સુરત: (Surat) ખટોદરા જળવિતરણ મથકમાં જુની લાઈનનું રીપેરિંગનું કામ કરવાનું હોવાથી સેન્ટ્રલ, અઠવા અને ઉધના ઝોનમાં (Zone) તા. 3 અને 4 જુને ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. અને અંદાજીત 3 લાખની વસતીને તેની સીધી અસર થશે. સુરત મહાનગર પાલિકાના (SMC) ઉધના ઝોનમાં આવેલી ખટોદરા જળવિતરણ મથક ખાતે ઓવરહેડ ટાંકીની આઉટ ગોઇંગ એમ.એસ. લાઈન લિકેજ રીપેરિંગ અને મજુરા ગેટ ખાતે મેટ્રોની કામગીરીમાં નડતરરૂપ 450 મી.મી. વ્યાસની શિફ્ટીંગ કરવામાં આવેલી લાઈનનું હયાત 1100 મી.મી. વ્યાસની નળીકા સાથે જોડાણની અગત્યની કામગીરી આગામી તા. 3 અને 4 જુનના રોજ કરવામાં આવશે.
- આગામી તા. 3 અને 4 જુને સેન્ટ્રલ, અઠવા અને ઉધના ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે: આજે પાણીનો સંગ્રહ કરી લેજો
- ખટોદરા જળવિતરણ મથકમાં પાણીની લાઈન બદલાશે જેથી અંદાજીત 3 લાખ વસતીને અસર થશે
તા. 3 જુને કામગીરી સવારે 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીમાં હાથ ધરવામાં આવશે. જેના કારણે ખટોદરા ઓવરહેડ ટાંકી ભરી શકાય તેમ ન હોવાથી તેમજ રાંદેરથી ખટોદરા જતી ટ્રાન્સમીશન નળિકા ઉપર શટ ડાઉન હોવાથી અઠવા જળવિતરણ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકી દ્વારા અપાતો નિયમિત પાણી પુરવઠો આપી શકાય તેમ નથી. જેથી અઠવા, ઉધના અને સેન્ટ્રલ ઝોનના અસરગ્રસ્ત વિસ્તારોના રહીશોને પાણીનો સંગ્રહ કરી રાખવા મનપા દ્વારા અપીલ કરાઈ છે.
કયા કયા વિસ્તારો અસરમાં આવશે
અઠવા ઝોનમાં નવી સિવિલ હોસ્પિટલનો વિસ્તારમાં આ ઉપરાંત બીજા દિવસે સવારે એટલે કે તા. 4 જૂનના રોજ રવિવારે 8-30 થી 12.30 દરમિયાન પીપલોદ ગામતળ, ઉમરા ગામતળ, સિટી લાઈટ, એસ.વી.એન.આઈ.ટી. કોલેજ, વીર નર્મદ યુનિવર્સિટી, ઇચ્છાનાથ, કારગીલ ચોક વગેરે વિસ્તારની સોસાયટીઓ તથા તેને સંલગ્ન વિસ્તારમાં પાણી પુરવઠો આપી શકાય તેમ નથી. આ ઉપરાંત 4 જૂનના રોજ સવારના સપ્લાયમાં સમાવિષ્ટ વિસ્તાર બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળીયા અને તેની આજુબાજુના વિસ્તાર પાણી પુરવઠો મળશે નહીં.
આ ઉપરાંત અઠવા ઝોનના કેટલાક વિસ્તાર જેવા કે નવી સિવિલ હોસ્પિટલનો વિસ્તારમાં સવારે પહેલા સપ્લાયમાં સવારે 5 થી 8 વાગ્યા વચ્ચે અઠવાગેટ અઠવા પોલીસ લાઈન, પનાસ ગામ તળ, ઘોડદોડ રોડ, રામ ચોક, સર્જન સોસાયટી, પાંજરાપોળ તથા આજુબાજુના સંલગ્ન સોસાયટી તેમજ સવારના બીજા સપ્લાયમાં સવારે 8:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી સપ્લાય મળશે નહી. આ ઉપરાંત પીપલોદ ગામતળ, ઉમરા ગામતળ, સીટી લાઈટ, એસ.વી.એન.આઈ.ટી. કોલેજ, વીર નર્મદ યુનિવર્સિટી, ઇચ્છાનાથ, કારગીલ ચોક વિગેરે વિસ્તારમાં સમાવિષ્ટ સોસાયટી તથા તેને સંલગ્ન વિસ્તારમાં પાણી પુરવઠો અંશતઃ અવરોધાય ઓછા પ્રેશરથી નહીંવત મળવાની શક્યતા છે.