SURAT

જેસીબીનું ટાયર એટલા પ્રેશરથી ફાટ્યું કે સુરત મનપાના સફાઈ કર્મીનો આખો ચહેરો છૂંદાઈ ગયો

સુરત: સુરતની મહાનગરપાલિકાના સફાઈ કામદારનું જેસીબીનું ટાયર ફાટતાં કરૂણ મોત નિપજ્યું છે. સફાઈ કામદાર પાસે સફાઈના બદલે વાહનોના ટાયરના પંચર રિપેર કરાવવામાં આવતા હતા તેવા મૃતકના પરિવારજનોએ મનપા પર ગંભીર આક્ષેપો કર્યા છે.

  • સફાઈ કર્મી શૈલેષ સોનવાડિયાનું મોત થયું
  • શૈલેષના 3 મહિના પહેલાં જ લગ્ન થયા હતા
  • સફાઈ કર્મી હોવા છતાં વાહન રિપેરિંગના કામ કરાવાતા હતા
  • પાલિકાની બેદરકારીના લીધે મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ
  • જવાબદારો સામે પગલાં લઈ ન્યાય અપાવવા પરિવારજનોની માંગ

આજે સવારે સુરતના ખજોદની ડિસ્પોઝલ સાઈટ પર ગમખ્વાર ઘટના બની છે. અહીં સફાઈ કર્મચારી તરીકે નિયુક્ત થયેલા એક યુવકનું મોત નિપજ્યું છે. આ યુવકના 3 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. શૈલેષ સોનવાડિયા નામના આ સફાઈ કર્મચારીનું જેસીબીનું ટાયર ફાટવાના લીધે મોત થયું છે. ઈજાગ્રસ્ત હાલતમાં તેને ઓપોલો હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સફાઈ કર્મચારી હોવા છતાં શૈલેષ પાસે વાહનોના પંચર અને રિપેરિંગના કામો કરાવાતા હતા. પાલિકાની બેદરકારીના લીધે શૈલેષનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા.

નોંધનીય છે કે વર્ષ 2017માં કાયમી સફાઈ કામદાર તરીકે શૈલેષ સોનવડિયાની પાલિકામાં નિયુક્તિ થઈ હતી. ખજોદની વેસ્ટ ડિસ્પોઝ સાઈટ પર તેની ડ્યૂટી હતી. 13મીના રોજ જન્મદિવસની ઉજવણી શૈલેષે કરી હતી. તેનું અચાનક મોત થતાં પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. શૈલેષના લગ્ન હજુ 3 મહિના પહેલાં જ થયા હતા. મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવતા પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો.

શૈલેષના અકાળ મૃત્યુના પગલે પરિવારના સભ્યોએ સિવિલ હોસ્પિટલમાં જ હૈયાફાટ રૂદન કર્યું હતું. શૈલેષની બહેને પાલિકા પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, શૈલેષની નિમણૂંક સફાઈ કામદાર તરીકે થઈ હોવા છતાં તેની પાસે અન્ય વિભાગના કામો કરાવાતા હતા. પાલિકાની બેદરકારીના લીધે તેનું મોત થયું છે. જવાબદાર સામે પગલાં લઈ ન્યાયની માંગણી શૈલેષના પરિવારજનોએ કરી હતી.

પાલિકાના લેબર યુનિયનો દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરાઈ
ખજોદ ખાતે એક સફાઈ કામદાર કર્મચારી ને સફાઈ ની કામગીરી ના કરાવતા સુરત મહાનગર પાલિકા ની ગાડીનું પંચર બનાવાની કામગીરી કરાવતા એક ખૂબ મોટો અકસ્માત થયો છે, જેમાં આ સફાઈ કામદારને 108માં એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં આ સફાઈ કામદાર કર્મચારીનું એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બાબતે જવાબદાર અધિકારીઓ સામે 302 જેવી કલમો દાખલ થાય અને આ સફાઈ કામદાર દીકરા ને ન્યાય મળે તેવી યુનિયન ના લીડરો દ્વારા ફરિયાદ કરવામાં આવશે.

Most Popular

To Top