રાઈમ બ્રાંચ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top