સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત સ્વિમિંગ પુલમાં (Swimming Pool) ઉનાળાના (Summer) વેકેશન દરમિયાન ભારે ધસારો રહેતો હોય છે. ત્યારે બરાબર વેકેશનનો સમય આવવાના પહેલાં જ સ્વિમિંગ પુલોની મેમ્બરશીપ ફીની (Membership Fee) સાથે 18 ટકા જી.એસ.ટી. (GST) લગાવવા માટે દરખાસ્ત શાસકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. જેના પર ગુરુવારે શાસકો નિર્ણય લેશે. જો આ દરખાસ્ત મંજૂર કરવામાં આવશે તો સ્વિમિંગ કરવું મોંઘું બનશે.
- ફી સાથે જીએસટી પણ વસૂલવા દરખાસ્ત, ત્રણ માસની 1200 રૂપિયા સભ્ય ફી પર 216 રૂપિયા જેટલો જીએસટી લાગી શકે
સુરત મનપા દ્વારા શહેરીજનોના આનંદપ્રમોદ માટે કાર્યરત કરાયેલા પ્રોજેક્ટમાં ટિકિટ પર જીએસટી વસૂલાતી નથી. અગાઉ એક્વેરિયમ અને નેચર પાર્કમાં જીએસટી વસૂલવાની દરખાસ્ત આવતાં વિરોધ થયો હતો અને આ દરખાસ્ત મુલતવી રખાઇ હતી, ત્યારે હવે સ્વિમિંગ પુલમાં જીએસટી વસૂલવાની દરખાસ્ત આવી છે. તેમજ જો આ મંજૂરી મળે તો ત્રણ માસની 1200 રૂપિયા સભ્ય ફી પર 216 રૂપિયા જેટલો જીએસટી લાગી શકે છે. તેથી મનપાના સ્વિમિંગ પુલોમાં મેમ્બરશીપ ધરાવતા બે હજાર જેટલા સભ્યો પર બર્ડન વધે તેવી શક્યતા છે.
કોરોના અંત તરફ: મનપાના ગાર્ડનો હવે રાત્રે 11 સુધી ખુલ્લા રહેશે
સુરત: કોરોના કાળમાં રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે મનપા દ્વારા શહેરમાં જાહેર સ્થળો પર ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. તેમજ 50 ટકા લોકોની હાજરી સાથે ગાર્ડનનો સમય પણ બદલવામાં આવ્યો હતો. કારણ કે, કોરોનાના કારણે રાત્રિ કરફ્યૂ પણ લાગુ હતો. પરંતુ હાલમાં કોરોના પણ જાણે અંત તરફ હોય, મનપા દ્વારા શહેરના તમામ બગીચાનો સમય કોરોનાના અગાઉ જેમ રાબેતા મુજબ ચાલતા હતા તે પ્રમાણે કરી દેવામાં આવ્યો છે. હવેથી શહેરના તમામ ગાર્ડન સવારે 6થી 12 અને સાંજે 3થી 11 સુધી ચાલુ રહેશે.
કોરોના કાળમાં મનપા દ્વારા ગાર્ડનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં ગાર્ડન સવારે 6થી 10 અને સાંજે 4થી 9 ખુલ્લા રાખવામાં આવતા હતા. પરંતુ કોરોનાના કેસ ઓછા થતાં શહેરીજનોની પણ માંગણી હતી કે, હવે ગાર્ડન રાબેતા મુજબ ખુલ્લા રાખવામાં આવે. જેથી મનપા દ્વારા હવે આજથી શહેરના તમામ ગાર્ડન સવારે 6થી 12 અને સાંજે 3થી 11 સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.